રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૪.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૩૩.૮૪ સામે ૫૦૦૯૩.૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૫૩૫.૯૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૩૯.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૭૬૫.૯૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૮૫૫.૩૦ સામે ૧૫૦૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૮૧૨.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૨.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૧.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮૯૭.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારત ગંભીર કોરોના સંકટમાં ફસાયો હોઈ અત્યારે વિશ્વની મહાસત્તાઓ અમેરિકા સહિતની મદદ વિના આ સંકટમાંથી બહાર આવવું મુશ્કેલ બની જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુદ્વના ધોરણે વિશ્વમાંથી જે દેશો પાસેથી મદદ મળી શકતી હોય એ મેળવવા અને દેશના ઉદ્યોગપતિઓ, સરકારી તંત્ર તમામને કામે લગાડવા થઈ રહેલા પ્રયાસોના પરિણામ સારા આવવા લાગી દેશમાં કોરોના સંક્રમણના આંકડા અંકુશમાં આવી રહ્યાના સંકેતો અને દેશના અર્થતંત્રને ખાસ મોટો ફટકો નહીં પડવાના અમુક નિષ્ણાંતોના અભિપ્રાય વચ્ચે આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારોમાં ટ્રેડિંગની શરૂઆત તેજી સાથે થઈ હતી.
દેશમાં ઐતિહાસિક સર્જાયેલી કોરોના સંક્રમણને લઈ કટોકટીની પરિસ્થિતિમાં સંપૂર્ણ તંત્ર પડી ભાંગ્યા જેવી સર્જાયેલી સ્થિતિમાં તાકીદની મીટિંગો બોલાવી રાજયો સાથે યુદ્વના ધોરણે પગલાં લેવાતા છતાં આ વિકટ પરિસ્થિતિમાં દેશનું અર્થતંત્ર પડી ભાંગવાના સર્જાયેલા ફફડાટ વચ્ચે આજે ડેરિવેટીવ્ઝમાં એપ્રિલ વલણનો અંત હોવાથી ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી બાદ ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, હેલ્થકેર, યુટિલિટીઝ, બેન્કેક્સ, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૪૪ અને વધનારની સંખ્યા ૧૩૯૫ રહી હતી, ૧૮૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતમાં કોરોનાની બીજી લહેરથી દેશની આર્થિક રિકવરી સામે અવરોધ આવી શકે છે અને નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે તેના આર્થિક વિકાસ દરના અંદાજોમાં ઘટાડા તરફી ફેરબદલ આવવાની વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. કોરોનાની બીજી લહેરને કારણે ભારતના આર્થિક વિકાસ દરની વૃદ્ધિ પણ જોખમમાં જણાઈ રહી હોવાનું તથા વેપારમાં ખલેલ પડવાની પણ એજન્સી દ્વારા શકયતા વ્યકત કરવામાં આવી છે.
બીજી બાજુ રિસર્ચ પેઢી આઈએચએસ માર્કિટે પણ ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાનું જોખમ હોવાનું જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે દેશના જીડીપી પર અસર પડી રહી છે. ભારતના જીડીપીમાં મહારાષ્ટ્રનો હિસ્સો ૧૬% જેટલો છે. કોરોનાને કાબુમાં લેવા કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા પગલાંઓ લેવાઈ રહ્યા છે છતાં અર્થતંત્રની પીડાંમાં વધારો થવાની નોમુરાએ શકયતા વ્યકત કરી છે. જો કે વર્ષ ૨૦૨૦ની સરખામણીએ વર્તમાન વર્ષમાં અસર ઓછી રહેશે.