અમદાવાદ : અમદાવાદમાં ગત રવિવારે સાંજથી શરુ થયેલા વરસાદ સમયે શહેરના વિવિધ વિસ્તારમાં પાંચ ઈંચથી લઈ અઢાર ઈંચ સુધીનો ભારે વરસાદ થતા મ્યુનિ.તંત્રે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ૪૩૦ જેટલી ખાનગી સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટે ૮૦ પમ્પ મુકયા હતા.આગામી સમયમાં શહેરમાં સેલર ધરાવતા બાંધકામોવાળી ઈમારતોમાં સેલરમાંથી પાણીનો નિકાલ કરવા માટે સોસાયટીએ જ પમ્પની વ્યવસ્થા કરવી પડશે.આ અંગે નવી પોલીસી પણ મ્યુનિ.દ્વારા બનાવવામાં આવશે.
સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરમાં રવિવાર અને સોમવાર ઉપરાંત ગુરુવારે સવારે પડેલા વરસાદને લઈ વરસાદી પાણીના નિકાલ અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.ચેરમેન હિતેશ બારોટે પ્રતિક્રીયા આપતા કહ્યુ,મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર તરફથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય એ માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા.ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ખાનગી સોસાયટીઓમાં જયાં પણ સેલરમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા એ તમામ સોસાયટીઓમાં પણ મ્યુનિ.તંત્ર તરફથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવ્યો હતો.આવનારા સમયમાં સેલર ધરાવતી ખાનગી સોસાયટીઓના સેલરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સોસાયટી દ્વારા જાતે જ વરસાદી પાણીનો નિકાલ થાય એ હેતુથી પમ્પની વ્યવસ્થા તેમના દ્વારા કરવાની રહેશે.
શહેરમાં એક ઈંચ જેટલા વરસાદમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનની ક્ષમતા ઓછી હોવાથી વરસાદી પાણી બેક મારી લોકોના ઘર સુધી પહોંચતા હોવાથી આગામી સમયમાં જે કોઈ પણ વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવશે તે વધુ ક્ષમતાવાળી તૈયાર થાય એ પ્રમાણેનું આયોજન હાથ ધરવામાં આવશે.
શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીના ઝડપથી નિકાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરજ ઉપર મુકવામાં આવેલા સ્ટાફને પાલડી વિસ્તારમાં વિશ્વકુંજ ચાર રસ્તા પાસે ડ્રેનેજની સફાઈ દરમિયાન મોટી માત્રામાં લોકો દ્વારા ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટ મળી આવ્યો હતો.પ્લાસ્ટિક વેસ્ટના કારણે સ્ટ્રોમ વોટર પમ્પિંગની પાણી ખેંચવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.