મુંબઇ, તા.16 : કોરોના મહામારી અને લોકડાઉનના ફટકાથી ભારતીય અર્થતંત્ર રીકવરીના પંથે છે અને વિકાસદરમાં સુધારો જોવા મળી શકે છે.જેને લઇને રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના વિકાસદર પૂર્વ અંદાજમાં સુધારો કરવામાં આવી રહી છે.આ વખતે સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ ગ્લોબલ રેટીંગ દ્વારા મંગળવારે ચાલુ નાણાંકીય વર્ષ 2020-21ની માટે ભારતના વિકાસદરનો અંદાજમાં સુધારીને માઇનસ 7.7 ટકા કરવામાં આવ્યો છે જ્યારે અગાઉ અર્થતંત્રમાં 9 ટકાના સંકોચનની આગાહી કરી હતી.
રેટિંગ એજન્સીએ ભારતીય અર્થવ્યવસ્થામાં વધી રહેલી માંગ અને કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા ઘટવાને પગલે પોતાના પૂર્વઅંદાજમાં સંશોધન કર્યું છે. એસએન્ડપીએ એક નિવેદનમાં જણાવ્યું કે,વધી રહેલી માંગ અને ઘટી રહેલા કોરોના સંક્રમણના કેસોએ ભારતીય અર્થવ્યવસ્થા પર કોરોના પ્રકોપના અમારા પૂર્વ અંદાજને બદલી દીધો છે.એસએન્ડપી ગ્લોબલ રેટિંગે માર્ચ 2021માં સમાપ્ત થનાર ચાલુ નાણાંકીય વર્ષની માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિને નકારાત્મક નવ ટકાથી સંશોધિત કરીને નકારાત્મક 7.7 ટકા કર્યો છે.
અમેરિકા સ્થિત રેટીંગ એજન્સીએ કહ્યું કે, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં અપેક્ષા કરતાં વધારે ઝડપથી સુધારો થવાને કારણે વૃદ્ધિના પૂર્વ અંદાજમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.રેટીંગ એજન્સી એસએન્ડપીએ આગામી નાણાંકીય વર્ષ 2021-22માં ભારતનો વિકાસદરમાં 10 ટકા રહેવાની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતનો વિકાસદરમાં એપ્રિલથી જૂન દરમિયાનના કોરોના સંકટને કારણે 23.9 ટકાનો ઐતિહાસિક ધબડકો બોલાયો હતો.જો કે ત્યાર પછીના સપ્ટેમ્બર કવાર્ટરમાં અર્થતંત્ર ઝડપથી રીકવર થયું અને જીડીપીમાં સંકોચન ઘટીને 7.5 ટકા રહી ગયું હતું.