ભૂજ તા.24 : ભારતીય નૌકા દળના જવાનોને સોશિયલ મીડિયા મારફતે હની ટ્રેપમાં ફસાવી,દેશની સુરક્ષા અંગેની જાસૂસી કરવા મજબૂર બનાવવાના નાપાક પાકિસ્તાનના ષડયંત્રની ઝીણવટભરી તપાસ અંતર્ગત નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની એક ટીમ સરહદી કચ્છમાં તપાસ કરી રહી છે.
આંધ્રપ્રદેશ પોલીસ, નેવલ ઈન્ટેલિજન્સ અને સેન્ટ્રલ આઇબીની સંયુક્ત ટીમે હની ટ્રેપ મારફતે જાસૂસીકાંડનો ગત 20મી ડિસેમ્બર 2019નાં રોજ પર્દાફાશ કર્યો હતો.
જેમાં વિશાખાપટ્ટનમ્ ખાતે આવેલા ઈસ્ટર્ન નેવલ કમાન્ડ અને મુંબઈ સ્થિત વેસ્ટર્ન નેવલ કમાન્ડના ત્રણ-ત્રણ સેઈલર (ખલાસી) અને કર્ણાટકના કરવાર નેવલ બેઝના એક કર્મચારી મળી 7 જૂનિયર રેન્કના કર્મચારીની ઓફિસિયલ સિક્રેટ એક્ટ અંતર્ગત ધરપકડ કરાઈ હતી.તપાસમાં વધુ ચાર નેવી કર્મચારીની સંડોવણી ખુલવા સાથે મુંબઈના હવાલા ઓપરેટર સૈયદ ઊર્ફે માસૂમ અલી અને 47 વર્ષની મહિલા શાહિસ્તા શેખની સંડોવણી ખૂલતાં ધરપકડનો આંકડો 13 પર પહોંચ્યો હતો.ષડયંત્રની ગંભીરતાને અનુલક્ષીને તેની તપાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને સુપ્રત કરાઈ હતી.
નેવલ ઈન્ટેલિજન્સને ફેસબૂક મારફતે ઈંડિયન નેવીના જવાનો એક પાકિસ્તાની મહિલાની હનીટ્રેપમાં ફસાયાં હોવાની અને તેમને બ્લેકમેઈલ કરાતાં હોવાની માહિતી મળી હતી.તપાસમાં અન્ય એજન્સીઓ જોડાયાં બાદ સ્પષ્ટ થયું હતું કે ફેસબૂક મારફતે આ મહિલાએ ત્રણેય નેવલ બેઝનાં અધિકારીઓને ટાર્ગેટ બનાવી મિત્રતા કરી હતી.અશ્લિલ ચેટ અને વિડિયો ક્લિપ મારફતે તેમને મોહાંધ બનાવી લેવાયાં બાદ,બ્લેકમેઈલ કરીને તેમજ નાણાં આપીને દેશની સુરક્ષા અંગેની મહત્વની માહિતીઓ મેળવવામાં આવી હતી.
ટ્રેપ થયેલાં તમામ સેઈલર્સ તરવરીયા નવયુવાનો હતા અને 2015 પછી નૌસેનામાં સામેલ થયેલાં જૂનિયર રેન્કના કર્મચારી હતા.યુવાનોને મોહપાશમાં ફસાવનારી મહિલાએ કેટલાંક જવાનોની કહેવાતા બીઝનેસમેન સાથે મુલાકાત કરાવી હતી.સઘન તપાસમાં સ્પષ્ટ થયું હતું કે કહેવાતો બીઝનેસમેન એ મુંબઈનો હવાલા ઓપરેટર સૈયદ ઊર્ફે માસૂમ અલી હતો અને તેની મારફતે કેટલાંકના બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા થયાં હતા.જે નાણાં જમા થયા હતા તે રકમ માંડ પાંચ કે દસ હજાર જેટલી નજીવી હતી.
નાણાં અને બ્લેકમેઈલીંગના બદલામાં નેવી સૈનિકોએ નેવીના યુધ્ધજહાજોની પોઝીશન,સબમરિનની પોઝીશન,નેવીના ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓના નામ, ઓપરેટીંગ રૂટ્સ વગેરેની માહિતી આપી હતી. અતિ ગંભીર બાબત એ છે કે નેવીનું એકમાત્ર એરક્રાફ્ટ કેરિયર યુધ્ધજહાજ વિક્રમાદિત્ય જ્યાં તૈનાત છે તે નેવલ બેઝનો એક સેઈલર પણ મોહપાશમાં ફસાઈ ચૂક્યો હતો.અલબત્ત,નેવીએ ત્યારે બહુ સંવેદનશીલ માહિતી લીક ના થઈ હોવાનો ખુલાસો કર્યો હતો.
આંધ્ર પોલીસ દ્વારા આરોપીઓના બેન્ક ખાતાઓના ટ્રાન્ઝેક્શનની સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં એક ટ્રાન્ઝેક્શનમાં દર્શાવાયેલો બેન્ક એકાઉન્ટ નંબર કચ્છના અબડાસાના એક શખ્સનો હોવાનું બહાર આવ્યું હતું.આ ખાતામાંથી માત્ર એક રૂપિયો ‘ટોકન મની’ તરીકે ટ્રાન્સફર થયો હતો.છ મહિના અગાઉ આંધ્ર પોલીસે ગુપચૂપ રીતે કચ્છ આવી જેનો બેન્ક ખાતા નંબર હતો તે શખ્સની પૂછતાછ કરતાં નજીકના ગામના લોહારબંધુઓના નામ બહાર આવ્યા હતા.
લોહારબંધુઓ પૈકીનો એક ગુપ્તચર એજન્સીના એજન્ટ તરીકે કામ કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.જે-તે સમયે આંધ્ર પોલીસ ત્રણેયના નિવેદન લઈ પરત જતી રહી હતી. લોહાર નામનો શખ્સ તેના ગામ અને સમાજના ગ્રામરક્ષક દળના એક જવાન સાથે ખુબ લાંબી વાતચીત કરતો હોઈ તેની પણ પૂછપરછ કરી છે.તો, ગ્રામરક્ષક દળના જવાન જોડે ટેલિફોનિક સંપર્કમાં રહેતાં નખત્રાણા પોલીસ મથકના એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરને પણ એનઆઈએએ પૂછતાછ કરી છે.
જો કે,પશ્ચિમ કચ્છના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે કે બંનેની પૂછતાછમાં કોઈ ગુનાહિત સંડોવણી સ્પષ્ટ થઈ નથી.અગાઉ આંધ્ર પોલીસ નિવેદનો લઈ પરત જતી રહી હતી. ત્યારે આ જ કેસમાં એનઆઈએને કોઈ મજબૂત કડી મળે છે કે કેમ તેના પર સુરક્ષા એજન્સીઓની મીટ મંડાઈ છે.