૧૪-માં નાણાપંચની ગ્રાંટના રૂ.૭૦.૮૦ લાખની ઉચાપત કરી હોવાનો ગુનો નોંધાયો હતો
ચીખલી : ચીખલી ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચે ૧૪-માં નાણાપંચની ગ્રાંટના રૂ.૭૦.૮૦ લાખની ઉચાપત કરી હોવાનો ગુનો નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી ભારતીબેન રતિલાલ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર ચીખલી ગ્રામ પંચાયતમાં ૧૪-માં નાણાપંચના એક્સીસ બેંક ચીખલી શાખામાં વર્ષ ૨૦૧૫-૧૬ થી તા.૧૫/૦૪/૨૦૨૧ સુધીની ગ્રાંટ અને વ્યાજ સહિતની રકમ રૂ.૨,૨૧,૩૩,૨૩૯/- જમા થયેલ હતી.જેમાં તાલુકા પંચાયતની બાંધકામ શાખા દ્વારા કુલ ૧૧૧ જેટલા કામોની વહીવટી મંજૂરી આપવામાં આવેલી હતી.જે પૈકી ૬૯-જેટલા કામો પૂર્ણ થઈ ગયેલ હોય જ્યારે વહીવટી મંજૂરી અપાયેલ પૈકી ૪૨-જેટલા કામો પૂર્ણ થયેલ ન હોય જે મુજબ રૂ.૭૧,૧૨,૨૨૬/- જેટલી રકમ ખાતામાં રહેવી જોઈએ જેના બદલે એક્સીસ બેંક ખાતામાં માત્ર રૂ.૩૧,૪૦૪/- જ રકમ બચત રહેલ છે.જેથી કુલ રૂ.૭૦,૮૦,૮૨૨/- જેટલી રકમની ઉચાપત થયેલ હોવાનું બહાર આવ્યું હતું. ૧૪-માં નાણાપંચની યોજનામાં નાણાકીય લેવડ દેવડ નિયમ મુજબ સરપંચ તથા તલાટી કમ મંત્રીની સંયુક્ત સહીથી કરવાની હોય છે.જેથી ખાતા ધારક તરીકે તલાટી કમ મંત્રી નાથુભાઈ ઉકાભાઈ બિરારી તથા સરપંચ અંકિત ચેતનભાઈ પટેલે એક બીજાની મદદગારીથી અંદાજીત રૂ.૭૦,૮૦,૮૨૨/- ની માતબર રકમ સરકારી નાણામાંથી નાણાકીય ઉચાપત કરેલ હોવાનું બહાર આવતા આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ઉપરોક્ત સરપંચ અને તલાટી સામે રૂ.૭૦.૮૦ લાખ રૂપિયાની ઉચાપત,ઠગાઈ નો ગુનો નોંધી બન્નેની અટક કરી કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા વિધિવત ધરપકડ કરી વધુ તપાસ પીઆઇ-પી.જી.ચૌધરી એ હાથ ધરી હતી.
ટીડીઓ હિરેન ચૌહાણ દ્વારા તપાસના આદેશ કરાતા તપાસમાં ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું
ચીખલી ગ્રામ પંચાયતમાં ૧૪-માં નાણાપંચની ગ્રાંટનું કામ કરનાર કોન્ટ્રાકટરને અપાયેલ ચેકની રકમ સામે પર્યાપ્ત બેલેન્સ બેંકના ખાતામાં ન હોવાનું બહાર આવતા ડેપ્યુટી સરપંચ સહિતના સભ્યોએ ટીડીઓને ૧૪-માં નાણાપંચની ગ્રાન્ટમાં ઉચાપત થઈ હોવાની લેખિત રજુઆત કરતા ટીડીઓ હિરેન ચૌહાણ દ્વારા તપાસના આદેશ કરાતા તપાસમાં ઉચાપત થઈ હોવાનું બહાર આવવા પામ્યું હતું.