– ઓલ ઈન્ડીયા ટ્રેડ યુનિયનના મહામંત્રી અમરજીત કૌરે કાઢી ઝાટકણી : આજે પણ કરોડો લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે
નવી દિલ્હી,તા. ૧૮ : ઓલ ઈન્ડીયા ટ્રેડ યુનિયન (એઆઈટીયુસી)ના મહામંત્રી અમરજીત કૌરે એક નિવેદનમાં જણાવ્યુ છે કે,વડાપ્રધાને તાજેતરમાં કરેલા દેશવ્યાપી પ્રવચનમાં દેશના કરોડો ભૂખ્યા લોકો અને પીડીત કામદારોને કોઈ રાહત આપવામાં નિષ્ફળ ગયા છે એટલુ જ નહિ ગઈકાલે રીઝર્વ બેન્કે જાહેર કરેલા ૧ લાખ કરોડના પેકેજમાં પણ પીડીત શ્રમિકોના કલ્યાણ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
એક નિવેદનમાં તેમણે જણાવ્યુ છે કે આજે દેશમાં કરોડો લોકડાઉનને કારણે ભૂખ્યા છે અને કામદારો પણ પીડીત છે,ત્યારે વડાપ્રધાન અને રીઝર્વ બેન્ક તેઓને રાહત આપવામાં નિષ્ફળ ગયા છે.તેમણે વધુમાં જણાવ્યુ છે કે વડાપ્રધાને લોકડાઉન અંગે જે પ્રવચન આપ્યુ તે બાબતે તેમણે રાજ્યોના મુખ્યમંત્રીઓ,રાજકીય પક્ષો અને સંસદને વિશ્વાસમાં લીધેલ નહોતા.તેમના પ્રવચનમાં કોરોના મહામારીને જ કેન્દ્ર સ્થાન આપવામાં આવ્યુ હતુ.સરકાર જાણતી હતી કે એક સાથે લોકડાઉન જાહેર કરવાથી પરપ્રાંતીય મજુરો,વિદ્યાર્થીઓ અને અન્યોને મુશ્કેલી થશે.તેમણે જણાવ્યુ છે કે લોકડાઉનની સૌથી મોટી માઠી અસર કરોડો પર પ્રાંતીય શ્રમિકોને થવા પામી છે.તેઓ આજે પણ પાણી,ખોરાક,દવા અને સ્વાસ્થ્ય સુવિધાથી વંચીત છે અને તેઓ ભૂખમરાની સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
તેમણે ઉમેર્યુ છે કે ડીસેમ્બર ૨૦૧૯થી કોરોનાથી પીડીત રાષ્ટ્રો સહિત વિશ્વના અનેક ભાગોમાંથી ૬ લાખ જેટલા લોકો ભારતમાં પ્રવેશ્યા હતા.તેઓનંુ કોઈ સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ નહોતુ અને તેમને ૧૪ દિવસ સેલ્ફ કોરન્ટાઈનમાં પણ લઈ જવાયા નહોતા.જેને કારણે મહામારી ફેલાય છે.આજે પણ આપણી વસ્તીને જોતા જે ટેસ્ટ થાય છે તે નહિવત છે.તેમણે નિવેદનમા વધુમાં જણાવ્યુ છે કે,કામકાજના સ્થળે,રહેણાક વિસ્તારોમાં અને બજારોમાં આપણા ફ્રન્ટલાઈન ફાઈટર્સ કહેવાય છે તેના પર જે હુમલા થઈ રહ્યા છે અથવા તો તેનેે પરેશાન કરવામાં આવી રહ્યા છે તેમને વખોડવાની તસ્દી પણ વડાપ્રધાને લીધી નથી.તેમણે જણાવ્યુ છે કે વડાપ્રધાને પીડીત શ્રમિકોની સુરક્ષા અને તેઓને સ્વાસ્થ્યની સગવડ આપવા માટે કોઈ ખાત્રી આપી નથી.વડાપ્રધાન કંપનીઓને જણાવી રહ્યા છે કે કામદારોને નોકરીમાંથી કાઢી ન મુકવા,પરંતુ આ બાબત અધકચરી ગણાય.તેમની ખાત્રીનો અમલ થાય તે જોવાનું રહ્યું. તેમણે નિવેદનના અંતે જણાવ્યુ છે કે બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને જે રાશન આપવામાં આવી રહ્યુ છે તેમા અનેક ખામીઓ જોવા મળી છે. અનેક ગરીબો રાશનથી વંચીત રહી ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.