– સાવચેતીના પગલારૂપે સમગ્ર શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
રાંચી દુમકા, તા. 29 ઓગષ્ટ 2022, સોમવાર : દુમકાના ઝરુવાડીહમાં પેટ્રોલથી સળગાવી દેવામાં આવેલ 16 વર્ષીય વિદ્યાર્થીની અંકિતા શનિવારે મોડી રાત્રે જિદંગીની જંગ હારી ગઈ હતી.છેલ્લા 4 દિવસથી રિમ્સમાં જિદંગી માટે ઝઝૂમી રહેલી અંકિતાએ દમ તોડી દીધો છે.અંકિતાના મોતની માહિતી દુમકા પહોંચતા જ લોકો ગુસ્સે થઈ ગયા હતા.ઘટનાના વિરોધમાં ઠેર-ઠેર દેખાવો થવા લાગ્યા.લોકો દુકાન બંધ કરવા લાગ્યા હતા.જેના કારણે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. સાવચેતીના પગલારૂપે સમગ્ર શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.શહેરમાં 144 લાગૂ કરી દેવામાં આવી છે.
23 ઓગષ્ટના રોજ એકતરફી પ્રેમમાં શાહરૂખ નામના યુવકે બારીમાંથી પેટ્રોલ છાંટીને અંકિતાના શરીરમાં આગ ચાંપી દીધી હતી.તેના કારણે તે લગભગ 95% સળગી ગઈ હતી.ત્યારબાદ તેને ગંભીર હાલતમાં રિમ્સમાં દાખલ કરી હતી.ત્યાં સારવાર દરમિયાન શનિવારે રાત્રે તેનું મોત થઈ ગયું હતું.અંકિતાના મોત બાદ બજરંગ દળ,વિહિપ અને ભાજપા મહિલા મોર્ચાએ દુમકા બંધ કરાવી દીધું હતું.આક્રોશિત લોકોએ સમગ્ર દુમકામાં વિરોધ પ્રદર્શન કર્યું છે.લોકોની માગ હતી કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરી આરોપીને ફાંસી આપવામાં આવે.
મૃતક વિદ્યાર્થીનીના ઘરે પહોંચ્યા એસપી
દુમકા એસપી રવિવારે સાંજે અંકિતાના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પરિવારજનોને આશ્વાસન આપ્યું કે, દોષી યુવકને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરાવીને સજા અપાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.હત્યાનો આરોપી શાહરૂખ હાલમાં દુમકા જેલમાં છે. યુવતીના મોત બાદ વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે.તંત્રએ કલમ 144 લાગૂ કરી છે.
અંકિતા પંચતત્વમાં વિલીન
સઘન સુરક્ષા વચ્ચે અંકિતાની અર્થીને ઘરથી કાઢવામાં આવી હતી. તેમનો અંતિમ સંસ્કાર બેતિયા ઘાટ પર કરવામાં આવશે.મોટી સંખ્યામાં દુમકાના લોકો અંતિમ યાત્રામાં સામેલ થયા હતા.શહેરમાં પરિસ્થિતિ વણસે નહીં એટલા માટે પોલીસે કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા છે જોકે, પોલીસ તેના વિશે કંઈ પણ કહેવાથી બચી રહી છે.આજે અંકિતાનો પાર્થિવ શરીર પંચતત્વમાં વિલીન થઈ ગયો છે.અંકિતાના દાદાએ અંકિતાને મુખાગ્નિ આપી હતી.
આ હત્યાકાંડમાં ગવર્નરે લીધું સંજ્ઞાન
અંકિતા હત્યાકાંડમાં મોટી કાર્યવાહી થઈ છે.આ મામલે ઝારખંડના રાજ્યપાલ રમેશ બેસે સંજ્ઞાન લીધું છે.આ મામલે સંજ્ઞાન લેતા ઝારખંડના રાજ્યપાલે DGP નીરજ સિંહા અને ઝારખંડના મુખ્ય સચિવ સુખદેવ સિંહને તેડું મોકલ્યું છે.