દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો.કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ના નિયમ હજુ સુધી તૈયાર નથી થઈ શક્યા.કેન્દ્રીય મંત્રાલયે મંગળવારના આની જાણકારી આપી છે,સાથે જ નિયમોને બનાવવા માટે વધુ 6 મહિનાનો સમય માંગ્યો છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક પ્રશ્નના જવાબમાં 9 જાન્યુઆરી, 2022 સુધીનો સમય માંગ્યો છે,જેથી નાગરિકતા સંશોધન એક્ટ હેઠળ નિયમો તૈયાર કરી શકાય.
લોકસભામાં કૉંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ પ્રશ્ન પૂછ્યો કે શું કેન્દ્ર સરકારે CAAના નિયમોને નોટિફાઈ કરવાની કોઈ અંતિમ તારીખ નક્કી કરી છે? જો હા તો એ કઈ છે અને ના તો અત્યાર સુધી કેમ નથી કરવામાં આવી? આના જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે, CAAને 12.12.2019ના નોટિફાઇ કરવામાં આવ્યું હતું, 2020માં આ કાયદાનું રૂપ લઈ ચૂક્યું છે,પરંતુ લોકસભા અને રાજ્યસભાની કમિટીઓથી આ કાયદા અંતર્ગત નિયમ તૈયાર કરવા માટે જાન્યુઆરી 2022 સુધીનો સમય માંગવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં નાગરિકતા સંશોધન એક્ટને રજૂ કરવામાં આવ્યું હતું.આ કાયદા હેઠળ પાકિસ્તાન,અફઘાનિસ્તાન,બાંગ્લાદેશથી આવનારા હિંદુ,શીખ,જૈન,ઈસાઈ અને બૌદ્ધ સમુદાયના લોકોને ભારતની નાગરિકતા આપી શકાશે. કેન્દ્ર સરકારના આ કાયદાનો દેશના અલગ-અલગ ભાગોમાં જોરદાર વિરોધ થયો હતો.સાથે જ વિપક્ષ પણ આ કાયદાની વિરોધમાં હતો.જો કે બિલે કાયદાનું રૂપ લીધું ત્યારબાદ કોરોનાની દેશમાં એન્ટ્રી થઈ હતી તેવામાં સરકારે કાયદો બનાવવા માટે લાંબો સમય માંગ્યો હતો.
લોકસભામાં સરકાર દ્વારા એક બીજો જવાબ આપવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2020માં દિલ્હી પોલીસે UAPA હેઠળ કુલ 9 કેસ નોંધ્યા છે, જ્યારે 34 લોકોની ધરપકડ થઈ છે.