(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર : દસ્તાવેજોની નોંધણીમાં ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈને રજિસ્ટ્રેશનમાં પારદર્શકતા લાવવાના ગુજરાત સરકારના પ્રયાસને નાકામિયાબ બનાવવા માટે અને એપોઇન્ટમેન્ટની લાઈન કૂદાવી જવા માટે દસ્તાવેજની પૂરી ફી જમા કરાવ્યા વિના જ અધિકારીઓ સાથેની મિલીભગતમાં માત્ર રૃા.૨૨૦થી ૩૨૦ની ફી ભરીને એપોઈન્ટમેન્ટ લઈને એપોઈન્ટમેન્ટ વખતે ભળતા જ દસ્તાવેજોની નોંધણી કરાવી લેતા હોવાનું બહાર આવ્યું છે.ગાંધીનગરની કચેરીમાં ચાલતી આ ગેરરીતિ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની સબરજિસ્ટ્રારની કચેરીમાં ચાલતી હોવાની શક્યતા છે.તેથી વાસ્તવમાં દસ્તાવેજ કરાવવા ૧૫ દિવસ રાહ જોવી પડે છે. તેને બદલે ગેરરીતિ આચરનારાઓના દસ્તાવેજ વહેલા થઈ જાય છે.
ગાંધીનગર સબરજિસ્ટ્રારની કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરવા માટે રોજના ૨૦૦ જેટલા લોકોને એપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે.તેના સબ રજિસ્ટ્રાર રોજના અંદાજે ૭૫થી ૧૦૦ દસ્તાવેજો રજિસ્ટર કરી શકતા હોવાથી ૧૦થી ૧૫ દિવસનો વેઇટિંગ પિરિયડ આવે છે.સાચા દસ્તાવેજો રજિસ્ટર કરાવવા માગતા લોકો તેમની દસ્તાવેજ પ્રમાણે ભરવાની થતી સંપૂર્ણ ફી ભરીને તેનુ ઇ-ચલણ જમા કરાવીને પછી એપોઈન્ટમેન્ટ લે છે.પરંતુ રૂ. ૧૦ લાખના મૂલ્યનું કરાવેલું બાનાખત કેન્સલ કરાવવા ગુજરાત સ્ટેમ્પ ડયૂટી એક્ટના આર્ટિકલ ૯૨ની જોગવઆઈ હેઠળ એક ટકા લેખે રૂ. ૧૦,૦૦૦ની ફી જમા કરાવવી પડે છે.પરંતુ તેઓ માત્ર રૂ.૨૨૦થી ૩૨૦ની ફી જમા કરાવીને એપોઈન્ટમેન્ટનો સમય મેળવી લે છે.આ રીતે ઇ-ચલણ જમા કરાવી એપોઈન્ટમેન્ટ લઈ લે છે.આ રીતે તેઓ ૧૦-૧૦ એપોઈન્ટમેન્ટ મેળવી લે છે.
ઇ-ચલણ પ્રમાણે તેમનો નંબર આવે ત્યારે ખૂટતી સ્ટેમ્પ ડયૂટી ભરી દઈને તેઓ એપોઈન્ટમેન્ટ લેતી વખતે દર્શાવેલા કામકાજ સિવાયના કામકાજને દર્શાવીને લોગઈન આઈડી બદલાવી લેતા હોવાનું જોવા મળે છે.અધિકારીઓની મિલીભગતમાં જ આ ગરબડ શક્ય છે. તેને પરિણામે જેન્યુઇન દસ્તાવેજ કરાવનારાઓને ૨૦થી ૨૫ દિવસ સુધી રાહ જોવી પડી રહી છે. દસ્તાવેજમાં નામ દર્શાવી પૂરી સ્ટેમ્પ ડયૂટી ભરનારાઓન ેજ એપોઇન્ટમેન્ટ આપવાની સિસ્ટમ લાવે તો આ ગેરરીતિ પરથી પડદો પડી શકે છે.