અમદાવાદ : બુધવાર,1 જુન,2022 : સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં લોકોની વાંચનભૂખમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.આજના મોબાઈલ અને આઈફોન કે આઈપેડના યુગમાં વાંચકોને જે જોઈએ એ ઓનલાઈન ઉપલબ્ધ થતુ હોવાથી શહેરમાં આવેલા પુસ્તકાલયોમાં વાંચકોની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.એક સમય હતો જયારે પરીક્ષાનો કે વેકેશનનો સમય હોય તો શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પુસ્તકાલયોમાં સભ્ય બનવા માટે વાંચકોની લાઈન લાગતી હતી.ઉપરાંત વાંચક બનવા માટે લોકો પોતપોતાના વિસ્તારના કોર્પોરેટરોને ઘેર જઈ પુસ્તકાલયમાં સભ્ય બનવા માટેના ફોર્મ ઉપર સહી કરાવવા માટે દોડી જતા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારમાં પુસ્તકાલયો આવેલા છે.સારંગપુરમાં આવેલા ભાઈશંકર નાનાભાઈ પુસ્તકાલયમાં હાલમાં ૭૦ સભ્યો વાંચનનો લાભ લઈ રહ્યા છે.આ ઉપરાંત આસ્ટોડીયા વિસ્તારમાં આવેલી ઢાળની પોળમાં આવેલા મ્યુનિસિપલ વાંચનાલયમાં ૨૦ સભ્યો વાંચનનો લાભ લઈ રહ્યા છે.કાંટોડીયા ખાતે આવેલા નારણભાઈ.આર.ચૌહાણ પુસ્તકાલયમાં ૧૫૦ લોકો વાંચનનો લાભ લઈ રહ્યા છે.પાનકોરનાકા વિસ્તારમાં આવેલા દાદાભાઈ નવરોજી મ્યુનિસિપલ વાંચનાલય ખાતે કુલ ૧૫ સભ્યો વાંચનનો લાભ લઈ રહ્યા છે.જમાલપુરના મોટાબંબા ચોક ખાતે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના વાંચનાલય ખાતે હાલમાં કુલ ૧૦ વાંચકો નોંધાયેલા છે.
રાયખડ ખાતે આવેલા શૂન્ય પાલનપુરી મ્યુનિસિપલ વાંચનાલય ખાતે કુલ ૧૫ વાંચકો નોંધાયેલા છે.ઢાલગરવાડ ખાતે આવેલુ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાંચનાલય હાલ બંધ હાલતમાં છે.જેનુ પઝેશન મધ્યઝોન એસ્ટેટ વિભાગને સોંપવામાં આવેલુ છે.બહેરામપુરા વોર્ડમાં આવેલ ભીખુભાઈ ચાવડા પુસ્તકાલયમાં હાલમાં કુલ ૧૫ સભ્યો નોંધાયેલા છે.આ અંગે ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રતિક્રીયા આપતા કહ્યુ,મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેમ નદીપારના વિસ્તારોમાં રહેતા લોકોને આધુનિક પુસ્તકાલયો વિવિધ સવલત સાથે આપવામાં આવી રહ્યા છે.એ પ્રમાણે શહેરના મધ્યઝોન અને ખાડિયા-જમાલપુર વિધાનસભા મત વિસ્તારમાં આવેલા પુસ્તકાલયોમાં પણ સગવડ આપવી જોઈએ.
શહેરમાં ઘણા એવા પુસ્તકાલયો આવેલા છે કે જેમાં પીવાના પાણીની કે પુરતી બેસવા માટેની સગવડ પણ નથી.ઉપરાંત હાલની માંગ પ્રમાણે જે વર્તમાનપત્ર ઉપરાંત અન્ય સામયિકો સમયસર મુકાવા જોઈએ એ મુકવામાં આવતા ના હોવાની ફરિયાદો આ પુસ્તકાલયોનો ઉપયોગ કરનારાઓ તરફથી કરવામાં આવી રહી છે.કયાંક તો સાંકડી અને ઓછી જગ્યામાં ચાલતા પુસ્તકાલયોમાં ગરમીના સમયમાં પુરતા પંખા પણ ચાલતા હોતા નથી.આ પ્રમાણેના અલગ અલગ કારણોને લઈ વાંચકો પુસ્તકાલયોમાં જવાનુ ટાળી રહ્યા છે.વાંચકોને ફરીથી પુસ્તકાલયો તરફ વાળવા તેમને જરુરી એવી પ્રાથમિક સુવિધા તંત્રે આપવી જોઈએ.