ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આડે હવે ગણતરીના દિવસો હોવાનું મનાય છે.દિવાળી આસપાસ જાહેરાત થાય અને પછી ઉમેદવારોની યાદી જાહેર થાય એવી શક્યતા વચ્ચે તમામ બેઠકોના દાવેદારોએ પોતપોતાની ગતિવિધિ ક્યારની આરંભી દીધી છે.જોકે આ વખતે કેટલાંક દિગ્ગજો એવાં છે જે લાગલગાટ જીતતા હોવા છતાં તેમને આ વખતે ચૂંટણીની હારજીતથી ય પહેલાં તો ટીકિટ મળશે કે કેમ એનો અંદેશો છે.
સૌથી પહેલું નામ લેવું પડે દિગ્ગજ નેતા સૌરભ પટેલનું.બોટાદના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સૌરભ પટેલ (દલાલ) ગુજરાત ભાજપના અત્યંત મહત્વના અનુભવી નેતા મનાય છે.વિવિધ મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂકેલા સૌરભભાઈ ઉદ્યોગલોબી સાથેની ઘનિષ્ઠતાને લીધે હજુ હમણાં સુધી પડતાં મૂકાય એવી કલ્પના ય કોઈ કરી શકતું ન હતું પરંતુ પ્રધાનમંડળમાં નો રિપિટ થિયરી લાગુ કરીને તેમને ફરજિયાત આરામ અપાયો એ પછી હવે ટીકિટની ફાળવણીમાં પણ તેમનું પત્તુ કપાય એવી પૂરી શક્યતા છે.હાલમાં જ બોટાદ ખાતે સંગઠન અને પંચાયત ક્ષેત્રના અગ્રણીઓએ એક બેઠકમાં ઉઘાડેછોગ સૌરભ પટેલને આયાતી ઉમેદવાર ગણાવીને સ્થાનિકને ટીકિટ આપવાની માંગણી કરી છે.સમગ્ર જિલ્લામાં સૌરભ પટેલનો પડ્યો બોલ ઝિલાતો હોય એવાં વાતાવરણમાં અચાનક આવો વિરોધ થાય અને આટલાં વરસ પછી હવે તેમને આયાતી ઉમેદવાર ગણાવવામાં આવે એ સ્થિતિ સૌરભભાઈ માટે આંચકાજનક છે.જોકે પડદા પાછળનો દોરીસંચાર કોઈક મોટી જગ્યાએથી થતો હોવાનું તેઓ પણ જાણે છે એટલે પોતાનાં નામ વિરુદ્ધની બેઠક અંગે કોઈ પ્રતિક્રિયા આપવાનું તેમણે ટાળ્યું છે.બીજું નામ યોગેશ પટેલનું છે.વડોદરાની માંજલપુર બેઠક પરથી જીતેલાં સિનિયર નેતા યોગેશભાઈ સળંગ સાત વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે.નવા સીમાંકનમાં બેઠક બદલાયા પછી રાવપુરાને બદલે માંજલપુર બેઠક પરથી પણ તેઓ બે વખત રેકોર્ડ માર્જિનથી જીત્યા છે.મત વિસ્તારમાં તેમનો જનસંપર્ક અને લોકપ્રિયતા વ્યાપક છે અને હજુ ય એમની સ્વસ્થતા,સક્રિયતા કોઈ નકારી શકે તેમ નથી. એમ છતાં અહીં તેમનાં વિરુદ્ધ હવામાન ઊભું થઈ રહ્યું છે.સ્થાનિક સ્તરે યોગેશ પટેલને બદલે હવે યુવાન ચહેરાને તક આપવાની માંગણી થઈ રહી છે.અહીં એવું મનાય છે કે એક મોટા નેતાના સંતાનને થાળે પાડવાનો કારસો છે.એટલે દેખીતા કોઈ કારણ વગર કોઈ એક થિયરીના નામે યોગેશ પટેલનું પત્તુ કાપીને અહીં સ્કાયલેબ યાને પેરાશૂટ ઉમેદવાર ખાબકે એ નકારી શકાય નહિ.
ગોંડલ બેઠક પર તો ભારે ઉગ્રતાથી ખાંડા ખખડી રહ્યા છે.દબંગ નેતા જયરાજસિંહના પત્ની ગીતાબા આ બેઠક પરથી ધારાસભ્ય છે.જયરાજસિંહ ચૂંટણી લડવાની પાત્રતા ધરાવતા નથી અને ગીતાબાને બદલે તેઓ પોતાના પુત્રને ટીકિટ અપાવવા માટે પ્રયત્નશીલ છે.તેમની સામે રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા મેદાને પડ્યા છે.અહીં ગીતાબાની નિષ્ક્રિયતાના નામે જયરાજસિંહ સામે ક્યારનો વિરોધ શરૂ થઈ ચૂક્યો છે.કડવા પાટીદાર અગ્રણી અને માર્કેટિંગ યાર્ડ પર વર્ચસ્વ ધરાવતા જયંતિ ઢોલ સહિતની એક લોબી જયરાજસિંહનું વર્ચસ્વ કાપવા મેદાને પડી છે.
આ યાદીમાં સહકારી અગ્રણી અને રાજકોટ જિલ્લામાં ભારે પ્રભુત્વ ધરાવતા જયેશ રાદડિયાનું નામ પણ બોલાતું હતું,પરંતુ આજે વડાપ્રધાન મોદી તેમના મતવિસ્તાર જામકંડોરણામાં મહાસભા કરી રહ્યા હોવાથી રાદડિયા ફરી પાછા નિશ્ચિંત થયા હોવાનું કહેવાય છે.જોકે હજુ પણ રાદડિયા સામે આંતરિક સ્તરે છૂપો વિરોધ તો ચાલુ જ છે જેને સંગઠનના ઉચ્ચ હોદ્દેદારોના આશીર્વાદ હોવાનું કહેવાય છે.
કોળી સમાજના અગ્રણી હીરાલાલ સોલંકી રાજુલા બેઠક ગત ચૂંટણીમાં હાર્યા પછી પૂરી તાકાતથી કમબેક કરવા મથે છે.સ્થાનિક સ્તરે યોજાતા દરેક કાર્યક્રમોમાં મોખરે રહે છે.પરંતુ એમનું પત્તુ કપાય એવી શક્યતા ચર્ચાઈ રહી છે.લાંબા સમયથી સક્રિય નેતાઓને હાંસિયામાં ધકેલીને નવા લોહીને તક આપવાનો પ્રયાસ હોઈ શકે પરંતુ તેમાં ક્યા સક્રિય નેતાને કાપવા એ નક્કી કરવામાં જૂથબંધી પણ પૂરબહારમાં ચાલે છે.જૂનાં સક્રિય નેતા તો જીતુ વાઘાણી પણ છે,પણ તેમનું પત્તું નહિ કપાય.પ્રદીપસિંહ જાડેજા પણ છે,તો ય એમની ટીકિટ નિશ્ચિત મનાય છે.આર.સી.ફળદુ, રાઘવજી પટેલ, પંકજ દેસાઈ પણ જૂના જોગી છે છતાં તેમને એટલો ફફડાટ નથી.