રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૫.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૯૪૯.૭૬ સામે ૪૯૧૬૯.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૦૩૬.૩૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૧.૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૬.૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૨૦૬.૪૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૬૯.૯૫ સામે ૧૪૮૩૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૮૦૩.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૪.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૦.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮૬૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોનાની અત્યંત ઘાતક નીવડી રહેલી બીજી લહેરના પરિણામે દેશભરમાં મોટાભાગના રાજયોમાં લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ અને હવે દેશવ્યાપી લોકડાઉન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થવાની અટકળો વચ્ચે દેશમાં બેરોજગારી મોટાપાયે વધવાના એંધાણે અને કોરાનાને અંકુશમાં લેવા વેક્સિનેશનને વેગ આપવાની આવશ્યકતાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જંગી રૂ.૫૦,૦૦૦ કરોડના સ્ટીમ્યુલસ રૂપી સિસ્ટમમાં પ્રવાહિતા ઊભી કરવાના પગલાં જાહેર કરતાં આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ જોવા મળી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશમાં વેક્સિનના ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે ફાર્મા કંપનીઓને જરૂરી ફંડિંગ કરવા બેન્કોને આ માટે પ્રવાહિતા ઉપલબ્ધ કરવાનું જાહેર કરતાં અને ફાર્મા ક્ષેત્રે દવાઓના ઉત્પાદન માટે પણ પ્રવાહિતા ઉપલબ્ધ કરાવવાના પગલાં જાહેર કર્યાની પોઝિટીવ અસર આજે બજાર પર થઈ હતી. હવે આગામી દિવસોમાં કેન્દ્રિય નાણા મંત્રાલય દ્વારા ઉદ્યોગો માટે સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરે એવી બતાવાતી શકયતાએ ફંડોએ આજે મેટલ, બેઝિક મટિરિયલ્સ અને ટેલિકોમ શેરોની આગેવાનીમાં અફડાતફડીના અંતે તેજી કરતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સીડીજીએસ, આઇટી, કેપિટલ ગુડ્સ અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૧૨ અને વધનારની સંખ્યા ૧૬૯૮ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ચોથા ત્રિમાસિક અને પૂર્ણ નાણાકીય વર્ષના પરિણામોની સીઝનમાં અનેક કંપનીઓની કામગીરીમાં જોવાયેલા સુધારાના પરિણામે ફંડોએ આ પરિણામોની અપેક્ષાએ શેરોમાં તેજી કરી છે. કોરોના સંક્રમણની બીજી લહેર વધુ ખતરનાક નીવડી દેશભરમાં આ મહામારીએ આતંક મચાવ્યો હોઈ આર્થિક મોરચે આગામી દિવસોમાં ફરી માઠાં પરિણામોની શકયતા વચ્ચે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીની શકયતા જોવાઈ રહી છે.
મારા મતે જેમ જેમ વેક્સિનેશન પ્રોગ્રામ વ્યાપક બનશે તેમ તેમ સ્થિતિમાં સુધારો જોવા મળશે. કોરોનાના રસીકરણ અભિયાન હેઠળ મોટાભાગની વસ્તીને આવરી લેવાયા બાદ વર્તમાન નિયંત્રણો હળવા બનશે અને તેને પરિણામે આર્થિક ગતિવિધિઓને નોંધપાત્ર વેગ મળશે, જેનાથી ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ જોવાશે. ચાલુ સપ્તાહે પણ ફંડો-દિગ્ગજોએ બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે, એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે.