નવી દિલ્હી: તા. 5 એપ્રિલ 2022, મંગળવાર : દેશભરમાં અજાનની સામે લાઉડસ્પીકરમાં જ હનુમાન ચાલીસા વગાડવાની વાતે કોમી એખલાસને ડહોળવાનું કામ કર્યું છે અને હવે આ મુદ્દે બીજેપીના ટોચના ધનકુબેર નેતાની ફ્રીની ઓફરે આ મુદ્દે ઘી હોમવાનું કામ કર્યું છે.મહારાષ્ટ્રના બીજેપીના એક નેતાએ જાહેર સ્થળોએ હનુમાન ચાલીસા વગાડવા માટે મફતમાં લાઉડસ્પીકર્સને ઓફર કર્યા છે. આ જાહેરાતે અઝાન વિરુદ્ધ એક અભિયાનને હવા આપવાનું કામ કર્યું છે.
“જે કોઈને પણ મંદિરમાં લાઉડસ્પીકરની લગાવવાની જરુર હોય તે અમારી પાસે ફ્રી માં માંગી શકે છે. બધા હિન્દુઓનો એક જ અવાજ હોવો જોઈએ! જય શ્રી રામ! હર હર મહાદેવ!” તેમ અબજોપતિ અને ભાજપના સૌથી ધનાઢ્ય નેતાઓમાં સામેલ મોહિત કંબોજે ટ્વીટ કર્યું હતુ.આ ઓફર ત્યારે આવી છે જ્યારે ભાજપ અને રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) મસ્જિદોમાંથી અઝાન વગાડતા લાઉડસ્પીકરો પર પ્રતિબંધને મુકવાની તીવ્ર માંગ કરી છે.રાજ ઠાકરેએ ગત સપ્તાહે પોતાની એક સભામાં કહ્યું હતુ કે અજાન લાઉડ સ્પીકર પર વાંચવાથી ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. જો આને રોકવામાં ન આવ્યુ તો દરેક મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.
રાજકીય જશ ખાટવાનું કાવતરૂં :
સમાજવાદી પાર્ટીના નેતા અબૂ આસિમ આજમીએ આ વિવાદ વિશે ટિપ્પણી કરતા કહ્યું કે BMCની ચૂંટણીને જોતા બીજેપી અને સમર્થક પક્ષો દ્વારા માહોલને ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.આ સિવાય બીજેપી નેતા મનોજ કંબોજે પણ પોલીસને ચેલેન્જ કરી હતી કે, મુંબઇ પોલીસમાં હિંમત હોઇ તો અજામ પર ફાઇન લગાવીને બતાવે.BMC ચૂંટણી પહેલા આ વિવાદ MNS અને BJPને શિવસેનાને ઘેરવામાં મદદ કરી શકે છે જે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ સાથે ગઠબંધનમાં સાથે મહારાષ્ટ્રમાં શાસન કરે છે.