– દિવાળી પર બોનસ પણ મળશે
– યોગી આદિત્યનાથે છૂટે હાથે લ્હાણી કરી
લખનઉ તા.14 : યુપી પ્રદેશના 16 લાખ સરકારી કર્મચારીઓને એડવાન્સ પગાર તથા દિવાળી પર બોનસ આપવાની જાહેરાત મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કરી હતી.તેમણે રાજ્યના નાણાં પ્રધાન સુરેશ ખન્નાને આ બાબતની સત્તાવાર સૂચના આપી હતી.
ખન્નાએ કહ્યું કે કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને એડવાન્સ આપવાની જે યોજના જાહેર કરી હતી એનો અભ્યાસ કર્યા બાદ હું મુખ્ય પ્રધાન સાથે આ મુદ્દે વાત કરીશ.
કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને લીવ ટ્રાવેલ કોમ્પેન્શેસનને બદલે રોકડ વાઉચર અને શોપિંગ માટે રૂપિયા 10 હજાર એડવાન્સ આપવાની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે પણ કેન્દ્રની આ યોજનાનું અનુકરણ કરવાની જાહેરાત કરી હતી.
ખન્નાએ એવો દાવો કર્યો હતો કે કોરોના વચ્ચે પણ રાજ્યે સારી આર્થિક પ્રગતિ કરી હતી.ગયા વર્ષની તુલનાએ આ વરસે ઑગષ્ટમાં 600 કરોડ અને ગયા વર્ષના સપ્ટેંબરની તુલનાએ આ વરસે 890 કરોડની વધુ આવક રાજ્યને થઇ હતી.એનો લાભ સરકારી કર્મચારીઓને આપવાની યોગી સરકારની ઇચ્છા હતી.
ઉત્તર પ્રદેશની સરકાર આ વાયદાનું ખરેખર પાલન કરે તો રાજ્ય સરકારના સોળ લાખ કર્મચારીઓને લાભ થશે.આ દરેકને 10 હજારની એડવાન્સ મળે તો રાજ્યની તિજોરી પર 1600 કરોડ રૂપિયાનો બોજો આવશે.