નવી િદલ્હી : CBIએ દિવાન હાઉસિંગ ફાઇનાન્સ(DHFL),તેના ચેરમેન અને એમડી કપિલ વાધવાન,ડિરેક્ટર ધીરજ વાધવાન અને અન્ય લોકો સામે રૂ.૩૪,૬૧૫ કરોડના બેન્ક ફ્રોડની ફરિયાદ નોંધી છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે,CBIની તપાસ હેઠળનો છેતરપિંડીનો આ સૌથી મોટો કેસ હશે.
૨૦ જૂને કેસની નોંધણી પછી ૫૦ અધિકારીઓની ટીમે બુધવારે એક સાથે મુંબઇમાં આરોપીઓના ૧૨ સંકુલની તપાસ હાથ ધરી હતી.જેમાં અમરિલીસ રિયલ્ટર્સના સુધાકર શેટ્ટી અને અન્ય આઠ બિલ્ડર્સનો પણ સમાવેશ થાય છે.DHFLને ૨૦૧૦થી ૨૦૧૮ના ગાળામાં રૂ.૪૨,૮૭૧ કરોડની ધિરાણ કરનારી ૧૭ બેન્કના કન્સોર્ટિયમની આગેવાન યુનિયન બેન્કની ફરિયાદના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બેન્કે કપિલ અને ધીરજ વાધવાન તેમજ અન્ય લોકો પર સાચી માહિતી છુપાવવા અને ખોટી રજૂઆત કરવાના ફોજદારી ષડયંત્રનો આરોપ મૂક્યો છે.
આરોપની વિગતમાં કંપનીએ લોકોના ભંડોળનો દુરુપયોગ કરી બેન્કોના કન્સોર્ટિયમ સાથે રૂ.૩૪,૬૧૪ કરોડની છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું છે. બેન્કોના જણાવ્યા અનુસાર મે ૨૦૧૯થી કંપનીએ લોનની ચુકવણીમાં સતત ડિફોલ્ટ કર્યું છે.DHFLના હિસાબોનું ઓડિટ દર્શાવે છે કે,કંપનીએ નાણાકીય ગેરરીતિ કરી છે,ભંડોળનો દુરુપયોગ કર્યો છે,હિસાબોમાં ગોટાળા કર્યા છે,લોકોના નાણાંનો ઉપયોગ કપિલ અને ધીરજ વાધવાન માટે એસેટ્સ ઊભી કરવા કર્યો છે.ઉલ્લેખનીય છે કે,અગાઉના જુદાજુદા ફ્રોડ કેસમાં કપિલ અને ધીરજ વાધવાન જેલમાં છે.કંપનીને ધિરાણ કરનારી બેન્કો દ્વારા જુદાજુદા સમયે DHFLના લોન એકાઉન્ટ્સને નોન-પરફોર્મિંગ એસેટ્સ જાહેર કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે,જાન્યુઆરી ૨૦૧૯માં DHFLનું કૌભાંડ સપાટી પર આવ્યું ત્યારે ધિરાણકર્તા બેન્કોએ ૧ એપ્રિલ,૨૦૧૫થી ૩૧ ડિસેમ્બર,૨૦૧૮ના ગાળા માટે DHFLના‘સ્પેશિયલ રિવ્યૂ ઓડિટ’માટે KPMGની નિમણૂક કરી હતી.બેન્કોએ ૧૮ ઓક્ટોબર,૨૦૧૯ના રોજ કપિલ અને ધીરજ વાધવાનને દેશ છોડીને ભાગતા અટકાવવા‘લૂક આઉટ’સર્ક્યુલર પણ જારી કર્યો હતો.