સરકારે રેલવેને ખોટી રીતે ફાયદામાં દેખાડ્યું, ઓપરેટિંગ કોસ્ટમાં કરી હેરફેરઃ CAG

317

CAGએ દેશમાં રેલવેની આર્થિક દશા પર ચિંતા વ્યક્ત કરી છે.હાલમાં જ સંસદમાં રજૂ રિપોર્ટમાં CAGએ કહ્યું કે સરકારે રેલવેને ખોટી રીતે ફાયદામાં દેખાડ્યું અને ઓપરેટિંગ કોસ્ટમાં હેરફેર કરી છે.રેલવેએ પોતાની આર્થિક સ્થિતિને યોગ્ય દેખાડવા માટે ભવિષ્યની આવકને પોતાના ખાતામાં જોડીને દેખાડી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રેલવેએ વર્ષ 2018-19માં પોતાના ઓપરેટિંગ રેશિયોમાં 97.29 ટકા દેખાડ્યો છે.જોકે,બજેટ અનુમાન અનુસાર રેલવેએ પોતાનો ઓપરેટિંગ રેશિયો 92.8 ટકા રાખવાનો હતો.છતાં જે આંકડા રેલવે તરફથી દેખાડવામાં આવ્યા છે તેના માટે ખોટી રીત અપનાવવામાં આવી છે.ભવિષ્યની આવકના આંકડાઓ પણ સામેલ કરી દેવામાં આવ્યા છે.

ઓપરેટિંગ રેશિયોમાં હેરફેર

રેલવેએ NTPC અને CONCORથી ભવિષ્યમાં મળનારા 8351 કરોડનું માલ ભાડું પોતાના ખાતામાં જોડી દીધું છે.આ રીતે જ ખાતાઓમાં રેલવેની કમાણી વધારે દેખાડવામાં આવી છે.જો એવું ન કરવામાં આવ્યું હોત તો ખરેખર રેલવેનો ઓપરેટિંગ રેશિયો વર્ષ 2018 માટે 101.77 હોત.એ સમયે રેલવેએ 100 રૂપિયા કમાવવા માટે લગભગ 102 રૂપિયા ખર્ચ કર્યા.ઓપરેટિંગ રેશિયોથી જ રેલવેની આર્થિક દશાનો અંદાજો લગાવી શકાય છે.

CAG અનુસાર કમાણીના આંકડા ખોટી રીતે રજૂ કરીને રેલવેએ 3773.86 કરોડ રૂપિયાનો ફાયદો દેખાડ્યો છે.વાત એ છે કે આ નાણાકીય વર્ષમાં રેલવેનો ગ્રોથ નેગેટિવ રહ્યો છે.CAGએ પોતાની રિપોર્ટમાં કહ્યું કે રેલવેએ જો ખરા આંકડા દેખાડ્યા હોત તો તેને લગભગ 7334.85 કરોડનું નુકસાન થયું હોત.

કોલસાના ટ્રાન્સપોર્ટેશનથી સૌથી વધારે કમાણી

CAGનું કહેવું છે કે,રેલવે કોલસાના ટ્રાન્સપોર્ટેશન દ્વારા સૌથી વધારે કમાણી કરે છે. આ તેના માલ ટ્રાન્સપોર્ટેશનથી થનારી કમાણીનો અડધો ભાગ છે.રેલવે કોલસાના ટ્રાન્સપોર્ટેશન પર સૌથી વધારે આધાર રાખે છે અને તેમાં કોઈપણ પ્રકારના ફેરફારથી તેની કમાણી પર ખૂબ જ મોટી અસર પડી શકે છે.

LICથી મળ્યા માત્ર 16,200 કરોડ

CAGએ તેમની રિપોર્ટમાં એવું પણ કહ્યું છે કે રેલવેએ 2015-16માં LIC પાસેથી 5 વર્ષમાં 1.5 લાખ લોન લેવાનો કરાર કર્યો હતો.આ રકમ 2015થી 2020ની વચ્ચે મળી જવી જોઈતી હતી,પણ રેલવે 2015થી 2019 સુધી માત્ર 16200 કરોડ રૂપિયા જ લઇ શક્યું.રિપોર્ટે રેલવે પ્રોજેક્ટમાં જે પ્રમાણે મોડું થઇ રહ્યું છે તે અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.સાથે જ તેના માટે રેલવે બોર્ડની પણ ટીકા કરવામાં આવી છે.રિપોર્ટ અનુસાર 395 પ્રોજેક્ટ્સમાંથી 268 પ્રોજેક્ટ્સ 31 માર્ચ 2019 સુધી પૂરા થયા નહોતા.

Share Now