કેન્દ્રીય પ્રધાનમંડળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત હાલ 22 કૅબિનેટ પ્રધાનો છે. 4 નવેમ્બરે અર્ણવ ગોસ્વામીની ધરપકડ બાદ નરેન્દ્ર મોદી,માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી,રસાયણ તથા ખાતર પ્રધાન સદાનંદ ગૌડા,સામાજિક ન્યાય પ્રધાન થાવરચંદ ગહલોત ઉપરાંત દરેક કૅબિનેટ પ્રધાને તે ધરપકડ વિરુદ્ધ ટ્વીટ કે રિટ્વીટ કરી હતી.અર્ણવને સમર્થન આપવાની સાથે કૉંગ્રેસ તથા શિવસેનાને નિશાન બનાવવામાં આવ્યા હોય એવી ઘણી ટ્વીટ્સ પણ જોવા મળી છે.કોઈ પત્રકારની ધરપકડ બાબતે કેન્દ્રીય પ્રધાનોની ફોજે આટલા મોટા પાયે એકતા દર્શાવી હોય એવું ઉદાહરણ ગત 6 વર્ષમાં જોવા મળ્યું નથી.
અર્ણવની ધરપકડના વિરોધમાં બીજેપીશાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને પક્ષના પદાધિકારીઓ પણ અવાજ ઉઠાવ્યો હતો.તેમાં ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી તથા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષનો પણ સમાવેશ થાય છે.પક્ષનું ટોચનું નેતૃત્વ અર્ણવની સાથે હોય તો કાર્યકર્તાઓ પાછળ શા માટે રહે? અર્ણવ ગોસ્વામીની ધરપકડના વિરોધમાં કાર્યકરો પણ અનેક ઠેકાણે રસ્તા પર ઊતર્યા હતા.બીજી તરફ આ સમગ્ર ઘટનામાં શિવસેના,મહારાષ્ટ્ર પોલીસને પડખે ઉભેલી દેખાઈ રહી છે.એવું શા માટે ન હોય? આખરે મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી પણ શિવસેનાના જ છે.
જોકે,અર્ણવની ધરપકડને સમર્થન સંબંધે ત્રણ લોકોનું મૌન પણ શંકાના વર્તુળમાં છે.કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી,કૉંગ્રેસી નેતા રાહુલ ગાંધી કે એનસીપીના નેતા શરદ પવારે આ બાબતે કોઈ નિવેદન આપ્યું નથી.કેન્દ્રીય નેતાઓની ટ્વીટ બાબતે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે આ ત્રણેયનું મૌન પણ અનેક સવાલો પેદા કરે છે.તેનું કારણ એ છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના,એનસીપી,કૉંગ્રેસ અને બીજેપી આ ચારેય પક્ષોની ઇમેજ દાવ પર લાગેલી છે.
શિવસેના અને એનપીસીએ કૉંગ્રેસનો ટેકો લઈને સરકારની રચના કરી છે. ઉદ્ધવ ઠાકરે ભલે મુખ્ય મંત્રી હોય,પણ મહારાષ્ટ્રના રાજકારણના જાણકારો હંમેશાં કહે છે કે સરકારનું રિમોટ કન્ટ્રોલ શરદ પવારના હાથમાં છે. તેથી તેમના નિવેદનની બધા રાહ જોઈ રહ્યા છે.બીજી બાજુ મહારાષ્ટ્ર સરકાર તથા અર્ણવ ગોસ્વામી વચ્ચે વિવાદ જે ટીવી ડિબેટથી શરૂ થયો હતો,તેમાં અર્ણવ પર એવો આરોપ છે કે તેમણે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી માટે અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો.તેથી લોકો સોનિયા તથા રાહુલ ગાંધીના નિવેદનની પણ રાહ જોઈ રહ્યા છે.
આ ત્રણેય ઉપરાંત મહારાષ્ટ્રમાં બીજેપી પણ એક મહત્વનો પક્ષ છે.બીજેપીના નેતા તથા ભૂતપૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે 2019માં બીજી વાર મુખ્ય મંત્રી બનવાનું સપનું આંખમાં આંજ્યું હતું, પણ શિવસેનાએ તે સપનું તોડી પાડ્યું હતું.તેમ છતાં જોડ-તોડ કરીને ફડણવીસે સોગંદ લઈ લીધા હતા, પણ વાત આગળ વધી ન હતી. તેના જખમ આજ સુધી રૂઝાયા નથી.અર્ણવની કહાણી હોય કે કંગના રનૌતની વાત,જેમાં શિવસેના સંકળાયેલી હોય એ દરેક મામલામાં બીજેપી કૂદી પડે છે તેનું કારણ એ જખમ છે.તેથી એવો સવાલ થવો વાજબી છે કે એક પત્રકારની ધરપકડ બાબતે શિવસેના અને બીજેપી એકમેકની સામે શા માટે છે? તેમાં એનસીપી કે કૉંગ્રેસની કોઈ ચાલ છે? આ સમગ્ર પ્રકરણમાં અર્ણવ ગોસ્વામીનો ઉપયોગ થઈ રહ્યો છે કે તેઓ ખુદ એક પક્ષકાર બની ગયા છે?
બીજેપી કરી રહી છે અર્ણવનો ઉપયોગ?
મહારાષ્ટ્રનાં વરિષ્ઠ પત્રકાર સુજાતા આનંદન કહે છે કે “સમગ્ર પ્રકરણમાં રાજકારણ રમાઈ રહ્યું છે તે જગજાહેર છે.બીજેપી અર્ણવનો ઉપયોગ કરી રહી છે.અર્ણવનું પત્રકારત્વ જોઈને કોઈ પણ સમજી શકે કે અર્ણવ બીજેપીને અનુકૂળ પત્રકારત્વ કરે છે.તેમનું પત્રકારત્વ પ્રોપેગંડા જર્નલિઝમ છે.બીજેપી તેમને ટેકો આપે છે ત્યારે આ વાત વધુ સ્પષ્ટ થઈ જાય છે.”
સુજાતા કહે છે કે “તેનું કારણ એ છે કે અત્યાર સુધી બીજેપીના ટાર્ગેટ પર શિવસેના હતી. તેથી અર્ણવ ગોસ્વામીએ તેમના પત્રકારત્વમાં શિવસેનાને ટાર્ગેટ કરી છે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે માટે અભદ્ર ભાષાનો ઉપયોગ હોય કે તેમના દીકરા આદિત્ય ઠાકરે માટે કે મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહ માટે.તમે દિવસ-રાત કોઈને ટાર્ગેટ કરશો તો એક દિવસ તમે એ લોકોનું નિશાન બનશો એ દેખીતું છે. મુદ્દો તકનો હોય છે.”
સુજાતા ઉમેરે છે કે “2018ના અન્વય નાઇકના કેસની તપાસ ફરી શરૂ કરવાનો મામલો એવી તક જ હતી.અર્ણવે સુશાંતસિંહ રાજપુતના કેસમાં પુરાવા વિના રિયા ચક્રવર્તીને ગુનેગાર જાહેર કરી દીધી છે. હવે અર્ણવની વિરુદ્ધ તો આખી સ્યુસાઇડ નોટ છે,પરિવારજનોનું નિવેદન છે.રિયાના મામલામાં જે સાચું છે તે અર્ણવ ગોસ્વામીના મામલામાં પણ સાચું હોવું જોઈએ.બન્ને કેસ મોતના છે.બન્ને કેસમાં માપદંડ અલગ-અલગ હોઈ શકે નહીં.”
હકીકત એ પણ છે કે અન્વય નાઇકના કેસની તપાસ ફરી શરૂ કરવાની અરજી મહારાષ્ટ્ર સરકારે કોર્ટમાં કરી હતી,પણ એ તપાસ શરૂ કરવા માટે પોલીસને કોર્ટ તરફથી પરવાનગી મળી ન હતી.એ પણ હકીકત છે કે 2018માં મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપીની સંયુક્ત સરકાર હતી ત્યારે અન્વય નાઇકના મોતની ઘટના બહાર આવી હતી.એ સમયે પોલીસે કેસ બંધ કરી દીધો ત્યારે શિવસેનાએ તે મામલો કેમ ઉઠાવ્યો ન હતો?
આ સવાલના જવાબમાં સુજાતા કહે છે કે “બીજેપી સાથેની સંયુક્ત સરકારમાં શિવસેના પાસે કેટલી સત્તા હતી એ અજાણ્યું નથી.શિવસેનાના હાથમાં રાજ્યની પોલીસ કે ગૃહ મંત્રાલય કે મહેસુલ વિભાગની સત્તા ન હતી.બીજેપી તેના સાથી પક્ષોની કેવી હાલત કરે છે તે ઉદ્ધવ ચૂંટણી પહેલાં જ સમજી ગયા હતા. આ જ કારણસર તેમણે બીજેપી સાથેનો સંબંધ તોડીને એનસીપી તથા કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા.”
સુજાતા સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે આ બીજેપી તથા શિવસેના વચ્ચેની રાજકીય લડાઈ છે. તેમાં વચ્ચે અર્ણવ ગોસ્વામી છે, જેઓ બીજેપીના હાથમાં રમી રહ્યા છે.
આ મામલામાં કૉંગ્રેસની કોઈ ભૂમિકા હોય તેવું સુજાતાને લાગતું નથી. તેઓ માને છે કે મહારાષ્ટ્ર સરકારમાં અશોક ચવ્હાણને બાદ કરતાં કોઈ મોટો કૉંગ્રેસી નેતા કૅબિનેટમાં નથી.જોકે,આ મામલામાં એનસીપીની ભૂમિકા હોવાનું સુજાતા જરૂર માને છે.તેમનું કહેવું છે કે એનસીપીના મોટા નેતાઓ સરકારમાં સામેલ છે. અર્ણવની ધરપકડના સમર્થનમાં રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે સૌથી પહેલાં નિવેદન કર્યું હતું એ પણ હકીકત છે.
સમગ્ર પ્રકરણમાં કૉંગ્રેસની ભૂમિકા
વરિષ્ઠ પત્રકાર રામબહાદુર રાય માને છે કે ઉદ્ધવ ઠાકરે કોઈના ઇશારે કામ કરી રહ્યા છે.તેમણે કૉંગ્રેસનું નામ લીધું ન હતું, પણ ઇશારો કર્યો હતો,તેમણે કહ્યું હતું કે “ભારતીય રાજકારણમાં અપરાધીકરણના બીજનું વાવેતર સૌથી પહેલાં કૉંગ્રેસે કર્યું હતું.ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકોને પહેલા કાઉન્સિલર બનાવ્યા હતા, વિધાનસભામાં પહોંચાડ્યા હતા, મુખ્ય મંત્રી બનાવ્યા હતા અને છેક સંસદ સુધી પહોંચાડ્યા હતા.આ બધું કટોકટીને આભારી છે.આવું જ ચાલતું રહેશે તો ખબર નહીં કે મહારાષ્ટ્રનું રાજકારણ કઈ તરફ જશે.”
તેઓ કહે છે કે “ઉદ્ધવ ઠાકરે જે કરી રહ્યા છે એ રાજકીય બદલાની ભાવનાથી નહીં, પણ અંગત બદલાની ભાવના સાથે કરી રહ્યા છે.એ અંગત બદલાની ભાવનાનો ઉપયોગ બીજા રાજકીય પક્ષો કરી રહ્યા છે.એ પક્ષો તેમને કઠપૂતળીની માફક નચાવી રહ્યા છે. એ પક્ષો કોણ છે તે બધા જાણે છે.”
રામબહાદુર રાય માને છે કે આ સમગ્ર મામલાનું મૂળ સુશાતસિંહ રાજપુતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોત બાબતે રિપબ્લિક ટીવી પરના કાર્યક્રમોમાં છે. દિશા સાલિયાને સુશાંતસિંહ રાજપુતના મોતના થોડા દિવસ પહેલાં 2020ની 8 જૂને આત્મહત્યા કરી હતી.
રામબહાદુર રાય કહે છે કે “આ પ્રકરણ વિશેના એક કાર્યક્રમમાં અર્ણવ ગોસ્વામીએ આદિત્ય ઠાકરેને નિશાન બનાવ્યા હતા. અર્ણવે તેમના માટે ‘બેબી પૅંગ્વિન’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ તે વાત બરાબર યાદ રાખી છે.”
તાજેતરમાં દશેરા નિમિત્તે યોજાયેલી રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમને અને આદિત્ય ઠાકરેને પુરાવા વિના નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
શિવસેના-બીજેપીઃ કભી દૂર, કભી પાસ
રામબહાદુર રાયનો સમાવેશ બીજેપીની નજીક હોય તેવા પત્રકારોમાં થાય છે. તેમણે શિવસેના અને બીજેપીની યુતિથી માંડીને 2019માં બન્ને પક્ષ અલગ થયા ત્યાં સુધીની ઘટનાઓને નજીકથી નિહાળી છે.
બન્ને પક્ષોની યુતિ કઈ રીતે બની તેનું કારણ જણાવતો 80ના દાયકાનો એક કિસ્સો યાદ કરતાં રામબહાદુર રાય કહે છે કે “1989માં શિવસેના તથા બીજેપીની યુતિ પહેલી વાર થઈ ત્યારે મહારાષ્ટ્રના અનેક પત્રકારોએ મને કહ્યું હતું કે આ યોગ્ય નથી.હવે શિવસેનાની કાળી ઇમેજનો પડછાયો બીજેપી પર પડશે. પ્રમોદ મહાજન મારા મિત્ર હતા. હું તેમને મળવા ગયો અને તેમને જણાવ્યું હતું કે આ યુતિ બહુ ખરાબ છે. તેનાથી બીજેપીની શાખ ખરડાશે.પ્રમોદ મહાજને યુતિ કરવાનો તર્ક મને આપ્યો હતો.તર્ક અયોધ્યા આંદોલનમાં શિવસેનાએ બીજેપીને આપેલા મજબૂત ટેકાનો હતો.”
તેમણે ઉમેર્યું હતું કે “શિવસેનાના કાર્યકરો પહેલાં જે કામ કરતા હતા એ કામ આજે મહારાષ્ટ્રની પોલીસ પાસે સરકાર કરાવી રહી છે.”
2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વખતે શિવસેના તથા બીજેપીની યુતિ ભાંગી પડી હતી.
યુતિનું તૂટવું અને બીજેપીનું સત્તા પર ન આવવું એ બન્ને મહારાષ્ટ્રના રાજકારણમાં એવી મહત્ત્વની ઘટના છે કે એક વર્ષ પછી પણ બીજેપી તેને ભૂલી શકી નથી અને હવે એ જખમ પાકીને પીડાદાયક બની ગયો છે. તેથી આ પ્રકરણમાં બન્ને પક્ષો એકમેકની સામે છે.