રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૧૧.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૩૪૦.૯૯ સામે ૫૮૩૬૩.૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૧૪૩.૮૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૫૭.૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૪.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૭૯૫.૦૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૦૮.૧૦ સામે ૧૭૩૨૦.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૩૨૦.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૭.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૫.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૫૩૪.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત નજીવા ઉછાળા સાથે થઈ હતી. કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં કંપનીઓના એકંદર પ્રોત્સાહક પરિણામો જાહેર થઈ રહ્યા હોઈ સાથે ફંડોએ એનર્જી, ટેલિકોમ શેરોની આગેવાની સાથે હેલ્થકેર શેરોમાં તેજી કરીને સેન્સેક્સે ફરી ૫૮૯૦૧.૫૮ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૭૫૫૮ પોઈન્ટની સપાટી પાર કરાવી હતી. આ સાથે આજે ફરી રિયાલ્ટી શેરોમાં ફંડોએ મોટી તેજી કરી હતી. ગઈ કાલના મોટા ઘટાડા બાદ આજના ટ્રેડિંગની શરૂઆતના મોટા ઉછાળા સાથે લોકલ ફંડો તેમજ ફોરેન પોર્ટપોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝની શેરોમાં આક્રમક ખરીદી શરૂ થઈ આજે ફંડોએ ઓલ રાઉન્ડ તેજી કરી હતી. આજે જાણે કે મોટી વેચાણ કાપણી નવેમ્બર વાયદાના અંતિમ ટ્રેડિંગ સેશનમાં જોવા મળી હતી.
દેશમાં એક તરફ મોંઘવારીના કારણે લોકોને માર પડી રહ્યો છે અને યુરોપના દેશોમાં કોરોના વાઇરસના કેસ વધતાં હોઈ, અમુક દેશોમાં ફરી ફરજિયાત લોક ડાઉન લાગુ પાડવામાં આવી રહ્યાના સમાચારે તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે અરામકો કંપની દ્વારા ભાગીદારી સ્થગિત થતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મોટું ફંડ પાછું આપવાના અહેવાલની અવહેલનાએ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એ મંદીની આગેવાની લેતા દલાલ સ્ટ્રીટમાં તમામ સેક્ટોરિયલ ઇંડાઈસીસમાં ચાલુ સપ્તાહે સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ચોમાસાની સારી પ્રગતિ સાથે દેશ કોરોના કાળમાંથી બહાર આર્થિક મોરચે પ્રવૃતિ લોકડાઉન પૂર્વેની સ્થિતિએ આવી જવા લાગી હોવાના સંકેત વચ્ચે કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૧ની સીઝનમાં એકંદર સારા પરિણામે વૈશ્વિક બજારોમાં પણ આજે મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પેટ્રોલ, ડિઝલના ભાવમાં અવિરત તીવ્ર વધારા અને અન્ય જીવનાશ્યક ચીજોના ભાવોમાં પણ સતત વધારાના નેગેટીવ પરિબળ છતાં કોર્પોરેટ પરિણામો એકંદર સારા આવી રહ્યા હોઈ અને ચાલુ વર્ષે ચોમાસાની સફળતાના પોઝિટીવ પરિબળે ફંડોએ શેરોમાં સાર્વત્રિક વેચવાલી સામે તેજી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફાઇનાન્સ, કેપિટલ ગૂડ્ઝ, બેઙ્કેક્સ, ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૧૫ અને વધનારની સંખ્યા ૨૦૮૨ રહી હતી, ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં આવેલા જોરદાર કડાકાની અસર વર્તમાન મહિનામાં શેરબજારમાં લિસ્ટેડ થયેલી કંપનીઓના ભાવ પર જોવા મળી છે. નવેમ્બર માસમાં લિસ્ટિંગ થયેલી આઠ કંપનીઓમાંથી પાંચના ભાવ તેમના ભરણાંના ભાવથી જંગી ડિસ્કાઉન્ટે બોલાઈ રહ્યા છે. સૌથી મોટો કડાકો પેટીએમના ભાવમાં ૪૦% બોલાઈ ગયો હતો, જો કે છેલ્લા બે ટ્રેડીંગ સેશનમાં પેટીએમ ૧૪% નીચા મથાળેથી વધ્યો છે. પેટીએમ ઉપરાંત ફાઈનો પેમેન્ટસ બેન્ક ૧૭%, ઓટો એન્સિલિઅરી કંપની એસજેએસ એન્ટરપ્રાઈઝિસ ૬%, ફીનો પેમેન્ટ્સ બેન્ક ૧૭% નીચેના ભાવે તેમના ભરણાંના ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. વર્તમાન મહિનામાં લિસ્ટ થયેલી અન્ય કંપનીઓ જેમ કે, લેન્ટન વ્હયૂ ૨૫૭%, સેફાયર ફૂડ્સ ૨% તથા સિગાચી ઈન્ડ. ૨૧૫% તથા પીબી ફિનટેક ભરણાંના ભાવથી ૨૯% જેટલા ઊંચા બોલાઈ રહ્યા છે.
આઠ કંપનીઓ મળીને અંદાજિત કુલ રૂ.૩૪૦૦૦ કરોડથી પણ વધુની રકમનું જાહેર ભરણું લાવી હતી. છેલ્લા બે વર્ષથી સેકન્ડરી બજાર પાછળ પ્રાઈમરી માર્કેટમાં પણ જોરદાર તેજીનો પવન જોવા મળી રહ્યો છે. કોરોનાના કાળમાં રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારો થતાં તાજેતરના મોટાભાગના આઈપીઓ સફળ રહ્યાનું પણ જોવા મળ્યું છે. પેટીએમના શેરભાવમાં બોલાયેલા કડાકા બાદ રિટેલ રોકાણકારોનું માનસ ખરડાઈ જવાની શકયતા જોવાઈ રહી છે. કેટલીક કંપનીઓના ઊંચા મૂલ્યાંકનો પણ ભાવમાં ઘટાડા માટે કારણભૂત જણાવાઈ રહ્યા છે. પેટીએમના કડાકાએ પ્રાઈમરી માર્કેટના મૂલ્યાંકનોને લઈને પણ પ્રશ્ના ઊભા કર્યા છે. નવેમ્બર માસમાં એકંદરે આઇ પી ઓ માર્કેટમાં તેજી કરતાં મંદીનું વલણ વધુ જોવા મળ્યું છે.