– વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ કૉમ્પ્લેક્સમાંથી શિવલિંગ મળ્યું હોવાનો દાવો થતાં હર હર મહાદેવના નારા લાગ્યા : વિડિયોગ્રાફી સર્વેની ત્રણ દિવસની કામગીરી પૂરી થઈ ગઈ
હિન્દુ અરજીકર્તાઓ દ્વારા શિવલિંગ મળ્યું હોવાના દાવા વચ્ચે જ્ઞાનવાપી મસ્જિદ કૉમ્પ્લેક્સમાં આવેલા તળાવને સીલ કરવાનો અદાલતે ગઈ કાલે આદેશ આપ્યો હતો.ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ કૉમ્પ્લેક્સના વિડિયોગ્રાફી સર્વેની ત્રણ દિવસની કામગીરી પૂરી થઈ ગઈ છે.કોર્ટમાં આ કેસની આગામી સુનાવણીના એક દિવસ પહેલાં જ આ કામગીરી પૂરી થઈ છે.કૉમ્પ્લેક્સ પાસે નિયંત્રણો અને ચૂસ્ત સુરક્ષાવ્યવસ્થા વચ્ચે ગઈ કાલે સવારે સર્વેના છેલ્લા દિવસે કામગીરી પાર પાડવામાં આવી હતી.
વારાણસી ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતું કે ‘બે કલાક કરતાં વધારે સમય સુધી કામ કર્યા બાદ કોર્ટ કમિશને ગઈ કાલે સવારે સવાદસ વાગ્યાની આસપાસ એની કામગીરી પૂરી કરી હતી.તમામ પક્ષકારો આ કામગીરીથી સંતુષ્ટ છે.’
આ સર્વેની કામગીરી પૂરી થયા બાદ આ કેસમાં અરજી કરનારી હિન્દુ મહિલાઓના વકીલ સુભાષ નંદન ચતુર્વેદીના દાવાથી ખળભળાટ મચી ગયો હતો.તેમણે દાવો કર્યો હતો કે આ મસ્જિદ કૉમ્પ્લેક્સની અંદર તળાવમાં શિવલિંગ મળી આવ્યું છે.આ તળાવનો શુદ્ધીકરણની વિધિ માટે ઉપયોગ કરવામાં આવતો હતો.આ તળાવમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યું અને શિવલિંગ મળ્યું હતું.
હિન્દુ પક્ષ તરફથી સોહનલાલે જણાવ્યું હતું કે મસ્જિદમાં બાબા મળી ગયા છે.એ જ બાબા કે જેમની નંદી પ્રતીક્ષા કરી રહ્યા હતા.સોહનલાલે મસ્જિદ પરિસરમાં શિવલિંગ મળ્યું હોવાનું જણાવ્યું કે તરત જ ત્યાં હર હર મહાદેવના નારા લાગ્યા હતા.હિન્દુ પક્ષકાર તરફથી મોહન યાદવે જણાવ્યું હતું કે જ્ઞાનવાપીમાં વજૂ ખાને કે તળાવમાં ૧૨ ફુટ ૮ ઇંચ વ્યાસનું શિવલિંગ મળ્યું છે.આ શિવલિંગનું મુખ નંદી તરફ છે.
જોકે વારાણસી ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે આ કમિશનના કોઈ પણ સભ્ય દ્વારા જ્ઞાનવાપી મસ્જિદના સર્વેની કોઈ વિગત આપવામાં આવી નથી.એક સભ્યને થોડીક મિનિટ માટે કમિશનમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.જોકે બાદમાં તેમનો ફરી કમિશનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.’
સરકારી વકીલ મહેન્દ્ર પ્રસાદ પાંડેએ જણાવ્યું હતું કે ‘સર્વે કમિશને એની કામગીરી ગઈ કાલે પૂરી કરી હતી.તમામ સ્થળોની વિસ્તારથી વિડિયોગ્રાફી કરવામાં આવી હતી.ત્રણ ગુંબજ અને અન્ડરગ્રાઉન્ડ બેઝમેન્ટ સહિત તમામ જગ્યાનું વિડિયો રેકૉર્ડિંગ કરવામાં આવ્યું હતું.ઍડ્વોકેટ કમિશનર આજે અદાલતમાં તેમનો રિપોર્ટ રજૂ કરશે.’
આ મસ્જિદ સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરની બિલકુલ બાજુમાં છે.એની બાહ્ય દીવાલો પર મૂર્તિઓ સમક્ષ રોજ જ પ્રાર્થના કરવા માટે મંજૂરી માગતી મહિલાઓના એક ગ્રુપની અરજી પર સ્થાનિક કોર્ટ સુનાવણી કરી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચુડના વડપણ હેઠળની બેન્ચ આજે અલાહાબાદ હાઈ કોર્ટની વિરુદ્ધ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરશે.નોંધપાત્ર છે કે અલાહાબાદ હાઈ કોર્ટે સ્થાનિક અદાલત દ્વારા નિમાયેલા કમિશનરને જ્ઞાનવાપી મસ્જિદની વિડિયોગ્રાફી અને સર્વે હાથ ધરવા તેમ જ નિરીક્ષણ કરવા માટે મંજૂરી આપી હતી,જેની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટી દ્વારા આ અરજી કરવામાં આવી છે.
અસદુદ્દીન ઓવૈસી
એઆઇએમઆઇએમના વડા જ્ઞાનવાપી મસ્જિદ હતી અને કયામત સુધી રહેશે.
કેશવ પ્રસાદ મૌર્ય
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન બુદ્ધ પૂર્ણિમાના અવસરે જ્ઞાનવાપીમાં બાબા મહાદેવ પ્રગટ્યા છે એનાથી દેશની સનાતન હિન્દુ પરંપરાને એક પૌરાણિક મેસેજ ગયો છે.
મોગલોએ ૬૦,૦૦૦થી વધુ મંદિરો તોડ્યાં હોવાનો દાવો
કાશી,મથુરા,દિલ્હી,આગ્રાથી લઈને મધ્ય પ્રદેશના ધાર સુધી મંદિર અને મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે.હિન્દુ પક્ષકારોનો દાવો છે કે મુસ્લિમ હુમલાખોરોએ હિન્દુઓના ૬૦,૦૦૦થી વધારે મંદિરો તોડ્યાં હતાં.અનેક મંદિરોને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.
મુસ્લિમ પક્ષ શું કહે છે?
મુસ્લિમ પક્ષ ઉપાસના સ્થળ (વિશેષ જોગવાઈ) કાયદા, ૧૯૯૧ હેઠળ આ મુદ્દે પોતાની વાત રજૂ કરી રહ્યા છે.આ જોગવાઈઓ હેઠળ ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ પહેલાંથી ઉપસ્થિત કોઈ પણ ધર્મના ઉપાસના સ્થળને બીજા ધર્મના ઉપાસના સ્થળમાં બદલી ન શકાય.
દુનિયાનું સૌથી વિશાળ મંદિર ક્યાં છે?
ભારતને મંદિરોનો દેશ કહેવાય છે,પરંતુ દુનિયાનું સૌથી વિશાળ મંદિર ભારતમાં નહીં પરંતુ કમ્બોડિયામાં છે.કમ્બોડિયાના અંગકોરવાટમાં ભગવાન વિષ્ણુનું મંદિર છે.આ મંદિર સેંકડો સ્ક્વેર માઇલ વિસ્તારમાં ફેલાયું છે.
દુનિયાની સૌથી વિશાળ મસ્જિદ ક્યાં છે?
દુનિયાની સૌથી વિશાળ મસ્જિદ પણ ભારતમાં નથી.સાઉદી અરેબિયા સ્થિત મસ્જિદ-અલ-હરમને દુનિયાની સૌથી વિશાળ મસ્જિદનો દરજ્જો મળ્યો છે.