અમદાવાદ : રૂા. ૧૫૦ કરોડ અથવા તો તેથી વધુ મૂલ્યના ૪૪૨ જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પાછળ રૂા. ૪.૩૪ લાખ કરોડનો વધારો થયો છે તેમ નવેમ્બર- ૨૦૨૦ના રજૂ થયેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું.મીનીસ્ટ્રી ઓફ સ્ટેટીટીક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટસ દેશમાં ચાલી રહેલા રૂા. ૧૫૦ કરોડના અથવા તેનાથી વધુ મૂલ્યના ૧૬૭૧ પ્રોજેક્ટ પર નજર રાખી રહ્યું છે.આ સંસ્થા દ્વારા રજૂ કરાયેલ રિપોર્ટ મુજબ ૧૬૭૧ પ્રોજેક્ટમાંથી ૪૪૨ પ્રોજેક્ટ પાછળના ખર્ચમાં વધારો થયો છે.તો ૫૩૬ જેટલા પ્રોજેક્ટસ તેની નિયત સમયમર્યાદા કરતા મોડા ચાલી રહ્યા છે.
આ ૧૬૭૧ પ્રોજેક્ટસની વાસ્તવિક કિંમત રૂા. ૨૧,૨૧,૩૮૩.૮૨ કરોડ હતી તે હવે વધીને રૂા. ૨૫,૫૫,૯૫૭.૫૨ કરોડ થઈ છે.આમ તેમાં રૂા. ૪,૩૪,૫૭૩.૭૦ કરોડ એટલે કે તેની ઓરીજીનલ કોસ્ટના ૨૦.૪૯ ટકા જેટલો વધારો થયો છે.તેમ નવેમ્બર માસના રિપોર્ટમાં જણાવાયું છે.
જે ૫૩૬ પ્રોજેક્ટસ તેની નિયત સમયમર્યાદા કરતા મોડા ચાલી છે. તેનો સરેરાશ ઓવરરન સમય ૪૪.૧૫ માસનો છે. ૫૩૬માંથી ૧૨૦ પ્રોજેક્ટ ૧થી ૧૨ માસ, ૧૩૪ પ્રોજેક્ટસ ૧૩થી ૨૪ માસ, ૧૬૨ પ્રોજેક્ટસ ૨૫થી ૬૦ માસ અને ૧૨૦ પ્રોજેક્ટ ૬૧ માસ અને તેથી વધુ સમય મોડા ચાલી રહ્યા છે.
પ્રોજેક્ટ મોડા થવા પાછળના વિવિધ કારણોમાં જમીન સંપાદનમાં વિલંબ,વન-પર્યાવરણ અંગેની મંજૂરીમાં વિલંબ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ અને લીંકેજના અભાવનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત,પ્રોજેક્ટ ફાઇનાન્સના ટાઇ-અપમાં વિલંબ,ડિઝાઇનમાં ફેરફાર,એન્જીનીયરીંગ સ્ટ્રક્ચરમાં વિલંબ,ટેન્ડરમાં વિલંબ,ઓર્ડર મૂકવામાં તેમજ ઇક્વિપમેન્ટ સપ્લાયમાં વિલંબ, કાયદા-કાનુનની અડચણો સહિતના અન્ય પરિબળો પણ વિલંબ માટે જવાબદાર હતા.