134 વર્ષ ચાલેલી કાનૂની લડાઈ પછી 2019માં સુપ્રીમ કોર્ટે રામ મંદિર નિર્માણનો માર્ગ સાફ કર્યો. 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું.હવે રામ મંદિરનું કામ શરૂ થઈ ગયું છે.આગામી 39 મહિનામાં એટલે કે 2024ની લોકસભા ચૂંટણી આસપાસ મંદિર બનીને તૈયાર થઈ જશે.
મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દેશભરમાંથી ફાળો લેવાનું અભિયાન શરૂ કર્યું છે.બે દિવસમાં જ ટ્રસ્ટને 100 કરોડનો ફાળો મળી ગયો છે.મંદિર માટે કેટલા ફંડની જરૂરિયાત છે? આપ કઈ રીતે ફાળો આપી શકો છો? આખરે આ અભિયાન ક્યાં સુધી ચાલશે? અને મંદિર ક્યાં સુધીમાં બનીને તૈયાર થઈ જશે? આવો જાણીએ…
ટ્રસ્ટનો ફાળો લેવાનો કાર્યક્રમ ક્યાં સુધી ચાલશે?
રામ મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 15 જાન્યુઆરીથી ફાળો લેવાનું શરૂ કર્યું છે.આ અભિયાનને રામ મંદિર નિધિ સંકલ્પ સંગ્રહ અભિયાન નામ આપવામાં આવ્યું છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌપ્રથમ ફાળો આપીને આ અભિયાનની શરૂઆત કરી.કોવિંદે ચેક દ્વારા 5 લાખ 100 રૂપિયાનો ફાળો આપ્યો.
આ અભિયાનમાં પાંચ લાખથી વધુ ગામોના 12 કરોડથી વધુ પરિવારો સુધી પહોંચવાનું લક્ષ્ય છે. 27 ફેબ્રુઆરી સુધી ચાલનારા અભિયાનની દરરોજ સમીક્ષા કરવામાં આવી રહી છે,જેથી ફાળાના નામે કોઈ ફ્રોડ ન થાય.એના પછી પણ કેટલાંક સ્થળોએથી મંદિરના નામે ફાળો મેળવવાના મામલા સામે આવ્યા છે.
કેટલો ફાળો આપી શકાય?
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રએ કહ્યું હતું કે અત્યારે ધન સંગ્રહ અભિયાનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે.આ 31 જાન્યુઆરી સુધી ચાલશે.તેમાં લોકો પાસેથી 2000 કે તેનાથી વધુ ફાળો લેવામાં આવી રહ્યો છે.તેને ચેકથી લેવામાં આવે છે.આ ઉપરાંત 20000 રૂપિયા સુધીની રોકડ સહયોગ ટ્રસ્ટની રસીદો પર પણ લેવામાં આવે છે.
ડોક્ટર મિશ્રએ કહ્યું હતું કે અભિયાનનો બીજો તબક્કો 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. ઘર-ઘર જઈને ફાળો લેવામાં આવશે.આ તબક્કામાં ફાળો લેવા માટે 10, 100 અને 1000 રૂપિયાની કૂપન દ્વારા દાન લેવાશે.ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરિ કહે છે કે આ અભિયાનથી લગભગ 1000 કરોડ રૂપિયાનો ફાળો આવવાનો અંદાજ છે.
કેવી રીતે ફાળો આપી શકીએ?
આપ ઈચ્છો તો સીધા રોકડા આપી શકો છો.ઈચ્છો તો ટ્રસ્ટ દ્વારા રચિત ટુકડીઓને ચેક આપી શકો છો.ટ્રસ્ટના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો અથવા તો ઓનલાઈન પણ દાન આપી શકો છો.કેશ જમા કરાવવાથી તમને એ જ સમયે રસીદ અપાશે,જ્યારે ઓનલાઈન રૂપિયા આપવાથી તમને મેલ પર જનરેટ રસીદ મળશે.બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરનારા લોકો ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટથી રસીદ જનરેટ કરી શકે છે.
આપ ઈચ્છો તો ટ્રસ્ટના અકાઉન્ટમાં સીધા UPI, NEFT, RTGS, IMPS કરી શકો છો. ટ્રસ્ટે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અકાઉન્ટની ડિટેલ આપી છે.
ટ્રસ્ટે સમગ્ર દેશમાં કુલ સવા લાખ ધન સંગ્રહ ટુકડીઓને લગાવી છે. 8 ટુકડી પર એક ધન સંગ્રહ પ્રમુખ રખાયા છે.ટુકડીઓ જે ફાળો એકત્ર કરશે એને પોતપોતાના ધન સંગ્રહ પ્રમુખ પાસે જમા કરાવશે.ધન સંગ્રહ પ્રમુખ આ ફાળો બેન્કમાં જમા કરાવશે. બેન્ક દરરોજ જમા થયેલા ફાળાની વિગતો ટ્રસ્ટને મોકલશે.ટ્રસ્ટ આ રકમને ધન સંગ્રહ પ્રમુખે મોકલેલી વિગતો સાથે મેળવશે.
શું ફાળો આપવાથી ટેક્સમાં છૂટ મળશે?
ઈન્કમ ટેક્સની કલમ 86G 2b અંતર્ગત શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આપવામાં આવેલો ફાળો ટેક્સ ફ્રી હશે.આપ જેટલી પણ રકમ દાન કરશો એના પર કોઈ ટેક્સ નહીં આપવો પડે.
મારા ઘરે કોઈ ફાળો લેવા આવે તો હું કઈ રીતે જાણી શકું કે મારો ફાળો ટ્રસ્ટ સુધી પહોંચશે?
ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય કહે છે, લોકલ લેવલ પર સંઘ પરિવાર સાથે સંકળાયેલા લોકોની ટુકડીઓ બનાવાઈ છે.આ લોકોને સ્થાનિક લોકો જાણે છે.જનતા સાથે હંમેશાં બે લોકો સાથે પૈસા લેવામાં આવશે.એના પછી પણ જો કોઈ ફ્રોડ થાય તો લોકો પોલીસ પાસે જઈને ફરિયાદ કરી શકે છે.આ સાથે જાહેરાત દ્વારા લોકોને જાગ્રત કરવામાં આવી રહ્યા છે.એના પછી પણ જો તમારા મનમાં કોઈ સવાલ હોય કે આપ ફાળા અંગે કોઈ જાણકારી મેળવવા માગો છો તો પંજાબ નેશનલ બેન્કે આ અભિયાન માટે અલગથી ટોલ ફ્રી નંબર જારી કર્યો છે.
અત્યારસુધીમાં કેટલો ફાળો મળી ચૂક્યો છે?
ચંપત રાયે કહ્યું હતું કે શરૂઆતના બે દિવસમાં જ 100 કરોડ રૂપિયાથી વધુનું દાન જમા થઈ ચૂક્યું છે.અભિયાન શરૂ થતાં પહેલાં જ ટ્રસ્ટને 100 કરોડથી વધુનું ફંડ મળી ચૂક્યું હતું.આ સાથે જ વિદેશથી પણ ઘણી રકમ મળી છે.આને હજુ ઈન્ડિયન કરન્સીમાં એક્સચેન્જ કરવામાં આવી નથી,જ્યારે 200 કિલો ચાંદી સહિત અનેક કીમતી ધાતુઓ પણ દાનમાં મળી છે.
શું આ ફાળાના પૈસાથી સમગ્ર મંદિર બની જશે કે વધુ પૈસાની જરૂર પડશે?
મંદિરની અંદાજિત કિંમત 1100 કરોડ રૂપિયા જણાવાઈ હતી. પાયાનો પ્લાન હવે બદલવામાં આવશે.તેનાથી ખર્ચમાં ફરક આવશે.એવું જ ભવિષ્યમાં શું યોજનાઓ લાગુ થાય છે,એનાથી ખર્ચ હજુ વધી શકે છે.ખર્ચ વધવાથી ફાળાનું અભિયાન ચલાવી શકાય છે.
ખજાનચી ગોવિંદ દેવ ગિરિ કહે છે, અત્યારના હિસાબે ખર્ચ 1500 કરોડ રૂપિયા સુધી થઈ શકે છે, જ્યારે ચંપત રાય કહે છે,હજુ કોઈ સીમા નથી કે તેનો ખર્ચ કેટલો થશે.મંદિર બન્યા પછી એનો વિસ્તાર પણ થવાનો છે.જો ફાળો ઓછો એકત્ર થાય છે તો ફાળો લેવાનો કાર્યક્રમ ફરી પણ ચલાવવામાં આવી શકે છે.
રાષ્ટ્રપતિના ઉપરાંત કઈ મોટી હસ્તીઓએ ફાળો આપ્યો છે?
સરસંઘચાલક મોહન ભાગવત,પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ,ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત,મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહ અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદી,મથુરાનાં સાંસદ હેમા માલિની અભિયાનની શરૂઆતમાં જ ફાળો આપી ચૂક્યાં છે.આગળ અનેક મોટી હસ્તીઓ આ લિસ્ટમાં સામેલ થશે.
મંદિર ક્યાં સુધીમાં તૈયાર થઈ જશે?
ચંપત રાય કહે છે, આ અભિયાન વિશ્વનું સૌથી મોટું ધન સંગ્રહ અભિયાન છે.અભિયાનની સાથે જ મંદિર નિર્માણનું કામ શરૂ થઈ ચૂક્યું છે.પાયા માટે કામ ચાલી રહ્યું છે.એપ્રિલ 2024 સુધી એટલે કે 39 મહિનામાં મંદિર બની જશે,એટલે કે એ સમયે જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી હશે.
ફાળો તો 90ના દાયકામાં પણ લેવાયો હતો, એનું શું?
ટ્રસ્ટને રામ જન્મભૂમિ ન્યાસની તરફથી 10 કરોડ રૂપિયા હેન્ડઓવર કરાયા.કહેવામાં આવે છે કે આ પૈસા ફાળાથી જ એકત્ર થયા હતા.જ્યારે VHPનું કહેવું છે કે એ સમયમાં ગામેગામ જઈને ફાળા તરીકે લેવાયેલા સવા રૂપિયાથી સાડાત્રણ કરોડ રૂપિયા આવ્યા હતા.એનાથી પથ્થરો ખરીદવામાં આવ્યા.કારીગર અને મજૂરો પર ખર્ચ કરવામાં આવ્યા. VHPના નક્શીકામ થયેલા પથ્થરોનો પણ મંદિર નિર્માણમાં ઉપયોગ થશે.
જોકે એ સમયમાં જે ફાળો લેવામાં આવ્યો એનાં કોઈ લેખાં-જોખાં આજસુધી આપવામાં આવ્યાં નથી.આને લઈને બધાના પોતપોતાના દાવા થઈ રહ્યા છે. VHPના પ્રવીણ તોગડિયા તો આ ફાળાના પૈસા લઈને અનિયમિતતાની વાત અગાઉ કહી ચૂક્યા છે.