– કર્ણાટકની મોટાભાગની કોલેજો સુધી હિજાબ વિ.ભગવા ખેસનો વિવાદ પહોંચ્યો
બેંગ્લુરુ : કર્ણાટકના મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્માઇએ જુનિયર કોલેજના વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે માથા પર હેડસ્કાર્ફ કે હિજબ પહેરવા અંગે હાઇકોર્ટનો ચુકાદો આવે નહી ત્યાં સુધી તેઓ સ્કૂલ યુનિફોર્મ પહેરવાના રાજ્ય સરકારના આદેશનું પાલન કરે.કેબિનેટ વિસ્તરણની સાથે બીજી બાબતો અંગે ચર્ચા કરવા દિલ્હી ગયેલા બોમ્માઇએ રાજ્યમાં જુનિયર કોલેજોમાં ડ્રેસ કોડના વિવાદ અંગે ટિપ્પણી કરવા ઇન્કાર કર્યો હતો.તેના લીધે હિજાબ પહેરનારી મુસ્લિમ યુવતીઓને ક્લાસની બહાર રાખવામાં આવી રહી છે.
બાસવરાજ બોમ્માઇએ સોમવારે સવારે જણાવ્યું હતું કે આ કેસ કોર્ટમાં હોવાથી હું તેના પર ચર્ચા કરવા માંગતો નથી.આ બાબત અંગે હાઇકોર્ટનો આદેશ આવે નહી ત્યાં સુધી યુનિફોર્મ્સ પહેરવાની સૂચનાનું પાલન કરવામાં આવે.આ ઉપરાંત કોલેજના બહાર ઘાતક શસ્ત્રો સાથે આવેલા બે જણની પોલીસે ધરપકડ પણ કરી છે.પોલીસને સૂચના મળી હતી કે કેટલાક તત્વો કોમી તનાવ સર્જવા માટે આ સ્થિતિનો ફાયદો ઉઠાવી શકે છે.
હિજાબ વિવાદના પગલે કર્ણાટકની કેટલીક કોલેજોએ સોમવારે રજા જાહેર કરી હતી.આ વિવાદ સમગ્ર રાજ્યમાં પ્રસરી ગયો છે.વિદ્યાર્થીઓ સ્કૂલમાં હિજાબ કે ભગવો ખેસ પહેરીને આવે તેવા નવા બનાવ વિજયપુરા, ચિક્કાબોલપુર, ચિકમંગલૂર અને હાવેરી જિલ્લામાં નોંધાયા છે.ઉડુપીમાં કુંડપુર ગવર્નમેન્ટ પીયુ કોલેજમાં હિજાબ પહેરીને દેખાવ કરનારા વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૃમ અપાયો હતો.
તેમણે ઉમેર્યુ હતું કે પરીક્ષા આવી રહી છે અને બધા વિદ્યાર્થીઓએ પરિપત્રનું પાલન કરવું જોઈએ.આ વિવાદનો પ્રારંભ ત્યારે થયો જ્યારે ઉડુપી કોલેજના છ વિદ્યાર્થીઓએ ક્લાસમાં હિજાબ પહેરીને આવવાનો વિરોધ કર્યો.આ વિવાદ પછી ઉડુપીની ઘણી કોલેજો અને કર્ણાટકની પણ કોલેજોમાં ફેલાયો હતો.તેના વિરોધમાં ક્લાસમાં હિંદુ વિદ્યાર્થીઓએ ભગવો ખેસ પહેરીને આવવાનો પ્રારંભ કર્યો.તેના લીધે ક્લાસમાં વાતાવરણ ગરમ થઈ ગયું હતું.
હિજાબ પરના પ્રતિબંધ અંગે ઉડુપીની સરકારી કોલેજના ના કેટલાક વિદ્યાર્થીઓ કોર્ટમાં ગયા હતા.તેમની દલીલ હતી કે આ પ્રકારનો પ્રતિબંધ તેમને ભારતીય બંધારણની આર્ટિકલ ૨૫ની જોગવાઈ હેઠળ આપવામાં આવેલી ધાર્મિક અને વ્યક્તિગત સ્વતંત્રતાનો ભંગ કરે છે.હાઇકોર્ટ આ અંગે આઠમી ફેબુ્રઆરીના રોજ સુનાવણી કરશે.
પાંચમી ફેબ્રુઆરીના રોજ કર્ણાટક સરકારે પરિપત્ર જારી કર્યો હતો કે વર્તમાન શિક્ષણ વર્ષમાં યુનિફોર્મ અંગે સ્ટેટસ ક્વો જારી રાખવામાં આવે.આ પરિપત્રમાં કેટલીક કોલેજો દ્વારા હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેને યોગ્ય ઠેરવવામાં આવ્યો હતો.તેનાથી વિદ્યાર્થીઓને ધાર્મિક કે વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળભૂત બંધારણીય અધિકારનો ભંગ થતો નથી તેમ જણાવાયું હતું.તેની સાથે કર્ણાટક એજ્યુકેશન સ્ટેટ એક્ટ 1983ની જોગવાઈ પણ લદાઈ હતી, જેમા કહેવાયું હતું કે રાજ્ય બંધારણીય મૂલ્ય અને સામાજિક એક્તા જાળવી રાખવા કોલેજોને અભ્યાસક્રમ અંગે સૂચના આપી શકે છે.
ઉડુપીની કોલેજમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો તે પહેલા વિદ્યાર્થીઓ ક્લાસમાં હિજાબ વગર હાજરી આપતા હતા,પણ કેમ્પસમાં પહેરતા હતા.પણ તેના પછી વિદ્યાર્થીઓએ ક્લાસમાં પણ તેમને હિજાબ પહેરવાનો અધિકાર હોવાનું કહી દેખાવ કરતા કેટલીય કોલેજ કાઉન્સિલોએ તેમની સામેનું વલણ વધુ આકરુ બનાવ્યું હતું.મોટાભાગની કોલેજ કાઉન્સિલોના વડા તરીકે ભાજપના વિધાનસભ્યો છે.