આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત,ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રથમ પંક્તિના કલાકાર, સંગીતકાર પદમ વિભૂષણ ઉસ્માદ ગુલામ મુસ્તફા ખાનનું ગઇકાલે તા.17ના મુંબઇ ખાતે 89 વર્ષની જૈફ વયે નિધન થયું હતું.દંતકથારૂપ બની ગયેલા ઉ.ગુલામ મુસ્તફા ખાનની વિદાયથી શાસ્ત્રીય સંગીત ક્ષેત્રનો એક ઝળહળતો સિતારો ખરી પડયો.ઉ.ગુલામ મુસ્તફા ખાનું ગઇકાલે બપોરે 12-37 કલાકે બાંદરા સ્થિત નિવાસસ્થાને અવસાન થયું હતું. સાંજે તેમના અંતિમ સંસ્કાર સાન્તાક્રુઝના કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા ત્યારે પાર્શ્વ ગાયક સોનુ નિગમ, હરિહરન,ભજન સમ્રાટ અનુપ જલોટા સહિત અનેક ગાયક-સંગીતકારો અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.
હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક તરીકે ટોચનું સ્થાન મેળવી ચૂકેલા ઉ.ગુલામ મુસ્તફા ખાન સાહેબ રામપુર સરસવાન ધરાનાના સંગીતકાર હતા.આઠ વર્ષની ઉંમરે જ તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાની શરૂ કરી હતી અને કાર્યક્રમ એક પછી એક શિખર સર કર્યા હતાં.આ મહાન ગાયક કલાકરને ભારતે પદમશ્રી,પદમભૂષણ તથા પદમવિભૂષણના ખિતાબથી નવાજયા હતા.દેશવિદેશમાં શાસ્ત્રીય સંગીતનો પરચમ લહેવરાવનાર ખાન સાહેબે 70થી વધુ દસ્તાવેજી ફિલ્મોમાં કંઠ આપ્યો હતો.જર્મનીમાં બનેલી ડોક્યુમેન્ટરી ‘રેઇન મેકર’માં તેમણે ‘બૈજુ બાવરા’નું પાત્ર ભજવ્યું હતું.
ખાન સાહેબ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરનાર શિષ્યોમાં હરિહરન,સોનુ નિગમ,એ.આર. રહેમાન વગેરેનો સમાવેશ થાય છે.લતા મંગેશકરે પણ થોડો સમય તાલીમ લીધી હતી. ટોચના પાર્શ્ર્વ ગાયકો આશા ભોંસલે,મન્નાડેએ પણ તેમની પાસેથી શાસ્ત્રીય સંગીતનું માર્ગદર્શન મેળવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી,લતા મંગેશકર,એ.આર.રહેમાન,સોનુ નિગમ વગેરે સહિતના દિગ્ગજોએ શ્રધ્ધાંજલી અર્પી હતી.
જીવન ઝરમર
ગુલામ મુસ્તફા ખાનનો જન્મ 1934માં બદાયુમાં થયો હતો. તેમના પિતાનું નામ વારિસ હુસેનખાન હતું. પિતા સંગીતકલાના ઉસ્તાદ હતા તેથી આઠ વર્ષની ઉંમરમાંજ ગુલામ મુસ્તફાખાન પિતા પાસેથી સંગીત શીખવા લાગ્યા. આ તાલીમમાં સુરનું જ્ઞાન તથા સ્વરસાધના મુખ્ય હતા. આ રીતે સૂરની સુક્ષ્મ સમજ તેનામાં સ્પષ્ટ રીતે પ્રગટી હતી. સતત ત્રણ વર્ષ સુધી આ રીતે આરંભનું શિક્ષણ મેળવ્યા બાદ ગુલામ મુસ્તફા તેના પિતાના મોટાભાઇ ફિદા હુસેન ખાન પાસેથી તાલીમ મેળવવા લાગ્યા.આ તાલીમની અવધિ ચાર વર્ષ સુધી ચાલી અને પછી ગાયકીના નિષ્ણાંત ગણાતા નિસાર હુસેનખાન પાસે સતત બાર વર્ષ સુધી ગાયકીની તાલીમ લીધી. હવે તેમાં સંગીતમાં કુશળ કલાકાર બની ગયા હતા.રિયાઝથી કંઠને એવો કેળવ્યો હતો કે એમાંથી નીકળતી સૂરાવલિ, શ્રોતાઓના ચિત્તને સંમોહિત કરતી હતી.સંગીત વિષે તેઓ કેવો અભિપ્રાય ધરાવતા તે જાણવાથી તેમની સંગીત સમજ કેવી ઉન્નત હતી તેનો ખ્યાલ આવશે. તેઓ કહેતા સંગીત ઉપર મને અપાર પ્યાર છે.પછી ભલે ને એ સંગીત, કોઇપણદેશ-વિદેશનું હોય. જે સંગીત આનંદ આપે તે મને ગમે છે.સંગીતના પ્રત્યેક ધરાનાની પોતાની સુંદરતા, વિશેષતા અને નવીનતા હોય છે.