રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
ગત સપ્તાહે સારા ગ્લોબલ સંકેતો સાથે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા જાહેર કરવામાં આવેલ કેન્દ્રિય બજેટને ભારતીય શેરબજારે આવકાર્યું સાથે આગામી દિવસોમાં સુધારાને વેગ મળશે તેવી અપેક્ષાએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈના સતત થઈ રહેલા રોકાણ પ્રવાહથી ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. જાન્યુઆરી માસના અંતે રોજબરોજ મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવાયા બાદ નાણાંપ્રધાન દ્વારા ઐતિહાસિક બજેટ રજૂ કરી મોટાભાગની ઈન્ડસ્ટ્રી માટે રાહતો આપવામાં આવતા ભારતીય શેરબજારમાં ફરી વિક્રમી તેજી તરફી દોટ આગળ વધી છે.
જાન્યુઆરી માસના અંતે બજારની લાંબાગાળાની તંદુરસ્તી માટે અપેક્ષિત મોટું કરેકશન આપી દેવાયા બાદ કેન્દ્રિય બજેટમાં દેશના સર્વાંગી વિકાસ ખાસ આત્મનિર્ભર ભારત માટે મહત્વનું બની રહેવાના અને ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહનો આપવામાં આવતાં ફંડોએ ગત સપ્તાહમાં ભારતીય શેરબજારમાં ઓલ રાઉન્ડ તેજી જોવા મળી હતી. વેરાના ભારણ વિનાના હળવાફૂલ બજેટના પગલે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ બજારમાં તેજીની ચાલ આગળ વધી રહી હતી. બજેટની રજૂઆત બાદ સતત લેવાલીએ ભારતીય શેરબજારમાં બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન રૂા. ૨૦૦ લાખ કરોડની સપાટી કુદાવતા એક નવા વિક્રમી સપાટીએ પહોંચ્યુ હતું.
નવી લેવાલી થકી સતત વિક્રમી તેજીની ચાલ નોંધાતા બીએસઇ સેન્સેક્સ પ્રથમવાર ૫૧,૦૦૦ પોઈન્ટની સપાટી કૂદાવીને ૫૧,૦૭૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૫૦૦૦ પોઈન્ટની સપાટીને પાર કરીને ૧૫૦૦૮ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈનો વિક્રમ નોંધાવ્યો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
જાન્યુઆરી માસમાં સતત ચોથા મહિને ભારતીય શેરબજારના ઇક્વિટી સેગમેન્ટમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા જંગી રોકાણ થતાં અને ચાલુ મહિને પણ આ વખતે કેન્દ્રિય બજેટમાં ઉદ્યોગ જગતને વધુ પ્રોત્સાહનોની જોગવાઈઓ જાહેર થતાં ફોરેન ફંડોની સતત ખરીદી ચાલુ રહેતા માર્કેટ સેન્ટિમેન્ટ સતત પોઝિટિવ જોવા મળી રહ્યું છે. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર માટે અપાયેલા પ્રોત્સાહનો સાથે ફાઈનાન્શિયલ ક્ષેત્ર માટે કરાયેલી જોગવાઈઓના સતત આકર્ષણ સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૨૦ના અંતના ત્રિમાસિક પરિણામો અપેક્ષાથી સારા આવતાં અને સપ્તાહના અંતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સતત ચોથી વાર રેપો રેટ ૪% અને રિવર્સ રેપો રેટ ૩.૩૫% પર યથાવત રાખ્યા હતા. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આગામી નાણાંકિય વર્ષ ૨૦૨૧-૨૨માં GDP માં ૧૦.૫%ની વૃદ્ધિનું અનુમાન સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ પોલીસીની સમિક્ષામાં આ વખતે પણ વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરતાં ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ વિક્રમી તેજીને આગળ વધારી હતી.
ઉત્પાદન ક્ષેત્રના પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસમાં વધારા બાદ હવે દેશના જાન્યુઆરીના સેવા ક્ષેત્રના પીએમઆઈમાં પણ વધારો જોવા મળ્યો છે. કોરોના વેકસિનમાં સફળતા બાદ ઉપભોગતાના માનસમાં સુધારો થયો છે અને સેવા ક્ષેત્રે માગમાં વૃદ્ધિ થઈ રહી છે.
સેવા ક્ષેત્રનો નિક્કી આઈએચએસ માર્કિટ પીએમઆઈ જે ડિસેમ્બર માસમાં ૫૨.૩૦ હતો તે જાન્યુઆરી માસમાં વધીને ૫૨.૮૦ રહ્યો હતો. દેશમાં કોરોનાવાઈરસને લગતા લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ સેવા ક્ષેત્રે માગમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર મહિનાથી સેવા ક્ષેત્રનો પીએમઆઈ સતત ૫૦ પોઈન્ટની ઉપર રહ્યા કરે છે. વેકસિનની સફળતાની આશાએ વેપાર વિશ્વાસ ૧૧ મહિનાની ટોચે રહ્યો છે. વેકસિનની સફળતા માગમાં વધુ વધારો કરાવશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.
બજારની ભાવી દિશા….
વિશ્વને હચમચાવી મૂકનારા કોરોના વાઈરસના હજુ પણ વૈશ્વિક સ્તરે સંક્રમણ અને ભારતમાં પણ નવા વેવમાં સ્થિતિ નાજુક હોવા સાથે કૃષિ સુધારા મામલે ખેડૂતોના આંદોલન વચ્ચે પરિસ્થિતિ સ્ફોટક હોવા છતાં આર્થિક સુધારા મામલે કેન્દ્ર સરકાર મક્કમ હોઈ ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોનો અવિરત ખરીદી યથાવત રહેતા સેન્સેક્સ – નિફટીમાં નવા વિક્રમો સર્જાવાનું ચાલુ રહ્યું છે.
કોરોના મહામારી દરમિયાન વી-શેપ રિકવરી સાથે ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક સર્વેમાં ૭.૭% નેગેટીવ જીડીપી વૃદ્વિના મૂકાયેલા અંદાજ સામે નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૧૧%નો પોઝિટીવ વૃદ્વિનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ વખતે કેન્દ્રિય બજેટમાં ઐતિહાસિક પ્રોત્સાહક જોગવાઈઓ રજૂઆત થઈ છે. બજેટ સાથે શેરોમાં તોફાની તેજી પણ જોવાય છે પરંતુ આ બજેટની જોગવાઈ રજૂ થવાની સાથે સાથે ભારતીય શેરબજાર હજુ ઓવરબોટ ઝોનમાં હોવાથી આગામી દિવસોમાં તેજીના સતત નવા વિક્રમો સર્જતા રહેનાર ભારતીય શેરબજારમાં તેજીને વિરામ આપવાની સાથે બજારની તંદુરસ્તી માટે જરૂરી કરેકશનની શક્યતા નકારી ના શકાય.
કોરોના મહામારીનો અંત લાવવા વિશ્વભરમાં વેક્સિન ડેવલપમેન્ટ અને વિતરણના માટે થઈ રહેલા અથાગ પ્રયાસોને સફળતા મળી રહ્યાના અહેવાલે આ મહામારીનો અંત નજીક આવવાની આશાએ વૈશ્વિક અર્થતંત્ર પણ ફરી રિકવરીના પંથે પડવાના અંદાજો પાછળ વૈશ્વિક બજારોમાં સાથે કોરોના મહામારીના કારણે નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કેન્દ્રિય બજેટમાં વધુ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવતા અને સ્થાનિક ફંડોની વેચવાલી સામે એફઆઇઆઇ ની સતત ખરીદીના કારણે ભારતીય શેરબજાર વધી રહ્યું છે, પરંતુ અગાઉ પણ તેજીના તબક્કામાં કરેક્શન જોવા મળ્યાં છે. એમ આ વખતે પણ પોઝિટીવ પરિબળોની સાથે સાથે શેરોમાં ઉછાળે તેજીનો વેપાર પણ હળવો થવાની શકયતાએ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!