સુરત અઠવાગેટ પાસે મહાવીર હોસ્પિટલ બહારનો વિવાદસ્પદ અધૂરો ફુટ ઓવરબ્રિજ સાત વર્ષ પછી અચાનક તોડી નખાતા તરેહતરેહની ચર્ચાએ જોર પકડ્યું છે.આ પોઇન્ટની આસપાસ જ ગાંધી એન્જિનિયરીંગ કોલેજ,વનિતા વિશ્રામ સ્કૂલ,એસએનડીટી કોલેજ,ગર્લ્સ પોલિટેકનિક કોલેજ,કે.પી કોમર્સ કોલેજ,એમટીબી કોલેજ,જીવન ભારતી શાળા જેવી શૈક્ષણિક સંસ્થા અને હોસ્પિટલો હોવાથી લોકોની અવરજવર ખૂબ જ રહેતી હોય ફુટ ઓવરબ્રિજની તાતી જરૂર છે.એટલું જ નહીં વર્ષ દરમિયાન પુસ્તક મેળા સહિતના અનેક મેળા ભરાય છે.
જેથી તે સમયમાં લાખો લોકોની અહિંયા અવર જવર રહે છે.ફ્રુટ ઓવરબ્રિજ ન હોવાથી લોકોએ ડિવાઇડર ઓળંગી રસ્તો ક્રોસ કરવો પડે છે.આ મુખ્ય રોડ હોવાથી વાહનોની અવરજવર વધુ હોવાથી છાશવારે અકસ્માત થયા છે.આમ ફુટ ઓવરબ્રિજના અધૂરા કામને પૂર્ણ કરવાના બદલે જમીનદોસ્ત કરાતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.પાલિકા ખાનગી એજન્સીને ફુટ ઓવરબ્રિજ બનાવવા આપી જાહેરાતના હક્કો પ્રસિધ્ધ કરવા દે છે પણ પાલિકાને ફદિયું મળતું ન હોઇ પાલિકા જ ફુટબ્રિજ બનાવે તો મોટી આવક થઇ શકે છે.
વિવાદની ખબર નથી, તોડવા મંજૂરી આપી હતી
ફુટ ઓવરબ્રિજના અધૂરા નિર્માણને તોડવા માટે ફાઇલ આવતાં મંજૂરી આપી હતી. પરંતુ 7 ફુટ ઓવરબ્રિજના વિવાદની મને જાણ નથી.આ અંગે તપાસ કરવામાં આવશે. – બંછાનિધી પાની,મ્યુ.કમિશનર
ફુટ ઓવરબ્રિજ બન્યાં પણ ઉપયોગ નહીવત
અડાજણ બસ ડેપો પર એક્સીલેટર વાળા ફુટ ઓવરબ્રિજનો ઉપયોગ માંડ ગણતરીના લોકો કરી રહ્યા છે.પાંડેસરામાં બે-બે માળનો એક્સીલેટર વાળો ફુટ ઓવરબ્રિજ બનાવતા રોડ સાઇડની પાછળની કેટલીક દુકાનો દેખાતી જ બંધ થતાંં દુકાનદારોની હાલત કફોડી બની છે.અઠવાગેટ પાસે ફુટ ઓવરબ્રિજના કારણે હોસ્પિટલનો ફ્રન્ટભાગ નહીં દેખાતા જે તે વખતે કામ અટકાવી દેવાયું હોવાની ચર્ચા હતી.ફુટ ઓવરબ્રિજ માટે પહેલાં સર્વે કરાયો હતો.