નવી દિલ્હી, તા. 08 મે 2020, શુક્રવાર
દેશમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે.દેશમાં કોરોના પૉઝિટિવ કેસનો આંકડો 56 હજારને પાર કરી ગયો છે.30 એપ્રિલ સુધી કુલ કન્ફર્મ કેસ 33 હજારને આસપાસ હતા,જે મે મહિનાની શરૂઆતના દિવસોમાં વધીને 56 હજાર સુધી પહોંચી ગયો છે.એટલે કે છેલ્લા 7 દિવસમાં 23 હજાર નવા કેસ સામે આવ્યા છે.
30 એપ્રિલ સુધીમાં 1075 લોકોના મૃત્યુ થયા હતા,જે વધીને 1886 થઇ ગયા છે.એટલે કે છેલ્લા 7 દિવસમાં 800 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આનંદની વાત એ પણ છે કે કોરોનાથી લોકો ઝડપી સાજા પણ થઇ રહ્યા છે.30 એપ્રિલ સુધીમાં લગભગ 8 હજાર લોકો સાજા થયા હતા જ્યારે અત્યાર સુધીમાં 16 હજારથી વધારે લોકો સાજા થઇ ચૂક્યા છે.એટલે કે સાજા થનાર લોકોની સંખ્યા બમણી છે.
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શુક્રવાર સવારે જાહેર કરવામાં આવેલ આંકડાકીય માહિતી અનુસાર,હાલ દેશમાં કોરોનાના કુલ કન્ફર્મ કેસ 56,342 છે. તેમાંથી 1886 લોકોના મૃત્યુ થયા છે અને 16,539 લોકો સાજા થઇ ચૂક્યા છે.અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 37,916 છે.છેલ્લા 24 કલાકમાં 3390 નવા કેસ સામે આવ્યા છે અને 103 લોકોના મૃત્યુ થયા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 1300થી વધારે લોકો કોરોના સંક્રમિત કેસ સામે આવ્યા છે,જેમાં એકલા મુંબઇમાં જ 680 નવા કોરોના પૉઝિટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં કુલ સંક્રમણ કેસનો આંકડો 17,974 સુધી પહોંચી ગયો છે.મુંબઇમાં 11,394 લોકો વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે.અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 694 દર્દીઓના મોત નિપજ્યા છે, જેમાં મુંબઇમાંથી 437 દર્દીઓ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
દિલ્હીમાં દર્દીઓની સંખ્યા વધીને 5980 સુધી પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 448 નવા કેસ સામે આવ્યા છે.એક દિવસમાં દિલ્હીમાં વાયરસથી સંક્રમિત થતા લોકોની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.દિલ્હીમાં માત્ર 6 દિવસની અંદર 2000 લોકો કોરોના પૉઝિટિવ કેસ સામે આવ્યા છે.