અમદાવાદ, તા. 14 જુલાઇ : નાણાંકીય વર્ષ દરમિયાન કોઈ કંપની, વ્યક્તિ કે પેઢી દ્વારા રૂા. 20 લાખથી વધુનો રોકડ ઉપાડ કરવામાં આવે તો તેના પર બે ટકાના દરે ટીડીએસ-કરકપાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી ત્યારબાદ બૅન્ક ખાતામાંથી રૂા. 20 લાખથી વધુનો રોકડનો ઉપાડ થઈ જાય એટલે આપોઆપ જ ટીડીએસ કરી લેતું સોફ્ટવેર સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા બૅન્કો અને પોસ્ટ ઑફિસને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વર્ષ દરમિયાન ટુકડે ટુકડે કરેલા રોકડ ઉપાડની રકમનો સરવાળો રૂા.20 લાખથી વધી જતાં આ સોફ્ટવેર આપોઆપ જ રોકડના દરેક ઉપાડ પર ટીડીએસ કરવાનું ચાલુ કરી દેશે. સીબીડીટીએ રોકડના વહેવારો ઘટાડવા અને આવકવેરાના રિટર્ન ફાઈલ ન કરનારાઓને ઝડપી લેવા માટે આ સોફ્ટવેર તૈયાર કર્યું છે. તેથી બૅન્કમાંથી રોકડનો ઉપાડ કરનારા અને રિટર્ન ફાઈલ ન કરનારાઓને આસાનીથી પકડી શકાશે.સીબીડીટીએ આ સોફ્ટવેર આપવા પાછળના કારણો આપતા જણાવ્યું છે કે બૅન્કો ટીડીએસ કરવામાં ચૂક ન કરે તે માટે જ આ સોફ્ટવેર તૈયાર કરીને તેમને આપવામાં આવી રહ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષથી રિટર્ન ફાઈલ ન કરનારા અને રોકડના વહેવાર કરનારાઓને ઝડપી લેવામાં ઓ સોફ્ટવેરની મદદરૂપ બનશે. આમ તો નાણાં મંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા 2020-21ના નાણઆંકીય વર્ષના બજેટમાં કલમ 194-એન ઉમેૈરીને આ નવી જોગવાઈ દાખલ કરી હતી.તેને માટેનો પરિપત્ર જૂન 2020માં કર્યો હતો. પોસ્ટ ઑફિસના બચત ખાતાને જ આ લાગુ પડશે. પોસ્ટ ઑફિસમાં બચત ખાતા સિવાયના ખાતાઓમાંથી કરાતા રૂા.20000થી વધુ રકમના ઉપાડની રકમ ચેકથી જ આપવામાં આવે છે. જ્યારે બૅન્કના સેવિંગ કે કરન્ટ એકાઉન્ટ બંને માટે આ જોગવાી લાગુ પડશે.
છેલ્લા 3 વર્ષના રિટર્ન ફાઈલ ન કરનારા કરદાતાઓ 20 લાખથી વધુ રકમનો રોકડથી ઉપાડ કરશે તો બે ટકા અને રૂા.1 કરોડથી વધુ રકમનો રોકડથી ઉપાડ કરે તો 5 ટકા લેખે ટીડીએસ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. બૅન્કો અને પોસ્ટઑફિસો આ કામગીરી કરવામાં ચૂક ન કરે તે માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે પોતે જ એક સોફ્ટવેર તૈયાર કરાવ્યું છે.
આ સોફ્ટવેર કે યુટિલિટીને બૅન્કો અને પોસ્ટ ઑફિસની ઇન્ટરનલ કોર બૅન્કિંગ સોલ્યુશન લિન્ક સાથે જોડી દેવામાં આવશે. આ સોફ્ટવેરમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે રોકડેથી ઉપાડ કરવા આવે ત્યારે તેનો ઉપાડ ગમે તેટલી રકમન હોય તેમનો પાનકાર્ડ નંબર ફરજિયાત એન્ટર કરવો પડશે.
પાનકાર્ડ નંબર નાખવામાં આવશે એટલે રોકડનો ઉપાડ કરનાર કરદાતાએ જે રિટર્ન ફાઈલ નહિ કર્યા હોય તો તેના ઉપાડની રકમમાંથી આપોઆપ જ બે ટકા ટીડીએસ થવાનું શરૂ થઈ જશે. આ ઉપાડની રકમ રૂા.1 કરોડથી વધી જાય એટલે આપોઆપ જ ટીડીએસની ટકાવારી 5 ટકા થઈ જશે.
બીજીતરફ જે કરદાતાઓ રેગ્યુલર રિટર્ન ફાઈલ કર્યા હશે તેમના રૂા. 1 કરોડથી વધુના રોકડના ઉપાડ પર પણ બે ટકાના દરે જ ટીડીએસ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પાસે પાનકાર્ડ જ ન હોય અને તે બૅન્કમાંથી રોકડનો ઉપાડ કરશે તો તેના રોકડના ઉપાડ પર 20 ટકાના દરે ટીડીએસ કરવામાં આવશે.