દ.આફ્રિકામાં ભારતીયોની મોટી સંખ્યામાં હત્યા, હજારો બિઝનેસ સંસ્થાનો લૂંટાયા

403

– છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલાં રમખાણોમાં ૧૧૭ લોકોનાં મોત, ભારતીય મૂળના લોકોમાં નરસંહારનો ફફડાટ
– એકલા ડર્બનમાં તોફાનીઓએ ૧૬ અબજ રેન્ડના માલસામાનની લંૂટ ચલાવી, ત્રીજા ભાગના બિઝનેસ ભારતીયોની માલિકીના

નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકામાં અદાલતની અવમાનના માટે પૂર્વ પ્રમુખ જેકબ ઝુમાને કેદમાં મોકલાયા બાદ ગૌતેંગ,ક્વાઝુલુ અને નાતાલ પ્રોવિન્સમાં ભડકેલા રમખાણોમાં ભારતીય સમુદાયના લોકોને મોટું નુકસાન સહન કરવું પડયું છે.ભારતીયોના હજારો બિઝનેસ સંસ્થાનોને લંૂટીને ખેદાન મેદાન કરી દેવાયાં છે અને મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકોની હત્યા કરાઈ છે.ભારતીય મૂળના ૧૦ લાખ લોકો વસવાટ કરે છે તેવા એકલા ડર્બનમાં વ્યાપક હિંસા અને રમખાણોમાં ભારતીયોની માલિકીના ૫૦,૦૦૦થી વધુ રિટેલ દુકાનો,ટેક્નોલોજી બિઝનેસ,મોટર ડીલરશિપ,ફાર્મસી,સુપરમાર્કેટ અને વેરહાઉસ લંૂટી સળગાવી દેવાયા છે.એકલા ડર્બનમાં તોફાનીઓએ ૧૬ અબજ રેન્ડના માલસામાનની લંૂટ ચલાવી છે.તેમાંથી ત્રીજા ભાગના બિઝનેસ ભારતીયોની માલિકીના હતા. ૫૦,૦૦૦ જેટલા અવિધિસરના વેપારીઓ બિઝનેસમાંથી બહાર ફેંકાઈ ગયાં છે અને ૧,૨૯,૦૦૦ નોકરીઓ જોખમમાં મુકાઈ ગઈ છે.

ક્વાઝુલુ-નાતાલમાં રિટેઇલ ટેક્નોલોજી બિઝનેસ સ્ટોર્સ ધરાવતા ભારતીય મૂળના એક બિઝનેસમેનેે જણાવ્યું હતું કે, મારા સંખ્યાબંધ સ્ટોર લંૂટી લેવાયા છે જેના કારણે મને બે કરોડ અમેરિકન ડોલરનું નુકસાન થયું છે.સુરક્ષા દળો પણ તેમને અટકાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં.મહાત્મા ગાંધીએ પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો તે ફિનિક્સમાં એક લાખથી વધુ ભારતીય મૂળના લોકો રહે છે.અહીં પણ ભારતીયો અને અશ્વેતો વચ્ચે વંશીય અથડામણો થઈ હતી.આ અથડામણોમાં પોતાની સંપત્તિની સુરક્ષા કરતાં ૧૫થી વધુ ભારતીય મૂળના લોકો માર્યા ગયાનો અંદાજ છે.છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલાં રમખાણોમાં ૧૧૭ લોકોનાં મોત થયાં છે.

દક્ષિણ આફ્રિકાએ સેનાના ૨૫,૦૦૦ જવાન તહેનાત કર્યાં

છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલાં રમખાણોને કાબૂમાં લેવા દ.આફ્રિકાની સરકારે પોલીસને મદદ કરવા સેનાના ૨૫,૦૦૦ જવાન તહેનાત કર્યાં છે.સાઉથ આફ્રિકન નેશનલ ડિફેન્સ ફોર્સે તેના ૧૨,૦૦૦ જવાનો ધરાવતા અનામત દળોને પણ તહેનાત કર્યાં છે.ગૌતેંગ, ક્વાઝુલુ અને નાતાલ પ્રોવિન્સમાં ટ્રક,આર્મર્ડ વ્હિકલ અને હેલિકોપ્ટર દ્વારા સેના મોકલાઈ રહી છે.જ્હોનિસબર્ગ સહિતના ગૌતેંગના મોટા શહેરોમાં સેના તહેનાત થવાના કારણે હિંસામાં ઘટાડો નોંધાયો છે.

દેશમાં ઈંધણો અને ખાદ્યપદાર્થોની મોટી અછત સર્જાવાનો ભય

દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ ટોચના રાજકીય નેતાઓને જણાવ્યું હતું કે, સપ્લાય ચેઇન ખોરવાઈ જવાના કારણે દેશમાં ઈંધણો અને ખાદ્યપદાર્થોની મોટી અછત સર્જાવાનો ભય ઊભો થયો છે.ક્વાઝુલુ અને નાતાલ પ્રાંતમાં દવાઓ,ઈંધણ અને ખાદ્યપદાર્થોના સપ્લાયને ગંભીર અસર પડી છે.કોરોના મહામારીના સમયગાળામાં દેશના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પર પણ ગંભીર અસર પડી છે.

ડર્બન સ્થિત ભારતીય ડોક્ટરનો હૃદયદ્રાવક પત્ર

ડર્બનમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા એક ભારતીય ડોક્ટરે ભારતના એક મીડિયા હાઉસને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હું અને મારો પરિવાર આવતીકાલે જીવતા હોઈશું કે કેમ તે અમે જાણતા નથી.હાલના રમખાણોમાં ભારતીય સમુદાયને લક્ષ્‍યાંક બનાવવામાં આવી રહ્યો છે.લોકોએ શસ્ત્રોનો જંગી જથ્થો એકઠો કરી રાખ્યો છે.ખાદ્યપદાર્થોના તમામ મોલ અને જથ્થાબંધ દુકાનો સળગાવી દેવાયાં છે.ભારતીયો પલાયન ન કરી શકે તે માટે પેટ્રોલ પંપો સળગાવી દેવાયાં છે.ભારતીયો એકબીજાનો સંપર્ક ન કરી શકે તે માટે કોમ્યુનિકેશન ટાવરો તોડી પડાયાં છે.અમને મદદની જરૃર છે.ડર્બન,ક્વાઝુલુ,નાતાલમાં મોટાપાયે નરસંહારનું કાવતરું ઘડાયું છે.ફ્લાઇટ બંધ હોવાથી અમે અહીં ફસાઈ ગયાં છીએ. મદદ કરો.

Share Now