ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાલ ઠંડા પડી ગયા છે.કહેવત છે કે રાજનીતિમાં જે બોલીએ તે પાળવું અઘરૂં છે,કારણ કે એક નહીં અનેક નેતાઓના મન અને વિચારો અલગ અલગ હોય છે.કોરોના પોઝિટીવ આવ્યા પછી સારવાર પૂર્ણ કરીને સીઆર પાટીલ ઘરે આવી ગયા છે.હવે ફરીથી તેમણે રાજકીય પ્રવૃત્તિઓ એક્ટિવ કરી છે પરંતુ આક્રમકતા ગુમવી છે.
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયા પછી સતત દોઢ મહિના સુધી તેઓએ અનેક મોટી જાહેરાતો કરી હતી.કોંગ્રેસના લોકોને ભાજપમાં લેવાના નથી. ભાજપ તેના સંગઠનના જોરે ચૂંટણીઓ જીતશે. કોઇએ ટિકીટ માટે ભલામણ કરવી નહીં. કોઇ નેતાની સામે ફરિયાદ હોય તો મને ખાનગીમાં કહેજો,હું નિરાકરણ લાવીશ.સરકારના મંત્રીઓએ સપ્તાહમાં બે દિવસ કમલમમાં આવવું પડશે અને મંત્રીઓએ સપ્તાહમાં બે દિવસ મતવિસ્તારમાં જઇને લોકોના પ્રશ્નો ઉકેલવા પડશે.
સીઆર પાટીલ પાર્ટીના સંગઠન અને સરકારની કામ કરવાની પદ્ધતિમાં બદલાવ ઇચ્છતા હતા પરંતુ કોરોના થયા પછી તેમણે તેમના જિલ્લા પ્રવાસો બંધ કરી દીધા છે.પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી તેમણે જે નિર્ણયો લીધા છે તેનાથી પાર્ટીના બે ભાગ પડી ગયા છે.એક જૂથ સીઆર પાટીલને સમર્થન કરે છે તો બીજું જૂથ તેમનું વિરોધી છે.કેટલા સિનિયર નેતાઓએ દિલ્હી હાઇકમાન્ડ સુધી રજૂઆત કરી છે કે ગુજરાતના સંગઠનમાં બઘું બરાબર થતું નથી.
કહેવાય છે કે સીઆર પાટીલ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનિતા છે.મોદી એ જ તેમને ગુજરાતમાં મોકલ્યા છે પરંતુ સવાલ એ છે કે સીઆર પાટીલ જે નિર્ણયો લઇ રહ્યાં છે તે તેમના ખુદના છે કે હાઇકમાન્ડ તેમને એવું કહેવા પ્રેરે છે.સીઆર પાટીલને જો સ્વતંત્ર ચાર્જ આપી દીધો હશે તો તેઓ તેમના નિર્ણયોમાં અડગ રહીને સફળ થશે પરંતુ હાઇકમાન્ડ તરફથી તેમના નિર્ણયોમાં સેન્સરશીપ આવી જશે તો તેઓ પાર્ટીમાં કોઇ બદલાવ કરી શકશે નહીં.
સીઆર પાટીલના નિર્ણયોની પાર્ટીના કાર્યકરોએ ખૂબ સરાહના કરી છે.ખાસ કરીને કોંગ્રેસમાંથી નેતાઓને ભાજપમાં ખેંચી લાવવાનો જ્યારે સીઆર પાટીલે વિરોધ કર્યો ત્યારે પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો પાર ન હતો.હવે જ્યારે વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ઉમેદવાર પસંદગીમાં કોંગ્રેસના આઠ પૈકી કેટલા પૂર્વ ધારાસભ્યોને ટિકીટ મળે છે તેના પર બઘો મદાર છે.એટલા માટે કે સીઆર પાટીલના નિવેદન પછી પાર્ટીના સંગઠનમાં કેવો બદલાવ આવ્યો છે તે આ ઉમેદવાદ પસંદગી પ્રક્રિયા પરથી ખબર પડે તેમ છે.
સીઆર પાટીલે એવું કહ્યું હતું કે મારી પાર્ટીએ કોંગ્રેસમાંથી આવેલા જે ચાર નેતાઓને ટિકીટ આપવાનું વચન આપ્યું છે તેમાં હું કંઇ કરી શકીશ નહીં પરંતુ બાકીની ચાર બેઠકોમાં ભાજપના જ ઉમેદવારો આવશે તે નિશ્ચિત છે.પેટાચૂંટણી પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસના મજબૂત ઉમેદવારો ખેંચવાનો આદેશ હાઇકમાન્ડ કરશે ત્યારે સીઆર પાટીલ શું કરશે તે સમજવાનો વિષય છે.સીઆર પાટીલનું સ્વતંત્રરીતે ચાલશે તો તેઓ એકપણ કોંગ્રેસના સભ્યને ભાજપમાં લાવીને ટિકીટ આપશે નહીં અને જો હાઇકમાન્ડનો આદેશ હશે તો સીઆર પાટીલના નિર્ણય અને નિવેદનનો કોઇ અર્થ રહેશે નહીં.
સચિવાલયના સૂત્રો કહે છે કે સીઆર પાટીલના ધડાધડ નિર્ણયોથી બ્યુરોક્રેસી અને સચિવાલયના કર્મચારીઓમાં સોંપો પડી ગયો હતો.સચિવાલયમાં પહેલાં નરેન્દ્ર મોદીના નામથી ડર હતો.તેમના પછી અમિત શાહના નામથી ડર હતો અને હવે સીઆર પાટીલના નામથી ડર પેદા થયો હતો પરંતુ આ ડર હવે ઓસરી રહ્યો છે, કારણ કે સીઆર પાટીલ અત્યારે મૌન છે.સંગઠન કે સરકાર અંગે છેલ્લા 10 દિવસથી તેઓએ કોઇ નિવેદન આપ્યું નથી. તેમની નજીકના સૂત્રો કહે છે કે સીઆર પાટીલ અત્યારે પ્રદેશ સંગઠનની ટીમ તૈયાર કરી રહ્યાં છે.તેમની ટીમ ગુજરાતમાં જે નિયુક્તિ થશે તેના પરથી સીઆર પાટીલના વ્યક્તિત્વનો ખ્યાલ આવશે.જો સીઆર પાટીલ ઇચ્છે છે તેવા નેતાઓ ટીમ ગુજરાતમાં આવશે તો પાર્ટી પર તેમનું પ્રભુત્વ રહશે અન્યથા પાર્ટીના હાઇકમાન્ડે તેમને હજી રૂકજાવનો આદેશ આપ્યો છે તેવું માનવું પડશે.