– કોરોનાના કારણે અફવાથી લોકોમાં ગભરાટ
– પુરની સ્થિતિ હોય તેમ લોટ, શાકભાજી, અનાજ વગેરે વસ્તુ ભરી દીધીઃ સેનેટાઈઝર આઉટ ઓફ સ્ટોક થતાં કાળા બજારની ભીતી.
સુરત, તા.16 માર્ચ 2020, સોમવાર
કોરોના વાઈરસ સામે સુરતીઓ તકેદારી રાખી રહ્યાં છે પરંતુ કેટલાક લોકો અફવાથી પણ ગભરાઈ રહ્યાં છે.અફવાથી ગભરાયેલા લોકો જીવન જરૂરીયાતની વસ્તુ લેવા માટે ઉતાવળા બન્યા છે.પુરની સ્થિતિ હોય તેમ લોકોએ અનાજ,લોટ અને શાકભાજી જેવી વસ્તુઓનો સ્ટોક કરી દીધો છે.
ચોમાસા દરમિયાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતું હોય ત્યારે સુરતમાં અફવા બજાર ગરમ થઈ જાય છે.મ્યુનિ.તંત્રના અનેક પ્રયાસ છતાં અફવા બજારના કારણે લોકો જીવન જરૂરીયાતની વસ્તુ લેવા માટે પડાપડી કરતાં હોય છે. જોકે, આ વર્ષે જાગૃત્તિ છતાં પણ કોરોના વાઈરસના નામે કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યાં છે. કેટલાક લોકોમાં કોરોના પ્રત્યે વધુ જાગૃત્તિ છે.પરંતુ જે લોકોમાં જાગૃત્તિ ન હોય તે લોકો અફવાનો ભોગ બની રહ્યાં છે.
મોલ બંધ હોવાની વાતના કારણે ગઈકાલથી જ લોકો જીવન જરૂરીયાતની વસ્તુ ખરીદવા માટે ઉતાવળા બની ગયાં હતા.ગઈકાલે જ કેટલીક સુપર માર્કેટ,અનાજની દુકાનમાં લોકોની ભીડ જોવા મળી હતી. લોકો બિસ્કીટ અને અન્ય નાસ્તા સાથે- સાથે તૈયાર લોટ, અનાજ અને કાંદા- બટાકા સહિતના શાકભાજીની ખરીદી કરતાં જોવા મળ્યા હતા.જે સીલસીલો આજે પણ યથાવત છે.
કોરોના વાઈરસના કારણે હાથ બરોબર ધોવા માટે સાબુ તથા સેનેટાઈઝરનો ઉપયોગ કરવા માટે સરકાર દ્વારા સુચના આપવામાં આવે છે. જેના કારણે લોકોએ સેનેટાઈઝર ખરીદવા માટે તુટી પડયા હોય તેવો માહોલ છે. મોટા સ્ટોર્સમાં સેનેટાઈઝર આઉટ ઓફ સ્ટોક હોવાનું કહેવામાં આવે છે. ભાગ્યે જ કોઈ જગ્યાએ સેનેટાઈઝર ન હોવાથી બ્લેક માર્કેટીંગ થાય તેવી ભીતી થઈ રહી છે.કોરોના વાઈરસ માટે હાલ જાગૃત્તિ જરૂરી છે, પરંતુ કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યાં હોય જીવન જરૂરીયાતની વસ્તુ ખરીદવા માટે લોકો દોડી રહ્યાં છે.