મુંબઈ : તા.29 જૂન 2022,બુધવાર : મહારાષ્ટ્રમાં આવતીકાલે એટલે કે,ગુરૂવારના રોજ ઉદ્ધવ સરકારનો ફ્લોર ટેસ્ટ થશે કે નહીં તે મુદ્દે સસ્પેન્શન સર્જાયું છે.સુપ્રીમ કોર્ટ આજે સાંજે ફ્લોર ટેસ્ટ અંગે અંતિમ નિર્ણય જાહેર કરશે.હકીકતે શિવસેનાએ રાજ્યપાલ દ્વારા ફ્લોર ટેસ્ટનો જે આદેશ આપવામાં આવ્યો તેના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના બારણે ટકોરા માર્યા હતા.આજે સાંજે 5:00 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં આ અંગેની સુનાવણી હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે,રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આવતીકાલે 30 જૂનના રોજ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે.વિધાનસભાના વિશેષ સત્રનો એકમાત્ર એજન્ડા ઉદ્ધવ સરકાર સામેનો ફ્લોર ટેસ્ટ છે.
ગુરૂવારે સાંજના 5:00 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવા કહેવામાં આવ્યું છે.ત્યારે આવતીકાલે હવે ફ્લોર ટેસ્ટ થશે કે નહીં તે જોવાનું રહ્યું.ઉલ્લેખનીય છે કે,ભાજપ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોએ ફ્લોર ટેસ્ટની માગણી કરી હતી.દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની પણ મુલાકાત લીધી હતી.
સુપ્રીમ કોર્ટે શિવસેનાની ફ્લોર ટેસ્ટ વિરૂદ્ધની અરજી મંજૂર કરી લીધી છે.શિવસેના તરફથી અભિષેક મનુ સિંઘવીની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે,તેઓ આ કેસને સમજે છે અને પોતાનું કર્તવ્ય પૂર્ણ કરશે.બીજી બાજુ શિંદે જૂથના વકીલ નીરજ કિશન કૌલે શિવસેનાની અરજીનો વિરોધ કર્યો હતો.તેમણે જણાવ્યું કે,આ સત્ર બોલાવવું તથા ફ્લોર ટેસ્ટ એ સદનનો મુદ્દો છે.કોર્ટે તેમાં દખલ ન કરવી જોઈએ.સિંઘવી કોર્ટને ઉંધા રસ્તે ચડાવે છે.જોકે કોર્ટે તેમની દલીલો નહોતી માની.શિંદેના વકીલ નીરજ કિશન કૌલે જણાવ્યું કે,આજે સાંજે આ અંગે સુનાવણી કરવી જરૂરી નથી.ત્યારે સુપ્રીમ કોર્ટે પોતે આજે જ સુનાવણી કરશે તેમ જણાવ્યું હતું.