(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૮ : ચાલુ નાણાકીય વર્ષમાં ખાતર સબસિડી ૫૫ ટકા વધીને વિક્રમજનક ૨.૫ લાખ કરોડ રૃપિયાએ પહોંચી શકે છે.આની પાછળનું કારણ આયાત મૂલ્ય વધવાથી ખર્ચમાં થનાર વૃદ્ધિની ભરપાઇ માટે વધારે રકમ ઉપલબ્ધ કરાવવી પડશે.સૂત્રોએ ગુરૃવારે જણાવ્યું હતું કે સરકાર સુનિશ્ચિત કરવા માગે છે કે દેશમાં ખરીફ અને રવિ સીઝન દરમિયાન ખાતરની અછત ન સર્જાય.જમીન માટે જરૃરી પોષક તત્ત્વોની આયાત માટે તે અનેક વૈશ્વિક ઉત્પાદકો સાથે વાત કરી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઇઝર પ્રધાન ખાતરોની લાંબા અને ટૂંકા ગાળા માટેની આયાત માટે સઉદી અરબ, ઓમાન અને મોરક્કોના પ્રવાસે જઇ શકે છે.સરકારના એક ટોચના અધિકારીએ જણાવ્યું છે કે દેશમાં ખાતરોની અછત ન સર્જાય તે માટે સરકાર ખૂબ જ મહેનત કરી રહી છે.તેમણે જણાવ્યું હતું કે વર્તમાન ખરીફ સિઝન માટે ખાતરોની કોઇ અછત નથી અને આગામી રવિ સીઝન માટે પણ કોઇ સમસ્યા સર્જાશે નહીં.
ઉલ્લેખનીય છે કે રવિ સીઝનમાં ખાતરોનો વપરાશ ૧૦ થી ૧૫ ટકા વધારે થાય છે.સરકાર યુરિયાના રીટેલ ભાવ વધારશે નહીં અને જરૃરી સબસિડી પણ આપશે જેથી બિન યુરિયા ખાતરના મહત્તમ ભાવ વર્તમાન સ્તરે સ્થિર રહે.નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ખાતરો પર ૧,૬૨,૧૩૨ કરોડ રૃપિયાની સબસિડી આપવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં આ રકમ ૭૧,૨૮૦ કરોડ રૃપિયા હતી.યુરિયાના ભાવ એપ્રિલ, ૨૦૨૨માં ૯૩૦ ડોલર પ્રતિ ટન થઇગયા છે જે એક વર્ષ અગાઉ ૩૮૦ ડોલર પ્રતિ ટન હતાં.આવી જ રીતે ડાય એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)ના ભાવ પણ ૫૫૫ ડોલર પ્રતિ ટનથી વધીને ૯૨૪ ડોલર પ્રતિ ટન થઇ ગયા છે.