– ગુજરાતના બાદ દેશના 16 રાજ્યોમાં ફેલાયેલા જીએસટી કૌભાંડનો પર્દાફાશ
– સરકારી યોજનાઓ,સબસિડીનો લાભ લેવા આપેલા પાન,આધાર જેવા દસ્તાવેજો થકી 3600 શેલ કંપનીઓ બનાવી
અમદાવાદ : ગુજરાતમાં પાલીતાણા ખાતે આધાર કાર્ડ સાથે લીંક કરવામાં આવેલા મોબાઈલ નંબરમાં ચેડાં કરી,તે બદલાવી અને તેના ઉપરથી નકલી ઓળખ કરી ટેક્સ રજીસ્ટ્રેશન મેળવવાની ઘટના બાદ દેશના ૧૬ રાજ્યોમાં રૂ.૩૦,૦૦૦ કરોડના ખોટી વેરાશાખ લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.આ કૌભાંડમાં ૧૬,૦૦૦ જેટલા નકલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રજીસ્ટ્રેેશન મેળવવામાં આવ્યા છે,આ નોધણી મેળવવા માટે ૧૮,૦૦૦ જેટલા પાન કાર્ડ અને આધાર કાર્ડનો ગેરઉપયોગ કરી ૩,૬૦૦ જેટલી શેલ કંપનીઓ ઉભી કરવામાં આવી હોવાનું અત્યારસુધીની તપાસમાં બહાર આવ્યું છે.
જૂન મહિનાના પ્રારંભે, નોઇડા પોલીસે આઠ શકમંદની ધરપકડ કરી રૂ.૧૦,૦૦૦ કરોડની જીએસટી ચોરીનું કૌભાંડ પકડયું હતું.આ વ્યક્તિઓ છેલ્લા પાંચ વર્ષથી ૬.૩ લાખ લોકોના નકલી દસ્તાવેજોના આધારે ૨,૬૦૦ જેટલી નકલી ક્મ્નીઓ ઉભી કરી ટેક્સ ચોરી કરી રહ્યા હતા.ભાવનગર અને નોઇડાના કૌભાંડ બાદ હવે તપાસ દેશવ્યાપી બની છે.
સૌથી ચોંકાવનારી વિગત અનુસાર રજીસ્ટ્રેશન માટે જરૂરી આધાર અને પાન કાર્ડનો ડેટા કેન્દ્ર સરકારની પીએમ કિસાન અને અન્ય સામાજિક સુરક્ષા માટેના ડેટાબેઝ ઉપરથી લેવામાં આવ્યો છે.આ યોજનામાં સરકાર પોતાના તરફથી લાયક વ્યક્તિને સબસિડી,નાણા સહાય અને અન્ય વળતરની ચૂકવણી કરે છે.આ ડેટામાંથી વ્યક્તિના પાન કાર્ડ અને તેની ઓળખના પ્રમાણ ચોરી,શેલ કંપનીઓ કે પેઢીમાં ભાગીદાર અને ડીરેક્ટર બનાવી આ સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યું છે.
શેલ કંપનીઓ કે પેઢીની રચના કરી તેમાંથી ચીજ કે વસ્તુના વેચાણના નકલી બિલ બનાવવામાં આવતા હતા.આ બિલ ઈનપુટ ટેક્સ ક્રેડીટ (વેરા શાખ) લેવા માટે ઉપયોગમાં લેવાતા હતા.લગભગ ત્રણ ટીમ બની એક જ રાજ્યને બદલે અલગ અલગ રાજ્યોમાં શેલ કંપનીઓની નોંધણી કરવાની કામગીરી કરતી હતી.આ નોંધણી વખતે ચોરેલા અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ થતો હતો.આ ઉપરાંત, નકલી ફેક બીલ,ઇનવોઇસ પણ બનાવવામાં આવતા હતા જેથી સાબિત કરી શકાય કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચાણ થયું છે.
તા.૧૬ મેથી જીએસટી વિભાગે દેશભરમાં નકલી પેઢીઓ અને ખોટી નોંધણી કરાવેલી કંપનીઓની ચકાસણી કરવાની શરૂઆત કરી છે.આ કિસ્સામાં જયારે જીએસટી વિભાગે ડીરેકટરોને નોટીસ મોકલી ત્યારે જાણવામાં આવ્યું હતું કે જેના નામે નોંધણી થઇ છે તે વ્યક્તિને ખબર જ નથી કે તેના નામે જીએસટીની નોંધણી છે કે પોતે કોઈ કંપનીમાં ડીરેક્ટર છે.અત્યાર સુધીમાં દેશભરમાંથી લગભગ ૧૦,૦૦૦ જેટલા આવા ખોટા રજીસ્ટ્રેશન રદ્દ કરી નાખવામાં આવ્યા છે.અત્યારે આ કેસની તપાસમાં કેન્દ્ર સરકારના સ્તરે ડીરેક્ટર જનરલ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સ,વિવિધ રાજ્યોના જીએસટી વિભાગ,એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ (ઈડી),ઇન્કમ ટેક્સ (આઈટી) અને કંપની અફેર્સ મંત્રાલય પણ જોડાયા છે.