અમદાવાદ : ગુજરાત સરકારની રિડેવલપમેન્ટની પોલીસીમાં ઘણી બધી બાબતોએ સ્પષ્ટતા ન હોવાથી જર્જરિત થઈ ચૂકેલા હાઉસિંગ બોર્ડના મકાનો ગમે ત્યારે કડડડભૂસ થઈ જાય તેવા જોખમો વચ્ચે લોકોને જીવવું પડી રહ્યું છે.તેથી જ હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા લોકો,સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખીને ૨૫થી ૫૦ વર્,જૂના અને જર્જરિત મકાનોના રિડેવલપમેન્ટ માટેની પોલીસીમાં જરૃરી સુધારા-વધારા કરવા જોઈએ.ગુજરાત હાઉસિંગ વસાહત મંડળે આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી છે.આ સુધારા થતાં જીવલેણ અકસ્માતો થતાં પણ અટકાવી શકાશે.જૂની ઇમારતોના રિડેવલપમેન્ટ માટે અત્યારે કરવામાં આવી રહેલા સુધારા વધારાઓ મકાનમાં વસનારાઓ કરતાં બિલ્ડરો અને ડેવલપર્સના હિતમા જ લેવાતા હોવાનું જોવા મળી રહ્યું હોવાની ફરિયાદ પણ આ સાથે જ કરવામાં આવી છે.
આ મુદ્દે સ્પષ્ટતા કરતાં વસાહત મંડળના દિનેશ બારડ કહે છે કે ૨૦૧૬ની પોલીસીમાં જૂના રહેવાસીઓ માટે અને બીજા ભાગમાં એફોર્ડેબલ માટે મકાન બનાવવા અને ત્યારબાદ વધતી એફએસઆઈમાં બિલ્ડર હાઈફાઈ આધુનિક મકાનો બનાવીને વેચી શકે તેવી જોગવાઈ હતી. પરંતુ ૨૦૧૯માં સુધારો કરીને તેમાં ચોરસ મીટર જમીન દીઠ બિલ્ડરો પાસેથી સરકારે-હાઉસિંગ બોર્ડે પ્રીમિયમ લઈ લેવાની વ્યવસ્થા દાખલ કરી હતી.તેને માટે ટેન્ડર મંગાવી એચ-૧ આપનારને રિડેવલપમેન્ટના કામ સોંપાય છે.હા,તેમાં બિલ્ડરોને એફોર્ડેબલ હાઉસિંગ તે સ્કીમમાં બનાવવાની જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ વ્યવસ્થા હેઠળ જૂના રહેવાસીઓને મકાન આપ્યા તેની સામે નવા વધારાના ફ્લેટ બનાવ્યા તેમાં બિલ્ડરોને કમાણી પણ થઈ છે.આ જ લાઈન પર હાઉસિંગ બોર્ડની જર્જરિત થઈ ગયેલી દરેક સ્કીમમાં લાગુ કરવાની માગણી કરવામાં આવી છે.આમ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં હાયર ઇન્કમ ગુ્રપના રહેવાસીઓની જર્જરિત ઇમારત કડડડભૂસ થઈ ગયા પછી તેને રિડેવલપ કરવામાં આવી તે જ લાઈન પર ગુજરાત હાઉસિંગ બોર્ડની ૨૫ વર્ષથી જૂની ઇમારતોને રિડેવલપ કરી આપવાની માગણી પણ ગુજરાત હાઉસિંગ વસાહત મંડળે માગણી કરી છે.તેમ કરીને જર્જરિત ઇમારતો બેસી જવાને કારણે જીવલેણ અકસ્માતો થતાં અટકાવી શકાશે અને લૉઅર,મિડલ અને હાયર ઇન્કમ ગુ્રપની વસાહતોમાં વસનારાઓને સારા મકાન પણ આપી શકાશે.
ઓરિજિનલ કાર્પેટ એરિયા ઉપરાંત ૪૦ ટકા વધારાની જગ્યા આપવાના નિયમનું ચુસ્તીથી પાલન થાય તેવી વ્યવસ્થા કરવાની માગણી પણ કરવામાં આવી છે.તેમ જ નવા બાંધકામની સંપૂર્ણ કિંમત પર સ્ટેમ્પ ડયૂટી ન લેવાની અને શક્ય બને તો સ્ટેમ્પ ડયૂટી માફ કરી આપવાની માગણી પણ કરવામાં આવી છે.રિડેવલપમેન્ટ પોલીસીના નિયમ નંબર ૩.૧(રોમન-૩૦માં આ જોગવાઈ કરેલી છે.તેમાં ઓરિજિનલ કાર્પેટ એરિયાથી ૩૦ ચોરસ મીટર વધારે કે ૪૦ ટકા વધુ બેમાંથી જે વધારે હોય તે આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે.આ સાથે જ નવા તૈયાર થયેલા મકાનોના મેઈન્ટેનન્સની ડિપોઝિટ બિલ્ડર્સ જ જમા કરાવી દે તેવી વ્યવસ્થા કરવાની પણ માગણી કરવામાં આવી છે.
જર્જરિત થયેલા મકાનોના ૨૫ ટકા કે તેનાથી ઓછા સભ્યો રિડેવલપમેન્ટના નિર્ણય લેવાયાની નોટિસ મળ્યા પછીય પણ સહકાર ન આપતા હોવાથી સમગ્ર પ્રોજેક્ટના અમલીકરણમાં આવતા અવરોધ ન આવે તે માટે રિડેવલપમેન્ટ પોલીસીમાં સ્પષ્ટતા કરવાની માગણી કરવામાં આવી છે.રિડેવલપમેન્ટનો નિર્ણય લેવાયા પછી કોઈપણ કારણોસર રિટેન્ડર કરવાની નોબત આવે તો તે રિટેન્ડર કરવા માટે ચોક્કસ સમયગાળો નિશ્ચિત કરી આપવાની પણ વસાહત મંડળે માગણી કરી છે.