સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાએ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે.રાજ્યમાં પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થયો છે.ત્યારે હવે લોકોને પણ પોતાના સ્વજનોનાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનમાં પણ લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.જે સ્મશાનમાં પ્રતિદિન પાંચથી છ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા તે જ સ્મશાનગૃહમાં 24 કલાકમાં 30થી 35 જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે.ત્યારે આ પરિસ્થિતિ ગુજરાતમાં ખૂબ જ વિકરાળ છે અને તેવામાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ મુક્તિધામમાં મેનેજર તરીકે ફરજ બજાવતા નિર્મળ ભંડેરીએ તેમની વ્યથા ઠાલવી હતી.
નિર્મળ ભંડેરીનું કહેવું હતું કે,હવે તો સ્મશાનમાં મારા સિવાય કોઈ રડવા વાળું પણ નથી.કોરોના એ જાણે બધું છીનવી લીધું હોય તેવું લાગી રહ્યું છે અને હવે આ ભાર સ્મશાન પણ ઉપાડી શકતું નથી મેં કલ્પના પણ કરી નહોતી કે,આવા દિવસો જોવા મળેશે.કારણ કે હું રોજ રડુ છું.એક એક મૃતદેહને અગ્નિદાહ આપતી વખતે હું મને પોતાને મારી રહ્યો છું કે,આ ક્યાં જઈને અટકશે? પહેલા રોજના પાંચથી છ મૃતદેહો સ્મશાનમાં આવતા હતા પરંતુ હવે રોજના 30થી 35 મૃતદેહને મારા હાથે જ અગ્નિદાહ આપું છું અને 24 કલાકમાં એક વખત જમું છું અને ત્રણ કલાકની જ ઊંઘ કરી શકું છુ. હું જ્યારે મૃતદેહ પાસે જાઉં છું ત્યારે મારું હૃદય હચમચી જાય છે અને તે તકલીફ મને ઉંઘવા પણ નથી દેતી.
નિર્મળ ભંડેરી અમદાવાદમાં સરદાર યુવા ગ્રૂપ સંચાલિત બાપુનગર મુક્તિધામમાં છેલ્લા છ વર્ષથી મેનેજર છે.નિર્મળ ભંડેરી એવું માનતા હતા કે સ્મશાનમાં મૃતદેહો જ આવે અને રોકકળ જ હોય છે.કોઈ પરિવાર સ્વજનની અંતિમવિધિ કરવા માટે આવતા હોય છે ત્યારે તે લોકો રડતા હોય છે પરંતુ મારા સ્ટાફ અને મારા દ્વારા આ લોકોને અંતિમ સંસ્કારની સમજ આપવામાં આવતી હોય છે પરંતુ આ કામ કરતા કરતા એવો વિચાર આવતો હતો કે રોજની આ કામગીરીના કારણે અંદરનો માનવી અને લાગણી મરી પરવારી તો નથી ને? પરંતુ હવે આ કોરોના એ મને ઝાંઝોળી દીધો છે. હાલ 24 કલાક અગ્નિદાહનો પ્રકાશ મારા સ્મશાનમાં ફેલાયેલો રહે છે. ચિતાની અગ્નિ જેટલો જ અંતર આત્મા પણ સળગી રહ્યો છે પરંતુ શું થશે અને કેટલા દિવસ સુધી આવું ચાલશે? એક સાથે ચાર ખાટલા અને વિદ્યુત મળી કુલ પાંચ મૃતદેહની અંતિમ વિધિ એક સાથે કરવામાં આવે છે. દિવસમાં ચાર-પાંચ વાર હું રડું છું ક્યારેક તો મારો સ્ટાફ મારી પાસે આવી જાય છે અને મને સાંત્વના આપીને સમજાવીને શાંત કરે છે.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે, નોકરીનો સમય કે ઘરે જવાનો સમય કોઈ નિશ્ચિત નથી.રાત્રે ત્રણ કે, પાંચ વાગ્યે જ્યારે પણ હું ઘરે જાવ ત્યારે જમી લઉં છું.માત્ર ત્રણ કલાકની જ ઊંઘ થાય છે. મને મારી ચિંતા નથી.હોસ્પિટલમાં કલાકો સુધી મૃતદેહો અંતિમવિધિની રાહમાં પડ્યા રહે છે.અમને ખાટલો ખાલી થયો તેવા સવાલ પૂછતાં ફોન હોસ્પિટલમાંથી આવે છે અને તે સાંભળીને દિશા શૂન્ય થઇ જાય છે.