સુરત તા. ૩ : ચાઇના કસ્ટમએ ફરી ડાયમંડ સ્મગલિંગ રેકેટ ઝડપી પાડતા હીરાઉદ્યોગમાં ફફડાટ પ્રસરી ગયો છે.ડાયમંડ સ્મગલિંગ રેકેટ હેઠળ કુલ રૂપિયા ૩૩પ૦ કરોડની દાણચોરી કરવામાં આવી હોવાનું તથા આ કેસમાં કુલ ૧ર૧ જેટલા શંકાસ્પદ સામે કાર્યવાહી હાથ ધરાઇ હોવાની વિગતો ચર્ચામાં છે.
હીરાઉદ્યોગ સાથે સંકળાયેલાઓમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ચાઇનીઝ કસ્ટમ દ્વારા ૪ ઓગસ્ટના રોજથી આ રેકેટ ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નેન્ઝીંગ, ઝાયમેન, વુહાન, ગોન્ઝાઉ, ચેંગડુ સહિતના શહેરમાં થયેલા શંકાસ્પદ વ્યવહારો પર નજર રાખવામાંં આવી હતી. જેના કનેકશનમાં તપાસ કરવામાં આવી રહી હતી. ઓગસ્ટ માસમાં કુરિયર સ્ટાફ તથા તેની પત્નીની અટક કરવામાં આવી હતી. જેના આધારે આ તપાસ હાથ ધરાઇ હતી અને ૧ સપ્ટેમ્બરના રોજ મધરાતે ૩-૦૦ કલાકના અરસામાં ૧ર૧ જેટલા શંકાસ્પદોને ઉઠાવવામાં આવ્યા હતા. ચર્ચા મુજબ આ ૧ર૧ શંકાસ્પદોમાં ૧ ભારતીય પણ હતોજો કે,તેની હાલમાં સંડોવણી નહિ જણાતા તેને જવા દેવામાં આવ્યો છે. ર૦ શહેરમાં હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન કુલ રપર૦ ડાયમંડસ, ૪૦૦૦ કેટેટસ બ્રોકન ડાયમંડસ, ૧પ૮ ઇનલેઇડ જ્વેલરી, શંકાસ્પદોના મોબાઇલ ફોન્સ, કમ્પ્યુટર્સ બુકસ ઓફ એકાઉન્ટસ તથા અન્ય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
આ સમગ્ર રેકેટ લાંબા સમયથી ચાલતું હોવાનું અને અત્યારસુધીમાં ૩.૮૮ બિલિયન યુઆનનું ટર્નઓવર થયાનો અંદાજ છે.જેના દાણચોરી દ્વારા કુલ ૭પ૮ મિલિયન યુઆન (અંદાજે પ૦૦ મિલિયન ડોલર) (રૂપી ટર્મમાં રૂપિયા ૩૭પ૦ કરોડ)ની કિંમતની ટેકસચોરી અંદાજવામાં આવી છે આ કેસમાં હાલમાં તો કોઇ ભારતીય સામે કાર્યવાહી થઇ નથી પરંતુ આ કેસને પગલે ભારતીય હીરાઉદ્યોગ સાથે સંકળાયેલાઓમાં હડકંપ જરૂર મચ્યો છે.
હોંગકોંગમાં ડાયમંડ ટ્રેડ ઠપ્પ ૪ થી ૧૪ ટકા બચાવવા દાણચોરીનો ખેલ
ચીનનું ડાયમંડ સ્મગલિંગ રેકેટ ખુલતા હોંગકોંગ સ્થિત ડાયમંડ વેપારીઓ દ્વારા પણ સાવચેતી અને તકેદારીરૂપે પગલા ભરવામાં આવી રહ્યા છે.બિનજરૂરી ખોટી કાર્યવાહીમાં ફસાઇ નહિ જવાય તથા ખોટી કાર્યવાહીનો ભોગ બનવું નહિ પડે તે માટે હોંગકોંગ સ્થિતિ ઘણા હીરા વેપારીઓએ વેપાર મર્યાદિત કરી દીધો છે.
જાણકારો મુજબ હોંગકોંગ ફ્રી પોર્ટ છે.જયાથી કોઇપણ જાતનાટેક્ષ વિના ડાયમંડ વેચાણ થાય છે જયારે ચાઇનાના સેન્ઝેનમાં ૧૪ ટકા ટેકસ લાગે છે.આ ટેકસની રકમ બચાવવા ઘણા સ્થાનિકો દ્વારા બિલ વિના વેપાર થાય છે જેઓ કુરિયર સ્ટાફ સાથે મળી ડાયમંડ સપ્લાય કરે છે.
હોંગકોંગ સ્થિત ભારતીય કંપનીઓ સુધી તપાસ લંબાઇ શકે
ઉદ્યોગ સાથે સંકળાયેલાઓ મુજબ ૧૦ વર્ષ પહેલાની ઘટના બાદ ચીન-હોંગકોંગમાં કાર્યરત ભારતીય પેઢીઓ સિસ્ટમમાં કામ કરવામાં માની રહીછે ઉપરાંત કોરોનાને લઇ મોટાભાગના ભારતીયોએ ચીન છોડી ગયા હતા જેઓ હજુ પરત ફર્યા નથી આ સંજોગોમાં ભારતીયોની સંડોવણી નીકળવાની શકયતા નહિવત છે. જો કે હોંગકોંગમાં ઘણા ભારતીયોની ડાયમંડ કંપની કાર્યરત છે જેઓ દ્વારા ચીનમાં ડાયમંડ સપ્લાય કરવામાં આવે છે જેઓનો કંપની પર આ રેકટેમાં તપાસ થઇ શકે છે પરંતુ તેનો મતલબ એવો નથી કે તેઓની સંડોવણી હોય હકીકતમાં હોંગકોંગ ફ્રીપોર્ટ હોય ત્યાંથી દુનિયાના વિવિધ દેશના વેપારી દ્વારા ખરીદી થાય છે હોંગકોંગના વેપારીઓ નિયમ મુજબ બિલ બનાવી ગુડઝનું વેચાણ કરે છે.બાદમાં ખરીદનાર દ્વારા ચોરીછુપીથી જે તે દેશમાં ડાયમંડ લઇ જવાય છે. આ રેકેટમાં શંકાસ્પદોએ હોંગકોંગની ઘણી પેઢી પાસે ખરીદી કરી હોવાની શકયતા છે. જેને લઇને તેઓ સુધી તપાસનો રેલો પહોંચે તેવી સંભાવના છે.