– નાણા મંત્રાલયે લોકસભામાં જારી કરેલા આંકડા
– પાન કે આધારની વિગતોનો દુરુપયોગ કરીને બોગસ જીએસટી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું : નાણા મંત્રાલય
– 1 જુલાઇ, 2017થી અને 30 જૂન, 2023 સુધીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) કલેઇમ કરવા માટે બોગસ જીએસટી રજિસ્ટ્રેશન કરાયા હતાં
– કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નકલી જિએસટી રજિસ્ટ્રેશન શોધવા માટે ૧૬ મેથી ૧૫ જુલાઇ સુધી વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું
નવી દિલ્હી : સેન્ટ્રલ જીએસટી એડમિનિસ્ટ્રેશને પાન કે આધારની વિગતોેનો દુરુપયોગ કરીને કરવામાં આવેલ ૫૦૦૦ જીએસટી રજિસ્ટ્રેશન શોધી કાઢ્યા છે. ૧ જુલાઇ, ૨૦૧૭થી ૩૦ જૂન, ૨૦૨૩ સુધીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) કલેઇમ કરવા માટે પાન કે આધારની વિગતોેનો દુરુપયોગ કરીને ૫૦૦૦થી વધુ જીએસટી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતાં.નાણા મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર પાન કે આધારની વિગતોેનો દુરુપયોગ કરીને કરાયેલા ૫૦૦૦ જીએસટી રજિસ્ટ્રેશનથી અત્યાર સુધી કરાયેલ ૨૭૦૦૦ કરોડ રૂપિયાની કરચોરી પકડી પાડવામાં આવી છે.આવા કેસોની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર યાદીમાં પ્રથમ ક્રમે છે.રકમની દ્રષ્ટિએ દિલ્હી યાદીમાં પ્રથમ ક્રમે છે.ગુજરાતમાં સૌથી વધારે ધરપકડ કરવામાં આવી છે.
એક પ્રશ્રના લેખિત જવાબમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે ૧ જુલાઇ, ૨૦૧૭થી અને ૩૦ જૂન, ૨૦૨૩ સુધીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) કલેઇમ કરવા માટે પાન કે આધારની વિગતોેનો દુરુપયોગ કરીને ૫૦૭૦ જીએસટી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતાં.આ બોગસ રજિસ્ટ્રેશનથી છેલ્લા છ વર્ષમાં ૨૭૦૦૦ કરોડ રૂપિયાની કરચોરી કરવામાં આવી છે.જેમાંથી ૯૨૩ કરોડ રિકવર કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નકલી જિએસટી રજિસ્ટ્રેશન શોધવા માટે ૧૬ મે, ૨૦૨૩થી વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જો કે હવે પાનનું વેરિફિકેશન કરવા માટે ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) આધારિત વેરિફિકેશન પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે.