એક તરફ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી ડોલવા લાગી છે. આ મામલે ઉપમુખ્યમંત્રી અજીત પવારની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક પણ યોજાઈ હતી. જેમાં ઉદ્ધવ ઠાકરેનું નામ રાજ્યપાલ કોટા માટે ગવર્નર ભગત સિંહ કોશ્યારીને મોકલી આપવામાં આવ્યું છે. હવે ઉદ્ધવ ઠાકરેનું ભાવી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના હાથમાં છે તેમ કહી શકાય.
ઉદ્ધવ ઠાકરે કોઈ પણ સદનના સભ્ય નથી.ના તો વિધાનસભા કે ના તો વિધાનપરિષદના. હવે કોરોના વાયરસના ખતરાના કારણે મહારાષ્ટ્રમાં એમએલસીની ચૂંટણી ટાળી દેવામાં આવી છે જેના કારણે ઉદ્ધવ ઠાકરે સામે મુખ્યમંત્રી પદની ખુરશી બચાવી રાખવાનો પડકાર ઉભો થયો છે.
ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બર, 2019ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. બંધારણની કલમ 164 (4) અંતર્ગત ઉદ્ધવ ઠાકરેને 6 મહિનામાં રાજ્યના કોઈ પણ સદનનો સભ્ય બનવું અનિવાર્ય છે. જેથી ઉદ્ધવ ઠાકરેએ પોતાની મુખ્યમંત્રીની ખુરસી બચાવી રાખવા માટે 28 મે પહેલા વિધાનમંડળના સભ્ય બનવુ જરૂરી છે.
ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભાના સભ્ય બવાવવા માટે શિવસેનાન્ના કોઈ ધારાસભ્યઈ રાજીનામું આપવુ પડશે. ત્યાર બાદ ચૂંટણી પંચે 29 મે થી 45 દિવસ પહેલા ચૂંટણીની જાહેરાત કરવાની રહેશે. મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની જે સંખ્યા છે, તેમાં કોઈ પણ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવા નહીં ઈચ્છે. જ્યારે મુખ્યમંત્રી પદની ખુરસી ટકાવી રાખવાનો બીજો રસ્તો વિધાન પરિષદનું સભ્યપદ મેળવવાનો છે. તેના માટે ચૂંટણી પંચે માત્ર 15 દિવસ પહેલા અધિસૂચના જાહેર કરવાની રહેશે.
મહારાષ્ટ્ર વિધાન પરિષદના 9 સભ્યોનો કાર્યકાળ 24મી એપ્રિલે પુરો થઈ રહ્યો છે. આ 9 વિધાન પરિષદ બેઠકો પર ચૂંટણી યોજાવવાની હતી પણ તેને કોરોનાના સંકટના કારણે ટાળી દેવામાં આવી છે.
હવે ઉદ્ધવ ઠાકરે સામે બે વિકલ્પ છે. તેમાં પહેલો વિકલ્પ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર નિર્ભર રહેશે. મહારાષ્ટ્રમાં રાજ્યપાલ દ્વારા માનોનીત થનારી વિધાન પરિષદની બે બેઠકો ખાલી છે. તેમાંથી એક બેઠક પર રાજ્ય સરકાર ઉદ્ધવ ઠાકરેના નામની રાજ્યપાલને ભલામણ કરે તો. સરકાર દ્વારા મોકલવામાં આવેલા નામ પર રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સહમત થાય તો ઉદ્ધવ ઠાકરે પોતાની સીએમ પદની ખુરશી બચાવી રાખવામાં સફળ થશે.
ઉદ્ધવ સામે બીજો વિકલ્પ એ રહે છે કે, તેઓ ગત શપથ ગ્રહણના છ મહિનાનો સમયગાળો પૂર્ણ થાય તે પહેલા જ સીએમ પદેથી રાજીનામું આપે. ત્યાર બાદ તેઓ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરે તો તેમને સીએમ પદ માટે અધારે 6 મહિનાનો સમય મળી જશે.
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જવાબ મલિકે જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે એમએલસીની ચૂંટણી ટાળી દેવામાં આવી છે. તેથી રાજ્યપાલના કોટાની ભલામણ કરી બે એમએલસી બેઠકોમાંથી એક પર ઉદ્ધવ ઠાકરેના નામની ભલામણ કરવામાં આવી છે. જેથી હવે ઉદ્ધવ ઠાકરેની સીએમ પદની ખુરશી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના હાથમાં છે.