નવી દિલ્હી તા. ૧૭ : વન નેશન-વન રાશન કાર્ડ પછી હવે સરકાર વન નેશન વન સ્ટાન્ડર્ડને અમલમાં મુકવાની તૈયારીઓ કરી રહી છે.ગ્રાહક મંત્રાલયનું કહેવું છે કે આખા દેશમાં વન નેશન વન સ્ટાન્ડર્ડને લાગુ કરવામાં આવશે.આના માટે બધા સંબંધિત મંત્રાલયો સાથે ચર્ચાઓ ચાલી રહી છે.
કેન્દ્રીય ગ્રાહક પ્રધાન રામ વિલાસ પાસવાને કહયું કે વન નેશન વન સ્ટાન્ડર્ડ પર ચર્ચાઓ થઇ રહી છે. આ બાબતે ટૂંક સમયમાં જ ભારતીય માપદંડ બ્યુરો (બીઆઇએસ)ના અધિકારીઓ સાથે મીટીંગ કરવામાં આવશે.આમ તો,મંત્રાલયે વન નેશન – વન સ્ટાન્ડર્ડ માટે એક સમયસીમા પણ નકકી કરી હતી પણ કોરોના મહામારીના કારણે તેના પર અમલ નથી થયો.
મંત્રાલયના એક સીનીયર અધિકારીએ કહયું કે આ એક લાંબી પ્રક્રિયા છે પણ આ લક્ષ્યને હાંસલ કરી શકાય તેમ છે.કોરોના મહામારીના કારણે થોડુંક મોડું થયું છે પણ હવે ફરીથી તેને પ્રાથમિકતા આપીને આગળ વધારવામાં આવશે. માર્ચ-ર૦ર૧ સુધીમાં આખા દેશમાં વન નેશન – વન રાશન કાર્ડનું લક્ષ્ય હાંસલ કર્યા પછી મંત્રાલય વન નેશન વન સ્ટાન્ડર્ડ પર આગળ વધશે.
અધિકારીએ કહયું કે દેશમાં માપદંડ તૈયાર કરવાની જવાબદારી બીઆઇએસની છે પણ ઘણાં અન્ય મંત્રાલયો પણ અલગ અલગ વસ્તુઓના માપદંડ નકકી કરે છે. અમારા પ્રયાસ છે કે સંબંધિત મંત્રાલયો પોત – પોતાના માપદંડો નકકી કરે પણ તે માપદંડોને અધિસૂચિત કરવાની જવાબદારી બીઆઇએસ નિભાવે. બીઆઇએસ અત્યાર સુધીમાં ર૦ હજારથી વધારે માપદંડો બનાવી ચુકયું છે.