અમદાવાદ,તા.01 સપ્ટેમ્બર,ગુરૂવાર : પોક્સો સાથે જો એટ્રોસીટીનો ગુનો હોય તો હવેથી ગુજરાત હાઇકોર્ટમાં વકીલોએ ફોજદારી પરચૂરણ અરજી(ક્રિમીનલ મીસેલીનીયસ એપ્લિકેશન)દાખલ કરવાની રહેશે અને રજિસ્ટ્રીએ પણ ફોજદારી પરચૂરણ અરજી તરીકે જ નોંધણી કરી તે મેટર દાખલ કરવાની રહેશે.ગુજરાત હાઇકોર્ટે ચીફ જસ્ટિસના નિર્દેશાનુસાર આ અંગે મહત્વનો પરિપત્ર જારી કરી તે મુજબ તેનો અમલ કરવા સંબંધિત લોકોને તાકીદ કરી છે.
અગાઉ એટ્રોસીટીનો ગુનો હોય તો ક્રિમીનલ અપીલ દાખલ કરવી પડતી હતી, પરંતુ હવે બસિચ દાખલ કરવાની રહેશે
હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, જસ્ટિસ એ.એસ.સુપહીયાએ એક કેસમાં તા.૫-૧૦-૨૦૨૦ના રોજ આપેલા ચુકાદામાં ઠરાવ્યું હતું કે, પોક્સો કાયદો અને એટ્રોસીટી કાયદા હેઠળ નોંધાયેલા ગુનામાં દાખલ થતી જામીન અરજી રજિસ્ટ્રીએ ંક્રિમીનલ મીસેલીનીયસ એપ્લિકેશન એટલે કે, ફોજદારી પરચૂરણ અરજીના મથાળા હેઠળ નોંધવાની રહેશે.આ ચુકાદા અનુસંધાનમાં ચીફ જસ્ટિસે તાત્કાલિક અસરથી તેનો અમલ કરવા નિર્દેશ કરતાં રજિસ્ટ્રાર(જયુડીશીયલ) દ્વારા આ અંગે પરિપત્ર જારી કરી તાકીદ કરવામાં આવી છે કે, ધી પ્રિવેન્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એકટ-૨૦૧૨ અને ધી શીડયુલ કાસ્ટ એન્ડ શીડયુલ ટ્રાઇબ(પ્રિવેન્શન ઓફ એટ્રોસીટીઝ) એકટ-૧૯૮૯ એમ બંને હેઠળ નોંધાયલેા ગુનામાં સીઆરપીસીની કલમ-૪૩૯ની જોગવાઇ અન્વયે ફાઇલ કરવામાં આવતી જામીન અરજી હવેથી ફોજદારી પરચૂરણ અરજી તરીકે નંબર પડાશે અને દાખલ થશે.ઉલ્લેખનીય છે કે, અગાઉ એટ્રોસીટીનો ગુનો હોય તો ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરવી હોય તો ક્રિમીનલ અપીલ દાખલ કરવાની રહેતી હતી પરંતુ હવે અન્ય ગુનાઓની જેમ ફોજદારી પરચૂરણ અરજી દાખલ કરવાની રહેશે.ઉલ્લેખનીય છે કે, આઇપીસીના વિવિધ ગુનાઓ હેઠળ હાઇકોર્ટમાં જામીન અરજી કરવાની હોય તો ફોજદારી પરચૂરણ અરજી જ દાખલ થાય છે, એ જ પ્રમાણે હવે પોક્સોની સાથે એટ્રોસીટી એકટનો ગુનો હશે તો ફોજદારી પરચૂરણ અરજીના મથાળા હેઠળ જ જામીન અરજી ફાઇલ થશે, ક્રિમીનલ અપીલ તરીકે નહી.