– વર્ષોથી સલામ બારડોલી અને પલસાણા વિસ્તારમાં મોટાપાયે દારૂનું કાર્ટિંગ કરે છે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ જો સ્થાનિક પોલીસ પર કાર્યવાહી થતી હોય છે ત્યારે આ પ્રકરણમાં પણ સ્થાનિક ઉચ્ચ અધિકારી કેવું વલણ અપનાવે એ જોવું રહ્યું
બારડોલી : સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગંગાધરાના લિસ્ટેડ બુટલેગર સલામનો 14.85 લાખના વિદેશી દારૂનું કાર્ટિંગ બારડોલીના ઉમરાખ ગામની સીમમાંથી ઝડપી પાડ્યા બાદ સ્થાનિક પોલીસ ઉપર પ્રોહિબિશનની પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ રહ્યા હોય તેવી ચર્ચા ચાલી રહી છે.આગામી દિવસોમાં આ બાબતે ખાતાકીય તપાસ થાય તેવી શક્યતા રહેલી છે.બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જો રેડ કરે તો સ્થાનિક પોલીસ સામે રાજ્ય પોલીસવડા ખાતાકીય પગલાં ભરે છે. ત્યારે આ પ્રકરણમાં રેન્જ આઇજી અને જિલ્લા પોલીસવડા કેવું વલણ અપનાવે તે જોવું રહ્યું.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબીની ટીમે બાતમીના આધારે પલસાણા તાલુકાનાં ગંગાધરા ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર સલામને 14.85 લાખના વિદેશી દારૂના કાર્ટિંગ કરતાં રંગેહાથે ઝડપી પાડ્યા બાદ પલસાણા અને બારડોલી પોલીસને હદ બાબતે ભારે ખેંચતાણ થઈ હતી.ત્યારબાદ હદ બારડોલી તાલુકાનાં ઉમરાખ ગામની નીકળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મોટા પ્રમાણમાં લિસ્ટેડ બુટલેગરનો દારૂ પકડાયો હોય ભારે ફફડાટ ફેલાય ગયો છે.બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર સલામ સુરત જિલ્લાના બારડોલી પલસાણા તેમજ કડોદરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું કાર્ટિંગ કરતો હતો. સ્થાનિક પોલીસ આ બાબતે અજાણ હોય એવું માની શકાય નહીં.સ્થાનિક પોલીસની જાણ બહાર આટલા મોટા પ્રમાણમાં બુટલેગર દારૂનું કાર્ટિંગ કરે એ પણ શક્ય નથી.હવે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આટલા મોટા પ્રમાણમાં લિસ્ટેડ બુટલેગરને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હોય જિલ્લા પોલીસવડા અને રેન્જ આઇજી કેવું વલણ અપનાવે એ જોવું રહ્યું.
અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવાની ઘટનામાં કડોદરામાં બે પી.આઈ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે એ જ રીતે માંડવી અને કોસંબામાં પણ અધિકારીઓનો ભોગ લેવાયો છે. ત્યારે ઉમરાખના દારૂ પ્રકરણમાં સ્થાનિક પોલીસ સામે પગલાં લેવાશે કે કેમ એ ચર્ચાનો વિષય બન્યો છે.