નવી દિલ્હી : યુક્રેન ઉપર રશિયાએ કરેલાં આક્રમણનો વિરોધ કરવા માટે યુરોપીય દેશો દ્વારા નિયમ આધારિત આંતર-રાષ્ટ્રીય વ્યવસ્થાની યાદ આપવા સાથે ભારત ઉપર કરાઈ રહેલાં ભારે દબાણનો સણસણતો જવાબ આપતાં રાયસીના ડાયલોગમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે અફઘાનિસ્તાનને ઘટનાઓની યાદ આપી હતી, અને ત્યાંથી પશ્ચિમી સત્તાઓની અંધાધૂંધી ભરી પીછેહઠનો પણ ઉલ્લેખ કર્યો હતો.સાથે પૂછ્યું હતું કે તેવે સમયે નિયમ આધારીત આંતર રાષ્ટ્રીય વ્યવસ્થા સામે પડકાર ઊભો થયો હતો ત્યારે (તમે) બધા મૌન કેમ હતા ?આ સાથે રશિયા યુક્રેન યુદ્ધ અંગે તેઓએ કહ્યું હતું કે ભારત હંમેશા કહેતું આવ્યું છે કે કોઈ પણ વિવાદનો ઉકેલ ચર્ચા અને મંત્રણા દ્વારા જ લાવવો જોઇએ સાથે તેમ પણ કહ્યું હતું કે, દરેક દેશનાં સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને માન આપવું જ જોઇએ.ઉલ્લેખનીય છે કે રાયસીના ડાયલોગ તે ભારતનાં વિદેશ મંત્રાલય દ્વારા યોજાતી ભૂ-રાજકીય પરિષદ પૈકી મુખ્ય પરિષદ છે.
આ પરિષદમાં નોર્વેના વિદેશ મંત્રી અન્નીકેન ‘હ્યુટ ફેલ્ડ’ અને લક્ઝેમ્બર્ગના વિદેશ મંત્રી એસલ બોર્ન પણ ઉપસ્થિત હતા.હ્યુટફેલ્ડે કહ્યું હતું કે રશિયાનું આક્રમણ તે એકાધિકારવાદી સત્તા દ્વારા લોકશાહી ઉપર કરાતાં આક્રમણ સમાન છે.જ્યારે એસવબોર્ને જય શંકરને પૂછ્યું હતું કે રશિયાના વિદેશમંત્રી સર્ગી લવરોવે તેમની નવી દિલ્હીના તાજેતરની મુલાકાતમાં, તેમના દેશે યુક્રેન ઉપર કરેલાં આક્રમણને ન્યાયમુક્ત ઠરાવવા પ્રયત્નો કર્યા હતા કે નહીં ? આ બંનેના પ્રશ્નોના ઉત્તરમાં એસ.જયશંકરે ઉક્ત સ્પષ્ટતા કરવા સાથે પશ્ચિમના દેશોને સણસણતા જવાબો આપ્યા હતા.
આમ છતાં તેઓએ તે સ્વીકાર્યું હતું કે યુક્રેન યુદ્ધ સિદ્ધાંતો અને મૂલ્યો, તેમજ વ્યવહારૂ પરિસ્થિતિને લીધે પણ અત્યારે મહત્ત્વનો મુદ્દો બની રહ્યું છે.કારણ કે તેથી ઇંધણના ભાવ વધી રહ્યા છે.ખાદ્યાન્નને પણ ફુગાવો ઘેરી વળ્યો છે, તેમ જ એશિયા અને આફ્રિકામાં ઘણી ઘણી બાબતો અસ્ત-વ્યસ્ત થઇ ગઈ છે.વાસ્તવમાં કોઈ પણ ઇચ્છતું નથી કે આ યુદ્ધ ચાલુ રહે કારણ કે તેમાં કોઈ વિજયી તો હશે જ નહીં.આથી જ અમે પહેલેથી જ કહ્યું છે કે આપણે તે અંગે રાજદ્વારી પદ્ધતિ અને મંત્રણાના માર્ગ ઉપર જ પાછા વળવું જોઇએ પરંતુ તે માટે સૌથી પહેલાં તો યુદ્ધ બંધ થવું જ જોઇએ.