રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
ભારતમાં આર્થિક વિકાસ આગામી દિવસોમાં ઝડપી વધવાની આશાએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો સતત નવી ખરીદી કરતાં રહી થોડું કરેકશન આપીને ફરી સેન્સેક્સ-નિફટીને નવી ઐતિહાસિક ઊંચાઈની નજીક મૂકી દીધા હતા. અમેરિકામાં બિડેન પ્રમુખપદે સત્તાવાર રીતે જાહેર થઈ જતા હવે વધુ મોટા સ્ટીમ્યુલસ પેકેજની આશાએ અમેરિકા સહિતના વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલી વચ્ચે ૧લી ફેબ્રુઆરીના રોજ જાહેર થનારા કેન્દ્રિય બજેટની જાહેરાત પૂર્વે વર્તમાન નાણાકીયવર્ષ માટે દેશના જીડીપી તથા રાજકોષિય ખાધના બન્ને પ્રાથમિક અંદાજો બજારની અપેક્ષા પ્રમાણે આવતા ભારતીય શેરબજારે સપ્તાહ દરમ્યાન ઐતિહાસિક તેજી તરફી ચાલ નોંધાવી હતી.
ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા મોટાપાયે ખરીદી અને વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેતોને પગલે બીએસઇ સેન્સેક્સે ૪૯૭૯૫ પોઈન્ટની અને નિફ્ટીફ્યુચરે ૧૪૬૬૦ પોઈન્ટની વધુ એક વિક્રમજનક સપાટી નોંધાવી હતી. કોર્પોરેટ ઇન્ડિયાના ત્રિમાસિક પરિણામો અપેક્ષા અનુસાર રહેતા અને આગામી કંપનીઓના રિઝલ્ટ સારા જાહેર થવાની અપેક્ષાએ સતત લેવાલી રહેતા ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. વિદેશી રોકાણકારો દ્વારા ગત કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં સતત ખરીદી બાદ કોરોના વેક્સીનના પોઝિટિવ અહેવાલથી ભારતીય અર્થવ્યવસ્થામાં તેજીની આશા સાથે કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં પણ ખરીદી ચાલુ રાખતા જાન્યુઆરી માસમાં ગત સપ્તાહે વિદેશી રોકાણકારોએ ૧૪ જાન્યુઆરી સુધીમાં અંદાજીત રૂ.૧૫૯૩૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
કોરોના મહામારી વચ્ચે અર્થતંત્રમાં વી શેપની વૃધ્ધિ જોવા મળી છે આમ છતાંય એવા કેટલાય ક્ષેત્રો છે જેના પર મહામારીની પ્રતિકૂળતા છવાયેલી છે. જો કે મહામારીના કારણે આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્રમાં વૃધ્ધિની અનિશ્ચિતતા કાયમ છે.બજેટ રજૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહામારીની પ્રતિકૂળતા વચ્ચે આ વખતનું બજેટ સરકાર માટે એક પડકાર સમાન બાબત પૂરવાર થશે જો કે ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા સરાહનીય પ્રયાસોથી આગામી દિવસોમાં ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા છે પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પણ નબળી પડવાની શકયતાએ હજુ શેરોમાં ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.
ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેતો જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧ના અંતિમ ત્રિમાસિકના જીડીપીમાં સુધારાના સંકેતો જોવાશે અને નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં મજબૂત ગ્રોથનો અંદાજ મૂકવામાં આવે છે આ કારણે વિવિધ રેટિંગ અજન્સી સહિત બ્રોકરેજ હાઉસોએ જીડીપીના અંદાજોમાં સુધારો કર્યો છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા કેસને કારણે વધેલી ચિંતાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા છે. તે સાથે બજાર ઐતિહાસિક ટોચ પર હોવાથી પ્રોફિટ બુકિંગની પણ સંભાવના જોવાઈ રહી છે ત્યારે એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.
શેરબજારમાં તેજી અને અર્થતંત્રની મૂળ સ્થિતિ વચ્ચે વ્યાપક અંતર હોવાનું જણાવી રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે નાણાંકીય એસેટસના ખેંચાયેલા મૂલ્યાંકનો નાણાંકીય સ્થિરતા સામે જોખમ ઊભા કરી શકે છે તેવી ચેતવણી ઉચ્ચારી છે.નાણાંકીય બજારોના કેટલાક સેગમેન્ટસ તથા અર્થતંત્રના ખરા ચિત્ર વચ્ચેનું અંતર ભારત તથા વૈશ્વિક સ્તરે હાલના સમયમાં ધ્યાન દોરનારું બની ગયું છે. નાણાંકીય એસેટસના વધુ પડતા મૂલ્યાંકનો નાણાંકીય સ્થિરતા સામે જોખમો ધરાવે છે એમ ગવર્નરે રિઝર્વ બેન્કના દ્વીવાષક ફાઈનાન્સિઅલ સ્ટેબિલિટી રિપોર્ટની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારત સહિત વિશ્વના શેરબજારો કોરોનાના કાળમાં પણ તેજીમાં જોવા મળી રહ્યા છે અને અસંખ્ય કંપનીઓના શેરભાવ ટૂંકા ગાળામાં ઘણાં ઊંચે ગયા છે.
કોરોનાની મહામારીને કારણે ગયા વર્ષના માર્ચમાં ૪૦% જેટલુ તૂટી ગયા બાદ ભારતીય શેરબજાર તેની નીચી સપાટીએથી અંદાજીત ૮૦% વધ્યું છે અને તેજી હજુ પણ ચાલુ છે. શેરબજારો ઊંચે ગયા હોવા છતાં દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ખાસ સરકારી બેન્કોની સ્થિતિ હાલમાં નબળી છે અને ૨૦૨૧ના સપ્ટેમ્બર સુધીમાં આ બેન્કોની ગ્રોસ નોન – પરફોર્મિંગ એસેટસ (એનપીએ) વધીને ૧૬.૨૦% પહોંચવા ધારણાં છે અને એકદમ ખરાબ સ્થિતિમાં આ પ્રમાણ ૧૭.૬૦% સુધી જઈ શકે છે. વર્તમાન નાણાં વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ૭.૫૦% ઘટવાની ધારણાં છતાં શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. મહામારી તથા તેને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને પરિણામે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં સરળ લિક્વિડિટીને કારણે શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોએ વર્ષ ૨૦૨૦માં ભારતીય મૂડી બજારમાં રૂપિયા અંદાજીત ૧.૬૦ લાખ કરોડનું રોકાણ કર્યું હતું.
બજારની ભાવી દિશા….
મિત્રો ભારતીય શેરબજાર ઓવરબોટ ઝોનમાં ખાસ્સા સમયથી છે પરંતુ કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને કોરોના મહામારીનો અંત લાવવા વિશ્વભરમાં વેક્સિનના ડેવલપમેન્ટ માટે થઈ રહેલા અથાગ પ્રયાસોને સફળતા મળી રહ્યાના અહેવાલે વૈશ્વિક અર્થતંત્ર પણ ફરી રિકવરીના પંથે પડવાના અંદાજો પાછળ વૈશ્વિક બજારોમાં પ્રત્યેક ઘટાડે વેલ્યૂ બાઇંગ માહોલ જળવાઈ રહ્યો છે.
મોદી સરકાર દ્વારા આગામી કેન્દ્રિય બજેટ છેલ્લા ૧૦૦ વર્ષમાં નહીં જોયું હોય એવું રજૂ કરવાના નાણા પ્રધાન નિર્મલા સીતારામનના નિવેદનને ગંભીરતાથી લઈને ફોરેન ફંડોની સાથે દેશના મહારથી ઈન્વેસ્ટરો આ બજેટમાં વધુ સ્ટીમ્યુલસ જાહેર થવાની અને સ્થાનિક ઉદ્યોગોને માટે અનેક પ્રોત્સાહનો રજૂ થવાની બજારની અપેક્ષા અને વૈશ્વિક બજારોના સકારાત્મક વલણો સાથે સતત ખરીદી જાન્યુઆરી માસમાં પણ આગળ વધી રહી છે ત્યારે મિત્રો કેન્દ્રિય બજેટ પૂર્વે વિદેશી સંસ્થાઓ નફો બુક કરશે કે ખરીદીનો માહોલ યથાવત રાખશે તેનાં ઉપર ભારતીય શેરબજારનો આધાર રહેશે.
મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!