મહારાષ્ટ્ર મંત્રાલયમાં મળી દારૂની ખાલી બોટલ, રાજ્યએ આપ્યા તપાસના આદેશ, ભાજપે સાધ્યુ નિશાન

259

મુંબઈ, તા. 10 ઓગસ્ટ : મહારાષ્ટ્રના મંત્રાલય પરિસરના ગ્રાઉન્ડ ફ્લોરમાં દારૂની કેટલીક ખાલી બોટલ મળવાનો મુદ્દો સામે આવ્યો છે.ગ્રાઉન્ડ ફ્લોર પર જે સ્થળે આ બોટલ મળી તેની પાસે જ મુખ્યમંત્રી,મંત્રીઓ,મુખ્ય સચિવ તેમજ અન્ય અધિકારીઓના રૂમ છે.ઘટનાની ગંભીરતાને જોતા ઉદ્ધવ સરકારે તપાસના આદેશ આપ્યા છે.ભાજપે ઉદ્ધવ સરકાર પર દારૂના વેપારીઓ પ્રત્યે નરમ વલણનો આરોપ લગાવતા નિશાન સાધ્યુ છે.

દારૂની આ ખાલી બોટલો કેન્ટીન તરફ જનારા ચઢાણના ગ્રાઉન્ડ ફ્લોર પર મળી છે.આનાથી મંત્રાલયની સુરક્ષા વ્યવસ્થામાં ખામીને લઈને પ્રશ્ન થઈ રહ્યા છે.ઘટનાને લઈને રાજ્યના સામાન્ય વહીવટીતંત્ર રાજ્યમંત્રીએ આશંકા વ્યક્ત કરી કે મંત્રાલયમાં ચાલી રહેલા કેટલાક નિર્માણ કાર્ય કરનારા કોન્ટ્રેક્ટર અથવા શ્રમિકોની આમાં ભૂમિકા થઈ શકે છે.તેમણે કહ્યુ કે આની માહિતી રાજ્યના ગૃહ મંત્રી આપશે.મામલાની વિસ્તૃત તપાસ કરાવવામાં આવશે અને દોષીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
દારૂના વેપારીઓ પ્રત્યે સરકાર નરમ: ભાજપ

મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તાએ આ ઘટનાને લઈને શિવસેના સરકાર પર નિશાન સાધ્યુ છે.તેમણે કહ્યુ કે દારૂ વેપારીઓ પ્રત્યે રાજ્ય સરકારનુ નરમ વલણ સૌ જાણે છે.મંત્રાલયમાં મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલ મળવાની ઘટના સામે આવી છે.ભાજપ નેતાએ કહ્યુ કે ભાજપ સરકારે પૂર્વી મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દારૂ વિતરણ પર રોક લગાવી દીધી હતી,પરંતુ આ સરકારે આવતા જ તે નિર્ણયને પાછા લઈ લીધા.કોરોના લોકડાઉન દરમિયાન પણ રાજ્ય સરકારે દારૂની દુકાન,અન્ય દુકાન માટે રાહત આપ્યા પહેલા જ ખોલવાની પરવાનગી આપી દીધી હતી.

Share Now