નવી દિલ્હી, તા. 19 માર્ચ 2022, શનિવાર : ચીનની નેશનલ હેલ્થ ઓથોરિટીએ શનિવારે દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણના કારણે બે લોકોના મોતની પુષ્ટિ કરી છે.જે જાન્યુઆરી 2021 બાદથી મૃતકોની સંખ્યામાં નોંધાયેલ પ્રથમ વધારો છે.દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના કારણે સંક્રમણમાં ઘણા કેસ નોંધાયા છે.સંક્રમણના કારણે બંને મૃત્યુ ઉત્તર પૂર્વી જિલિન પ્રાંતમાં થયા છે ત્યારબાદ મૃતકોની સંખ્યા વધીને 4,638 થઈ ગઈ છે.ચીનમાં શનિવારે સંક્રમણના 2,157 નવા કેસ નોંધાયા હતા.
આમાંથી મોટાભાગના કેસ જિલિન પ્રાંતમાં નોંધાયા છે.સંક્રમણના ફેલાવાને રોકવા માટે જિલિન પ્રાંતમાં મુસાફરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને લોકોને મુસાફરી માટે પોલીસની પરવાનગી લેવી અનિવાર્ય કરવામાં આવી છે. 2019ના અંતમાં ચીનના વુહાનથી સંક્રમણ ફેલાયા બાદ અત્યાર સુધીમાં 4,636 લોકોના મોત થયા છે.આ આંકડા એપ્રિલ 2020માં એકવાર અપડેટ કરવામાં આવ્યા હતા.આ અગાઉ એવા સમાચાર હતા કે,ચીને શુક્રવારે તેની ‘ઝીરો કોવિડ’ નીતિને હળવી કરવાનો ઈનકાર કર્યો હતો, તેમણે આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે અને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઝીરો કોવિડ નીતિ શા માટે જરૂરી?
દેશના કેટલાય શહેરોમાં લોકડાઉન લગાવ્યા છતા પણ કોરોના વાયરસ સંક્રમણના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે.રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના ઉપમંત્રી અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ અને પ્રિવેન્શન એડમિનિસ્ટ્રેટર ઓફ એડમિનિસ્ટ્રેટર વાંગ હેશેંગે મીડિયાને જણાવ્યું હતું કે,કોરોના વાયરસ સંક્રમણના વર્તમાન ફેલાવાને રોકવા માટે ચીન તેની ‘ઝીરો કોવિડ’ નીતિનું પાલન કરવાનું ચાલુ રાખશે.અધિકૃત મીડિયાએ તેમને અહીં ટાંકતા કહ્યું હતું કે ‘ઝીરો કેસ નીતિ’નો ધ્યેય શક્ય તેટલા ઓછા સમયમાં મહામારીને નિયંત્રિત કરવાનો છે,જેથી સમાજને તેની ન્યૂનતમ કિંમત ચૂકવવી પડે.