પુણાના ભૈયા નગરમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારૂઓ ફાયરિંગ કરીને એકને ઇજા પહોંચાડી લેપટોપ અને પેનડ્રાઈવની બેગ લૂંટી નાસી ગયા હતા.મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજ ગામના વતની દિક્ષિત રૂપચંદ સોની(34 વર્ષ) હાલમાં પુણાના ભૈયાનગરમાં સારથી હાઈટ્સમાં રહે છે અને ભૈયાનગરમાં જ ભાગ્યલક્ષ્મી જ્વેલર્સના નામથી સોના ચાંદીના-દાગીનાનો વેપાર કરે છે.
રવિવારે સવારે 11-45 વાગે દિક્ષિત પુજા કરતાે હતાે તે સમયે બે જણા ગ્રાહક બનીને દુકાનમાં આવ્યા અને કહ્યું કે તોડિયા(પાયલ) દીખાઓ.દિક્ષિત અને કર્મચારી આદર્શ પાઠક (18) કાંઈ કહે તે પહેલા એક આરોપીએ દેશી પિસ્તોલ કાઢી બેગ લૂંટી હતી. આદર્શે પ્રતિકાર કરતા તેના પગમાં એક ગોળી મારી હતી છતાં આદર્શે પીછો કર્યો હતો. ગોળી આરપાર નીકળી ગઈ હતી.બહાર નીકળીને બંને જણા અન્ય એક આરોપી સાથે બાઇક પર બેસીને નાસી ગયા હતા.તેઓએ લુંટેલી બેગમાં લેપટોપ અને 10 પેન ડ્રાઈવ હતી. રોકડા કે ઘરેણાં લૂંટ્યા ન હતા.
લૂંટારૂઓની ઝડપી પાડવા નાકાબંધી કરાઈ
સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં આવેલા ભૈયાનગરમાં ભાગ્યલક્ષ્મી જ્વેલર્સનો શો રૂમ આવેલો છે.આજે બાઈક પર બે ઈસમો ધસી આવ્યા હતા.ત્યારબાદ ફાયરિંગ કરી લૂંટ ચલાવી બાઈક પર ફરાર થઈ ગયા છે.આ લૂંટની ઘટનામાં એક ઈસમને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.જ્યારે ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે.લૂંટારૂઓની ઝડપી પાડવા નાકાબંધી કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બે શંકાસ્પદ યુવક દેખાયા હતા
જવેલર્સ દિક્ષિતે જણાવ્યું કે,છેલ્લા ઘણા મહિનાથી દુકાનમાં ઓરીજન ઘરેણાં મુક્યા નથી.શનિવારે દુકાનની બહાર બે શંકાસ્પદ યુવક દેખાયા હતા.તેઓ લૂંટારૂઓના સાગરિત હોય એવું લાગે છે.
નવરાત્રિથી પોલીસ આ વિસ્તારમાં ફુટપેટ્રોલિંગ કરી તમામને કહેતી કે,સતર્ક રહેવાનું અને કોઈના પર શંકા જાય તો ચેતી જવાનું અને જરૂર જણાય તો પોલીસને જાણ કરવાનું.જેથી સ્ટાફ સતર્ક હતો.
યુવકને પગમાં ગોળી મારી ફરાર
સીસીટીવી વીડિયો પ્રમાણે,જ્વેલર્સના શો રૂમમાં બે ઈસમો ઘૂસી આવે છે. ત્યારબાદ હાજર યુવકને બંને ઈસમો ગન બતાવી ધમકાવે છે.ત્યારબાદ એક યુવક એક બેગ લઈને જતો નજરે પડે છે.બંને લૂટારૂ પૈકી એક લૂંટારૂ જતા જતા શા રૂમમાં હાજર યુવકના પગમાં ગોળી મારે છે.ત્યારબાદ બંને લૂટારી ફરાર થઈ જા છે. ઈજાગ્રસ્ત યુવક પીછો કરતો પણ સીસીટીવીમાં નજરે પડે છે.
થોડા દિવસ પહેલા ઓઈલ કંપનીના કર્મી લૂંટાયા હતા
સુરત શહેરમાં સરેઆમ ફાયરિંગ અને લૂંટની ઘટનાઓ વધી રહી છે.થોડા દિવસ પહેલા જ રામપુરાના ભરચક વિસ્તારમાં ઓઈલ કંપનીના કાર્મચારી 19 લાખ રૂપિયા લઈને આંગડિયામાં આપવા જતા લૂંટ થઈ હતી.જેમાં આરોપીઓને ઝડપી પાડી પોલીસે રૂપિયા રિકવર કરી સફળ કામગીરી કરી હતી.જોકે,પુણામાં ફાયરિંગ વિથ લૂંટની ઘટનાથી ફરી પોલીસ દોડતી થઈ છે.
લૂંટારૂઓ હરિયાણા અથવા રાજસ્થાનના હોવાની સંભાવના
દિક્ષિતે પોલીસને જણાવ્યુંં હતું કે,લૂંટારૂઓએ તોડિયા માંગ્યા હતા. સાંકળાને રાજસ્થાન તેમજ હરિયાણામાં તોડિયા કહેવાય છે.તેથી આરોપીઓ રાજસ્થાન અથવા હરિયાણાના હોવાની સંભાવના છે.