– નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અને સોનિયાની મુશ્કેલી વધી
– ઇડીએ પીએમએલએ હેઠળ કરેલ કાર્યવાહી :ટાંચમાં લેવાયેલ સંપત્તિમાં મુંબઇની 15 હજાર ચો.ફૂટમાં ફેલાયેલ નવ માળની મિલકત પણ સામેલ
નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પાર્ટી અને વિશેષ કરીને સોનિયા ગાંધી પર નવી મુશ્કેલી આવી પડી છે.ઇડીએ પક્ષની પ્રકાશન સંસ્થા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ(એજેએલ) અને સોનિયાના ખૂબ જ નજીક ગણાતા નેતાઓમાં સામેલ મોતીલાલ વોરાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.
ઇડી દ્વારા શનિવારે જારી કરાયેલ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર અનુસાર મની લોન્ડરિંગના એક કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.ટાંચમાં લેવામાં આવેલી ૧૬.૩૮ કરોડની સંપત્તિમાં મુંબઇની ૧૫ હજાર ચો.ફૂટમાં ફેલાયેલ એક નવ માળની ઇમારત પણ સામેલ છે.ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ(પીએમએલએ) એક્ટ હેઠળ આ આદેશ જારી કર્યો છે.
ઇડીએ ગયા વર્ષે મોતીલાલ વોરા અને હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.પંચકૂલાના સેક્ટર છમાં પ્લોટ નંબર સી-૧૭ની ખરીદી અને કબજા સાથે જોડાયેલી પ્રક્રિયામાં પ્રત્યક્ષ રીતે સામેલ થવાના કારણે તેમનું નામ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્લોટને એજીએલને વર્ષ ૧૯૮૨માં ફાળવવામાં આવ્યું હતું.જો કે એજેએલએ ઓફર લેટરની શરતો પૂર્ણ કરી ન હોવાથી ૩૦ ઓક્ટોબર, ૧૯૯૨ના રોજ આ પ્લોટ પરત લેવામાં આવ્યું હતું.
૧૯૯૬માં પુનર્વિચાર અરજી ફગાવી દેવામાં આવ્યા પછી પુર્નગ્રહણ આદેશ આપવામાં આવ્યો હતો.હુડ્ડા પર આરોપ છે કે તેમણે પોતાની સત્તાનો ઉપયોગ કરીને પ્લોટને ફરીથી એજેએલને ફાળવ્યો હતો અને તેની કીંમત અગાઉની જ રાખવામાં આવી હતી.આ આદેશ ૨૮ ઓગસ્ટ, ૨૦૦૫ના રોજ આપવામાં આવ્યો હતો.ઇડીએ સીબીઆઇની એફઆઇઆરને આધારે ૨૦૧૬માં પીએમએલએ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.મોતીલાલ વોરા એજીએલના મેનેજિંગ ડાયરેક્ટર છે.એજીએલ જ નેશનલ હેરાલ્ડ અખબારને ચલાવે છે.આ અખબારને જવાહરલાલ નહેરૃએ ૧૯૩૯માં શરૃ કર્યુ હતું.૧૯૫૬માં એજીએલ એક કંપની બની હતી. વર્ષ ૨૦૦૮માં કંપનીના તમામ પબ્લિકેશન બંધ કરી દેવામાં આવ્યા હતાં. તે વખતે કંપની પર ૯૦ કરોડ રૃપિયાનું દેવું હતું.