ગુજરાતમાં આવતીકાલે સાંજે લોકડાઉન-4નો અંત આવી રહ્યો છે ત્યારે હવે લોકડાઉન-5 એ વધુ છૂટછાટવાળુ હશે અને ખાસ કરીને રાજય સરકાર અમદાવાદ,વડોદરા,સુરત જેવા હાલ કોરોનામાં સૌથી વધુ સપડાયેલા મહાનગરોના ક્નટેનમેન્ટ ઝોન સિવાયના રાજયના તમામ વિસ્તારોમાં સવારે 7થી રાત્રીના 9 સુધી તમામ પ્રકારના વ્યાપારની છૂટ્ટ આપશે અને સાથોસાથ ધાર્મિક સ્થાનોને પણ સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક આરતી કે તેવા ધાર્મિક પ્રક્રિયા સમયે લોકો માટે ખુલી મુકવાની છૂટ આપશે.જો કે તેમાં મર્યાદીત લોકો હાજર રહી શકે તે જોવા માટે જે તે ધર્મસ્થાનને ખાસ તાકીદ કરાશે.
ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં ચોમાસુ ચાલુ થઈ ગયુ છે અને આગામી દિવસોમાં સરકારનો ઈરાદો શૈક્ષણિક વ્યવસ્થા પણ ચાલુ કરવાનો છે અને તેથી જ તબકકાવાર લોકો કોરોનામાં સોશ્યલ ડીસ્ટન્સ સહિતના નિયમો જાળવવાની ટેવ પાડે તે માટે ગ્રાન્ડ રીહર્લસર જેવી સ્થિતિ ઉભી કરવા માંગે છે અને તેથી રાજય સરકારને આગામી દિવસોમાં કોરોના સામેના જંગમાં કઈ રીતે આગળ વધવુ તે એક રૂપરેખા મળી શકશે.ટોચના સૂત્રોએ જણાવ્યું કે આખરે તો કેન્દ્ર સરકાર જ જે નિયમ આપશે તે બંધનકર્તા રહેશે પરંતુ રાજય હવે લોકોને દોડતા કરવા માંગે છે.રેસ્ટોરા અને હોટેલોને મર્યાદીત છૂટછાટ અપાશે.ખાસ કરીને ધર્મસ્થળની આસપાસના હોટેલ-રેસ્ટોરાને મંજુરી અપાશે તેથી તબકકાવાર પ્રવાસનને ફરી ચાલુ કરી શકાય.હાલની એકી-બેકીની સિસ્ટમ જાય તેવા સંકેત છે અને સરકાર હવે તમામ કચેરીઓમાં પણ આગામી સમયના કામકાજોમાં વધુ ધ્યાન આપવા જણાવશે.
નવા લોકડાઉનનો આ તબકકો એક તરફ વ્યાપાર-ઉદ્યોગને વધુ વેગ આપવા માટે સરકાર હવે તમામ સિલીન્ડર દાગશે તો બીજી તરફ હવે રાજયમાં ધાર્મિક તહેવારોની મોસમ ઓગષ્ટથી શરૂ થશે તે પુર્વે ધાર્મિક સ્થળોએ સોશ્યલ ડિસ્ટન્સ વિ. જળવાય અને લોકો દેવદર્શન વિ.કરી શકે તે માટે મંદિરો સહિતના ધાર્મિક સ્થળોને છૂટછાટ અપાય તેવી ધારણા છે આવતીકાલે સાંજે રાજયમાં લોકડાઉન-5ની રૂપરેખા જાહેર થશે અને સોમવારથી અમલી બનશે.આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આવાસે બેઠકોનો ધમધમાટ ચાલુ છે.વિજય રૂપાણી એક બાદ એક બેઠકમાં કયા ક્ષેત્રને લોકડાઉનમાં કયા પ્રકારે છૂટછાટ આપી શકાય તે અંગે એક રૂપરેખા બનાવી રહ્યા છે.
ગુજરાતની અટકી ગયેલી વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે સરકાર દ્વારા રણનીતિ નકકી કરવામાં આવી રહી છે. કોરોના કહેર દરમિયાન સુપર પાવર દેશોએ કોરોનાને કોરાણે મુકી અર્થતંત્રને મજબૂત કરવાની દિશામાં જે પગલાં લેવામાં આવી રહ્યા છે તે મુજબ ગુજરાત સરકાર માટે પણ અતિ આવશ્યક બન્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોનાનો આતંક યથાવત રહ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં પણ તબકકાવાર ચાર લોકડાઉન આવી ચૂકયા છે. જેના કારણે રાજયના અર્થતંત્રને પણ માઠી અસર થઈ છે.જો કે વિજયભાઈ રૂપાણી દ્વારા તેમના નિવાસસ્થાને 1 જૂનથી શરૂ થનારા નવા લોક ડાઉન અંતર્ગત અલગ-અલગ વિભાગની તબકકાવાર બેઠકો ચાલી રહી છે.
અત્રે નોંધનીય છે કે,ગુજરાતમાં લોકડાઉન દરમ્યાન વિજયભાઈ રૂપાણીએ નાના, ગરીબ અને મધ્યમ વર્ગને મફત અનાજ વિતરણ કરી રાજયમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે તેવો અભિગમ અપનાવ્યો હતો. પરંતુ રાજય સરકાર દ્વારા એપીલ અને બીપીએલ સહિત અન્ય નાગરિકોને જે મફત અનાજ વિતરણ કરવામાં આવતા સરકારે વધારાનો મોટો આર્થિક બોજો લીધો છે ત્યારે હવે આ બોજો હળવો કેવી રીતે કરવો તે દિશામાં રાજય સરકાર આગળ વધી રહી છે.
નોંધનીય છેકે લોકડાઉન 4 સમયે રાજય સરકાર દ્વારા અન્ય દેશ અને રાજયના ઉદ્યોગકારો ગુજરાતમાં આવી ઔદ્યોગીક એકમો શરૂ કરે તે માટે નીતિ ઘડી હતી.ત્યારે હવે તે દિશામાં શું કરવું? તે અંગે પણ સરકાર દ્વારા અલગ નીતિ બનાવી રાજયનું અર્થતંત્ર વેગવંતુ કરવા સહિતની કામગીરી માટે બેઠકો કરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે