તાજેતરમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાની સરકારના 5 વર્ષની ઉજવણી જુદા જુદા સરકારી કાર્યક્રમો વચ્ચે પૂર્ણ કરી હતી.તો બીજી તરફ છેલ્લા કેટલાય સમયથી સરકાર બદલાઈ છે તેવી અટકળો વહેતી થઈ હતી.જે અટકળોનું ખંડન કરતા હોઈ તેવા અનેક નિવેદનો પણ સામે આવ્યા હતા.થોડાક દિવસો પૂર્વે ખુદ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલનું નિવેદન પણ સામે આવ્યું હતું કે, આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં જ લડાશે.
શુ નેતૃત્વ પરિવર્તનની પ્રક્રિયાથી ભાજપના “ભાઉ” અજાણ હતા?
શનિવારનો દિવસ ગુજરાત ભાજપ અને ગુજરાત રાજ્યની જનતા માટે ચોંકાવનારો સાબિત થયો છે.ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલના આગામી ચૂંટણી માટે પણ નેતૃત્વ પરિવર્તન નહિ થાય તેવા નિવેદનથી વિજય રૂપાણી અને તેના ખેમા સહિતના રાજ્યની આમ પ્રજા પણ આશ્વસ્થ થઈ ગઈ હતી કે, આગામી 2022ની ચૂંટણી વિજય ભાઈ નીતિનભાઈ ના નેતૃત્વમાં જ લડવામાં આવશે.ત્યારે અચાનક જે પ્રમાણે મુખ્ય પ્રધાનપદ પરથી વિજય રૂપાણીએ જે પ્રકારે રાજીનામું આપ્યું તેના પરથી અનેક શંકાઓ તેમજ સવાલો ઊભા થઈ રહ્યા છે.રાજકોટ વર્તુળોમાં ચર્ચાતી વાતો મુજબ સી.આર પાટીલ નું નેતૃત્વ પરિવર્તન નહિ થાય તેવું નિવેદન માત્ર વિજય રૂપાણી અને તેના ખેમાના માણસોને માત્ર આશ્વસ્થ કરવા પૂરતું જ હતું.
જ્યારે કે, નિવેદન થી વિરૂદ્ધ પ્રક્રિયા ગુજરાત થી દિલ્હી દરબાર સુધી થઈ રહી હતી.ગુજરાતથી દિલ્હી દરબાર સુધી આગામી ચૂંટણી અને તેને અંતર્ગત લેવામાં આવનાર નિર્ણયની રાજકીય અને સામાજિક અસરો કયા પ્રકારની રહેશે તે સહિતની તમામ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.તે બાબતનું સ્પષ્ટ આંકડાકીય આંકલન પણ કરવામાં આવ્યું હતું.તમામ આંકલન અને દિલ્હી દરબાર તરફથી મળેલ ગ્રીન સિગ્નલ બાદ શુક્રવારના રોજ ઓફ ધી રેકોર્ડ વિજય રૂપાણીને રાજીનામું આપવા માટે જણાવવામાં આવ્યું હતું.તેમજ તે બાબતે તેમને આગામી ચૂંટણી અને ભાજપની સીટ પર કયા પ્રકારે અસર પહોંચી શકે તેમ છે તે તમામ કારણો દર્શાવી તેમને મનાવી લેવામાં આવ્યા હતા.જેની અસર વિજય રૂપાણી જ્યારે રાજ્યપાલને મળવા ગયા તેમજ ત્યારબાદ તેમને જે પત્રકાર પરિષદ સંબોધિત કરી તેમાં જોઈ શકાય છે.સામાન્ય દિવસો કરતા કઈક અલગ પ્રકારની ઊર્જા સાથે તેમજ મુખાકૃતિ સાથે વિજય રૂપાણી નજરે પડ્યા હતા.
શું સતત બીજા મુખ્યપ્રધાન નો ભોગ પાટીદાર મુખ્યમંત્રીની માંગે લીધો?
સૌ કોઈ જાણે છે કે, આનંદી બેન પટેલે પાટીદાર અનામત આંદોલન તેમના સમયમાં થયું.જેના કારણે પાટીદારો ભાજપથી નારાજ થયા તે સહિતના કારણોસર તેમને રાજીનામું આપ્યું હતું.ખુદ આ વાતને સમર્થન આપતું નિવેદન તાજેતરમાં જ ખોડલધામ ની મુલાકાતે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પણ આપી ચૂક્યા છે. ” આનંદી બહેને સમાજ કરતા રાજધર્મને મહત્વ વધુ આપ્યું હતું ” આ પ્રકારનું નિવેદન આપ્યું હતું મનસુખ માંડવીયાએ.ભાજપના “ભાઉ” અગાઉ જ કહી ચૂક્યા છે કે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણી માં 182/182 સીટ પર કમળ ખીલવશે.ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સી. આર. પાટીલે દરેક સમાજની નાળ પારખવાની તમામ કોશિશો કરી છે.જે અંતર્ગત ખુબજ ઓછી વસ્તી ધરાવતા જૈન સમાજમાંથી આવતા વિજય રૂપાણી ને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
તે વાત પણ પાટીદાર સહિતના સમાજમાંથી આવતા આગેવાનો,નેતાઓ અને કાર્યકર્તાઓએ કહી હતી.આ તમામ સંજોગોમાં મારા સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી હોવો જોઈએ તે પ્રકારના નિવેદનો શરૂ થયા હતા. ખુદ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે પણ મારા સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી હોવો જોઈએ તે પ્રકાર નું નિવેદન ખોડલધામના પંટાંગણમાંથી આપી ચૂક્યા છે.ત્યાર બાદ ઠાકોર સમાજ અને કોળી સમાજ દ્વારા પણ આજ પ્રકાર ના નિવેદનો સામે આવ્યા હતા.આમ, પાટીદાર બાદ ઓબીસી સમજમાંથી ક્ષત્રિય સમાજમાંથી પણ આજ પ્રકારના નિવેદનો થવા લાગ્યા હતા.સરકાર અને સંગઠન આ બાબતે ખૂબ ચિંતિત હતું.જેના કારણે તમામ સમાજની લાગણી જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો.ત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહેલી વાતો અનુસાર વિજય રૂપાણીએ પણ મુખ્યપ્રધાન પદ ઉપરથી રાજીનામું માત્ર પાટીદાર સમાજના કારણે જ આપવું પડ્યું છે.
આગામી વિધાનસભા 2022 ની ચૂંટણી જીતવા માટે ગુજરાત ભાજપ સંગઠન દ્વારા એક નવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે.જે મુજબ 1 સીએમ 1 ડેપ્યુટી સીએમ પાટીદાર અને ઓબીસી સમાજમાંથી બનાવવા જોઈએ. તેમજ 1 સી એમ 2 ડેપ્યુટી સીએમ પાટીદાર ઓબીસી તેમજ એસસીએસટી સમાજમાંથી બનાવવા જોઈએ તે પ્રકારના સમીકરણો હાલ ચર્ચાઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં ભાજપ સીએમ પદ પર જો પાટીદાર સમાજમાંથી આવતા વ્યક્તિ પર જો પોતાની પસંદગી ઉતારશે તો વિજય રૂપાણી પાટીદાર સમાજનો ભોગ બન્યા છે તે વાતને સમર્થન આપોઆપ મળી જશે.
ભાજપ પાટીદાર અને ઓબીસી સમાજની જોડી બનાવે તો વિક્રમ સર્જાય શકે : કિરીટ ગણાત્રા
અકિલા સાંધ્ય દૈનિકના મૌભી છે.તેવા કિરીટભાઈ ગણાત્રાએ સૌથી પહેલા સમાચાર બ્રેક કર્યા હતા કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યપાલને રાજીનામું આપવા જઈ રહ્યા છે.
કોરોના કાળમાં વિજયભાઈએ ખૂબ કામ કર્યું છે.તેમજ તેમના મુખ્ય પ્રધાનપદના કાર્યકાળ દરમિયાન રાજકોટને અનેક વિકાસકાર્યોની ભેટ પણ મળી છે.જેમાં ઇન્ટરનેશનલ એરપોર્ટને એમ્સ હોસ્પિટલ નો પણ સમાવેશ થાય છે.વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે.ત્યારે ભાજપ આગામી ચૂંટણીને ધ્યાને લઇ પાટીદારો અને ઓબીસી સમાજના સીએમ ડેપ્યુટી સીએમ પદની જોડી બનાવે તો 2022 ની ચૂંટણીમાં ભાજપને વિક્રમજનક સીટ મળી શકે. કોઈએ ક્યારેય કલ્પના પણ ન કરી હોય તે પ્રકારનો વિજય ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં મળી શકે તેમ છે.ત્યારે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી સીએમ ડેપ્યુટી સીએમ માટે ક્યાં નામો જાહેર કરે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
પાટીદાર સમાજ અને સી.આર પાટીલ બંનેની મહત્વાકાંક્ષા વિજય રૂપાણીને ભારે પડી?
સી.આર પાટીલ જ્યારથી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા છે. ત્યારથી તેમના તોર તરીકાથી સૌ કોઈ વાકેફ થઈ ચૂક્યા છે.ગુજરાત ની તમામ સીટ પર જીત મેળવવાનો લક્ષ્યાંક હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન પદ પર રહી ચૂકેલા નરેન્દ્ર મોદીએ પણ નહોતો રાખ્યો.તે લક્ષ્યાંક હાલના ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલ સેવી રહ્યા છે. તો બીજી તરફ આનંદી બેન પટેલના મુખ્યપ્રધાન પદના રાજીનામા બાદ ખુદ હાલના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિત મોટાભાગનો પાટીદાર સમાજ ઈચ્છતો હતો કે, મુખ્યપ્રધાન તરીકે પાટીદાર સમાજની વ્યક્તિને સ્થાન મળે.
પરંતુ દિલ્હી દરબારમાંથી આવેલ સૂચના અનુસાર મોં મીઠુ કરી ચૂકેલા નીતિન પટેલને ડેપ્યુટી સીએમ બનાવાયા.જ્યારે કે મુખ્યપ્રધાન પદનો તાજ વિજય રૂપાણીને શિરે પહેરાવવામાં આવ્યો.આમ, અનામત અને ત્યારબાદ પાટીદાર સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બને તે લાગણી ઠેર ઠેર પાટીદાર સમાજમાં જોવા મળી રહી હતી.બીજી તરફ રાજ્યમાં રહેલા ઓબીસી સમાજ અને પાટીદાર સમાજનું જુદી જુદી વિધાનસભા સીટ પર રહેલા નિર્ણાયક મતોને ધ્યાનમાં રાખી દિલ્હી દરબારમાંથી વિજય રૂપાણીને રાજીનામું આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
જે અંતર્ગત તેમને શનિવારના રોજ મનસુખ માંડવીયા,નીતિન પટેલ,પરષોત્તમ રૂપાલા,પ્રદીપ સિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની હાજરીમાં રાજ્યપાલ ને પોતાનુ રાજીનામું સોંપ્યુ હતું.આમ, પાંચ પૈકી બે ક્ષત્રિય સમાજમાંથી આવતા નેતા અને ત્રણ પાટીદાર સમાજમાંથી આવતા નેતાઓને સાથે રાખી વિજય રૂપાણીએ પોતાનું રાજીનામું રાજ્યપાલ ને સોંપ્યું હતું.
ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલના નેતૃત્વ પરિવર્તન નહિ થાય તે પ્રકારનાના નિવેદન બાદ રાજ્યભરમાં એક પણ નવા આંદોલન થયા કે નથી કોઈ પણ જાતનો વર્ગ વિગ્રહ થયો.તેમ છતાં પણ વિજય રૂપાણીએ જે પ્રમાણે મુખ્યપ્રધાન પદ પરથી ઓચિંતું રાજીનામું ધરી દીધું તેના કારણે અનેક તર્ક વિતર્કો ઊભા થઈ રહ્યા છે.આખરે શા માટે વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું તે અંગે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે.