સુપ્રીમે કહ્યું- શું અમે મૂર્ખ છીએ? ટેલીકોમ કંપનીઓના MDને જેલની ચેતવણી

275

સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે, AGR લેણાને લઈને કંપનીઓ પોતે આંકલન નહીં કરે, તેને અપમાન માનવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે પણ થઈ રહ્યું છે તે ચોંકાવનારું છે. કોર્ટે કહ્યું કે, શું અમે મુર્ખ છીએ, આ કોર્ટના સન્માનની વાત છે. શું ટેલીકોમ કંપનીઓને લાગે છે કે તેઓ સંસારમાં સૌથી વધારે પાવરફુલ છે. તમને જણાવી દઈએ કે, સોમવારે વોડાફોન આઇડિયાએ કહ્યું કે, ટેલીકોમ ડિપાર્ટમેન્ટને વધારાના 3354 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. કંપનીએ કહ્યું હતું કે, તેમના આંકલન અનુસાર તેણે AGRના લેણાની બાકીની રકમ ચૂકવી દીધી છે. અત્યાર સુધીમાં કંપની સરકારને AGR લેણા પેટે 6854 કરોડ રૂપિયા આપી ચૂકી છે.

સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપનીઓને ખૂબ ફટકાર લગાવી છે. સાથે જ કોર્ટે દરેક ટેલીકોમ કંપનીઓના MDને જેલ મોકલવાની પણ ચેતવણી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે મીડિયાના કવરેજ બાબતે પણ નાખુશ છે. જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે, આ મામલે ખોટી રિપોર્ટિંગ કરવામાં આવી રહી છે. જો આવું થતું રહ્યું તો મીડિયા સંસ્થાઓને નોટિસ મોકલી આપીશું. સુપ્રીમ કોર્ટે ચોખ્ખું કરી દીધું છે કે લેણાની રકમનું ફરી મૂલ્યાંકન કરવામાં આવશે નહીં.

ટેલીકોમ વિભાગને આ કંપનીઓએ લગભગ 1.63 લાખ કરોડ રૂપિયા લેણા પેટે આપવાના છે. જેમાં કંપનીઓની લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ યૂસેજ ચાર્જ સામેલ છે. લાયસન્સ તરીકે લેણાની રકમ 92,642 કરોડ રૂપિયા અને સ્પેક્ટ્રમ યૂઝેજ ચાર્જ તરીકે 70,869 કરોડ રૂપિયા બાકી છે. સૌથી વધારે ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાના છે.

શું છે AGR:

AGR એટલે Adjusted gross revenue જે દૂરસંચાર વિભાગ(DoT) દ્વારા ટેલીકોમ કંપનીઓ પાસેથી લેવામાં આવતી યૂસેજ અને લાયસન્સ ફી છે. જેના બે ભાગ છે. સ્પેક્ટ્રમ યૂસેજ ચાર્જ અને લાયસન્સ ફી. DoTનું કહેવું છે કે, Adjusted gross revenueની ગણતરી ટેલીકોમ કંપનીને થનારી સંપૂર્ણ આવકના આધારે થવી જોઈએ, જેમાં ડિપોઝીટ વ્યાજ અને એસેટ વેચાણ જેવા ગેર ટેલીકોમ સ્ત્રોતથી પણ થયેલી આવક સામેલ છે. તો ટેલીકોમ કંપનીઓનું કહેવું છે કે, AGRની ગણતરી માત્ર ટેલીકોમ સેવાઓથી થનારી આવકના આધારે થવી જોઈએ.

Share Now